A A A A A

ભગવાન: [નાણાકીય આશીર્વાદ]


૧ સેમ્યુઅલ ૨:૭
યહોવા દરિદ્રી કરે છે, ને દ્રવ્યવાન પણ કરે છે: તે પાડે છે, ને તે જ ઉઠાડે છે.

૨ કોરીંથી ૮:૯
કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે, તે ધનવાન છતાં તમારે લીધે દરિદ્રી થયા, એ માટે કે તમે તેમની દરિદ્રતાથી ધનવાન થાઓ.

૩ જ્હોન ૧:૨
વહાલા હું પ્રાર્થના કરું છું કે જેમ તારો આત્મા કુશળ છે તેમ તું સર્વ વાતે કુશળ તથા તંદુરસ્ત રહે.

સભાશિક્ષક ૯:૧૦
જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર; કેમ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.

ગલાટિયન ૬:૯
તો સારું કરતાં આપણે થાકવું નહિ; કેમ કે જો કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું.

જિનેસિસ ૧૩:૨
અને ઇબ્રામ પાસે ઢોર તથા રૂપું તથા સોનું ઘણું હોવાથી તે બહુ ધનવાન હતો.

હોસિયા ૪:૬
મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે; તેં જ્ઞાનનો અનાદર કર્યો છે, તે માટે હું પણ તને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ; તું તારા ઈશ્વરના નિયમને ભૂલી ગયો છે, તો હું પણ તારા વંશજોને ભૂલી જઈશ.

જેમ્સ ૫:૧૨
પણ મારા ભાઈઓ, વિશેષ કરીને તમે સમ ન ખાઓ, આકાશના નહિ કે પૃથ્વીના નહિ તેમ જ બીજા કોઈના સમ ન ખાઓ, પણ તમને સજા ન થાય, માટે તમારી “હા” તે સાફ “હા” અને “ના” તે સાફ “ના” થાય.

જ્હોન ૬:૧૨
તેઓ ધરાયા પછી તે પોતાના શિષ્યોને કહે છે, “કંઈ નકામું ન જાય માટે છાંડેલા કકડા એકઠા કરો”

એલજે ૬:૩૮
આપો ને તમને અપાશે; સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ [ઠાલવી] દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી આપવામાં આવશે.”

એલજે ૧૨:૩૪
કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત રહેશે.

ઉકિતઓ ૧૦:૨૨
યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે. અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી.

ઉકિતઓ ૧૧:૧૪
જ્યાં આગેવાન અજ્ઞાન હોય, ત્યાં લોકો [ખાડામાં] પડે છે; પણ પુષ્કળ સલાહકારો હોય ત્યાં સલામતી છે.

ઉકિતઓ ૧૯:૧૭
ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે, તે તેને તેના સુકૃત્યનો બદલો આપશે.

ઉકિતઓ ૨૧:૧૭
મોજશોખ ઉડાવનાર માણસ દરિદ્રી થશે; દ્રાક્ષારસ તથા તેલનો રસિયો દ્રવ્યવાન થશે નહિ.

ઉકિતઓ ૨૨:૯
ઉદાર દષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે; કેમ કે તે પોતાના અન્‍નમાંથી દરિદ્રીને આપે છે.

ઉકિતઓ ૨૮:૨૨-૨૭
[૨૨] ભૂંડી નજરવાળો દ્રવ્યની પાછળ દોડે છે, અને જાણતો નથી કે પોતાને ત્યાં દરિદ્રતા આવી પડશે.[૨૩] જીભની ખુશામત કરનારના કરતાં માણસને ઠપકો આપનાર પાછળથી વધારે કૃપા પામશે.[૨૪] જે કોઈ પોતાના પિતાને અથવા પોતાની માને લૂંટીને એમ કહે, “એમાં કંઈ દોષ નથી, ” તે નાશ કરનારનો સોબતી છે.[૨૫] જે માણસ લોભી મનનો હોય છે, તે કજિયા સળગાવે છે; પણ યહોવા પર ભરોસો રાખનારને પુષ્ટ કરવામાં આવશે.[૨૬] જે માણસ પોતાના હ્રદય પર ભરોસો રાખે છે તે મૂર્ખ છે; પણ જે કોઈ ડહાપણથી વર્તે છે તેનો બચાવ થશે.[૨૭] દરિદ્રીને દાન આપનારને ખોટ પડશે નહિ; પણ જે માણસ પોતાની આંખો મીંચી જાય છે તેને ઘણો શાપ મળશે.

ગીતશાસ્ત્ર ૨૪:૧
દાઉદનું ગીત. પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાનાં છે; જગત તથા તેમાં રહેનારાં [પણ તેમનાં છે].

મેથ્યુ ૬:૩૩
પણ તમે પહેલા તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.

મેથ્યુ ૨૩:૨૩
ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે ફુદીનાનો તથા સુવાનો તથા જીરાનો દશમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્‍ત્રની મોટી વાતો, એટલે ન્યાયીકરણ તથા દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે! તમારે આ કરવાં, ને એ પડતાં મૂકવાં જોઈતાં ન હતાં.

મેથ્યુ ૨૫:૨૧
ત્યારે તેના પ્રભુએ તેને કહ્યું, ‘શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો ‌છે; હું તને ઘણા પર ઠરાવીશ. તું તારા પ્રભુના આનંદમાં પેસ.’

રોમન ૧૩:૮
એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો, કેમ કે જે કોઈબીજા ઉપર પ્રેમ રાખે છે તેણે નિયમને પૂરેપૂરો પાળ્યો છે.

ઉકિતઓ ૩:૯-૧૦
[૯] તારા દ્રવ્યથી, તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાનું સન્માન કર;[૧૦] એમ [કરવાથી] તારી વખારો ભરપૂર થશે, અને તારા દ્રાક્ષાકુંડો નવા દ્રાક્ષારસથી ઊભરાઈ જશે.

ગીતશાસ્ત્ર ૧૨૧:૧-૨
[૧] ચઢવાનું ગીત. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ; મને ક્યાંથી સહાય મળે?[૨] જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં છે, તેમની તરફથી મને સહાય મળે છે.

ચિહ્ન ૧૧:૨૨-૨૩
[૨૨] અને ઈસુ તેઓને કહે છે, “ઈશ્વર પર વિશ્વાસ રાખો.[૨૩] કેમ કે હું તમને ખચીત કહું છું કે, જે કોઈ આ પર્વતને એમ કહે કે ખસી જા, ને સમુદ્રમાં નંખા! અને પોતાના હ્રદયમાં; સંદેહ ન લાવતાં વિશ્વાસ રાખશે કે, જે હું કહું છું કે, તે થશે; તો તે તેને માટે થશે.

જિનેસિસ ૧:૨૬-૨૭
[૨૬] અને ઈશ્વરે કહ્યું, “આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા ગ્રામ્યપશુઓ પર, તથા આખી પૃથ્વી પર, તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે.”[૨૭] એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્‍ન કર્યું, ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્‍ન કર્યું; તેણે તેઓને નરનારી ઉત્પન્‍ન કર્યાં.

૨ કોરીંથી ૯:૬-૮
[૬] પણ આટલું [તો ખરું છે] કે, જે કૃપણતાથી વાવે છે તે લણશે પણ કૃપણતાથી; અને જે ઉદારતાથી વાવે છે, તે લણશે પણ ઉદારતાથી.[૭] જેમ દરેકે પોતાના હ્રદયમાં અગાઉથી ઠરાવ્યું છે, તે પ્રમાણે તેણે આપવું. ખેદથી નહિ કે, ફરજિયાત નહિ. કેમ કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.[૮] વળી ઈશ્વર તમારા પર સર્વ [પ્રકારની] પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે કે, જેથી હંમેશાં તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે, તમે સર્વ સારાં કામોની વૃદ્ધિ કરતા રહો.

એલજે ૧૪:૨૮-૩૦
[૨૮] કેમ કે તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલવહેલાં બેસીને ખરચ નહિ ગણે કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ?[૨૯] રખેને પાયો નાખ્યા પછી તે પૂરો કરી શકે નહિ. ત્યારે જેઓ જુએ તેઓ સર્વ તેની મશ્કરી કરવા લાગે.[૩૦] અને કહે કે, આ માણસ બાંધવા લાગ્યો, પણ પૂરું કરી શક્યો નહિ.

એલજે ૬:૩૪-૩૬
[૩૪] વળી જેઓની પાસેથી તમે પાછું લેવાની આશા રાખો છો, તેઓને જો તમે ઉછીનું આપો, તો તેમાં તમારી મહેરબાની શાની? કેમ કે પાછું લેવા માટે પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે.[૩૫] પણ તમે તમારા વૈરીઓ પર પ્રેમ રાખો, તેઓનું ભલું કરો, ને કચવાયા વગર ઉછીનું આપો; એથી તમને ઘણું પ્રતિફળ મળશે, અને તમે સર્વોચ્ચ ઈશ્વરના દીકરાઓ થશો; કેમ કે અનુપકારીઓ પર તથા ભૂંડાઓ પર તે માયાળુ છે.[૩૬] માટે જેવા તમારા પિતા દયાળુ છે, તેવા તમે દયાળુ થાઓ.

જેમ્સ ૫:૧-૩
[૧] હવે ચાલો, શ્રીમંતો, તમારા પર પડનારાં સંકટોને લીધે તમે વિલાપ કરો અને રડો.[૨] તમારી સંપત્તિ સડી ગઈ છે, અને તમારાં લૂગડાંને ઊધિઇ ખાઈ ગઈ છે.[૩] તમારું સોનું તથા રૂપું કટાઈ ગયું છે. અને તેનો કાટ તમારી વિરુદ્ધ સાક્ષી આપશે, અને અગ્નિની જેમ તમારાં શરીરોને ખાઈ જશે. તમે છેલ્‍લા સમયને માટે સંપત્તિ સંઘરી રાખી છે.

જિનેસિસ ૧૨:૧-૨૦
[૧] અને યહોવાએ ઇબ્રામને કહ્યું, “તું તારો દેશ, તથા તારાં સગાં, તથા તારા પિતાનું ઘર મૂકીને, જે દેશ હું તને દેખાડું તેમાં જા;[૨] અને હું તારામાંથી એક મોટી કોમ ઉત્પન્‍ન કરીશ, ને તને આશીર્વાદ આપીશ, ને તારું નામ મોટું કરીશ; અને તું આશીર્વાદરૂપ થશે:[૩] અને જેઓ તને આશીર્વાદ આપે તેઓને હું આશીર્વાદ આપીશ, ને જેઓ તને શાપ આપે તેઓને હું શાપ આપીશ; અને તારામાં પૃથ્વીનાં સર્વ કુટુંબ આશીર્વાદ પામશે.[૪] અને યહોવાના કહ્યા પ્રમાણે ઇબ્રામ નીકળ્યો; અને તેની સાથે લોત ગયો; અને ઇબ્રામ હારાનથી નીકળ્યો, ત્યારે તે પંચોતેર વર્ષનો હતો.[૫] અને ઇબ્રામે પોતાની પત્ની સારાયને તથા પોતાના ભત્રીજા લોતને, તથા જે સર્વ સંપત્તિ તેઓએ મેળવી હતી, તથા જે સર્વ સંપત્તિ તેઓએ મેળવી હતી, તથા જે માણસો તેમને હારાનમાં પ્રાપ્ત થયાં હતાં તેઓને સાથે લીધાં; અને તેઓ કનાન દેશમાં જવાને નીકળ્યાં, ને કનાન દેશમાં આવી પહોંચ્યાં.[૬] અને ઇબ્રામ તે દેશમાં થઈને શખેમની સીમમાં મોરેના એલોન ઝાડ સુધી ગયો. તે વખતે કનાનીઓ તે દેશમાં રહેતા હતા.[૭] અને યહોવાએ ઇબ્રામને દર્શન આપીને કહ્યું, “હું તારા વંશજોને આ દેશ આપીશ.” અને જે યહોવાએ તેને દર્શન આપ્યું હતું તેમને માટે તેણે ત્યાં વેદી બાંધી.[૮] અને ત્યાંથી નીકળીને બેથેલની પૂર્વબાજુએ જે પર્વત છે ત્યાં તે ગયો. અને તેણે ત્યાં તંબુ માર્યો, ત્યાંથી પશ્વિમે બેથેલ તથા પૂર્વે આય હતું. અને ત્યાં તેણે યહોવાને માટે વેદી બાંધી, ને યહોવાને નામે પ્રાર્થના કરી.[૯] ત્યાર પછી ઇબ્રામ જતાં જતાં નેગેબ તરફ ગયો.[૧૦] ત્યાર પછી તે દેશમાં દુકાળ પડ્યો; અને દેશમાં દુકાળ ભારે હોવાથી ઇબ્રામ મિસરમાં રહેવા ગયો.[૧૧] અને એમ થયું કે, તે જતાં જતાં લગભગ મિસર પહોંચ્યો ત્યારે તેણે પોતાની પત્ની સારાયને કહ્યું, “જો, હું જાણું છું કે તું દેખાવમાં સુંદર સ્‍ત્રી છે;[૧૨] અને તેથી એમ થશે કે, મિસરીઓ તને જોઈને કહેશે કે, આ તેની પત્ની છે. અને તેઓ મને મારી નાખશે, પણ તને જીવતી રાખશે.[૧૩] તો ‘હું તેની બહેન છું, ’ એમ તું કહેજે; એ માટે કે તારે લીધે મારું ભલું થાય, ને તારાથી મારો જીવ બચે.”[૧૪] અને એમ થયું કે, ઇબ્રામ મિસરમાં આવી પહોંચ્યો, ત્યારે મિસરીઓએ જોયું કે તે સ્‍ત્રી બહુ સુંદર છે.[૧૫] અને ફારુણા સરદારોએ તેને જોઈને ફારુનની આગળ તેનાં વખાણ કર્યાં. અને તે સ્‍ત્રીને ફારુનને ઘેર લઈ જવામાં આવી.[૧૬] અને તેણે સારાયને લીધે ઇબ્રામનું ભલું કર્યું; અને તેણે તેને ઘેટાં તથા બળદો તથા ગધેડા તથા દાસો તથા દાસીઓ તથા ગધેડીઓ તથા ઊંટો આપ્યાં.[૧૭] અને યહોવા ઇબ્રામની પત્ની સારાયને લીધે ફારુન તથા તેના પરિવાર પર મોટું દુ:ખ લાવ્યા.[૧૮] ત્યારે ફારુને ઇબ્રામને તેડાવીને કહ્યું, “આ તેં મને શું કર્યું? તેં મને એમ કેમ ના કહ્યું કે તે મારી પત્ની છે?[૧૯] તેં શા માટે એમ કહ્યું કે તે મારી બહેન છે? કે જેથી મેં તેને મારી પત્ની કરવા માટે લીધી; હવે, જો, આ રહી તારી પત્ની, તેને લઈ જા.”[૨૦] અને ફારુને પોતાનાં માણસોને તેનાં સંબંધી આજ્ઞા કરી. અને તેઓ તેને તથા તેની પત્નીને તથા તેની સર્વ સંપત્તિને માર્ગે વળાવી આવ્યા.

મેથ્યુ ૬:૧-૩૪
[૧] માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારાં ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો, નહિ તો આકાશમાંના તમારા પિતા પાસેથી તમને ફળ મળવાનું નથી.[૨] ‘એ માટે જ્યારે તું દાનધર્મ કરે, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણશિંગડું ન વગાડ. હું તમને ખચીત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.[૩] પણ તું જ્યારે દાનધર્મ કરે, ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે.[૪] એ માટે કે તારાં દાનધર્મ ગુપ્તમાં થાય; અને ગુપ્તમાં જોનાર તારા પિતા તને તેનો બદલો આપશે.[૫] અને જ્યારે તમે પ્રાર્થના કરો છો‍ત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ, માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને ગમે છે. હું તમને ખરેખર કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.[૬] પણ જ્યારે તું પ્રાર્થના કરે, ત્યારે તારી ઓરડીમાં પેસ, ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા પિતાની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારા પિતા તને બદલો આપશે.[૭] અને તમે પ્રાર્થના કરતાં વિદેશીઓની જેમ અમથો લવારો ન કરો, કેમ કે તેઓ ધારે છે, ‘અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે.’[૮] એ માટે તમે તેઓના જેવા ન થાઓ. કેમ કે જેની તમને અગત્ય છે, તે તેની પાસે માગ્યા અગાઉ તમારા પિતા જાણે છે.[૯] માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ઓ આકાશમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.[૧૦] તમારું રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.[૧૧] દિવસની અમારી રોટલી આજ અમને આપો.[૧૨] અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તમે અમારાં ઋણો અમને માફ કરો.[૧૩] અને અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો. [કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારાં છે. આમીન.][૧૪] કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો, તો તમારા આકાશમાંના પિતા તમને પણ માફ કરશે.[૧૫] પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધ પણ તમને માફ નહિ કરશે.[૧૬] વળી જ્યારે તમે ઉપવાસ કરો, ત્યારે ઢોંગીઓની જેમ લેવાઈ ગયેલા મોંના ન થાઓ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા માટે તેઓ પોતાનાં મોં કસાણાં કરે છે. હું તમને ખરેખર કહું છું કે તેઓ પોતાનો બદલો પામી‍ ચૂક્યા છે.[૧૭] પણ તું ઉપવાસ કરે, ત્યારે તારા માથા પર તેલ ચોપડ, ને તારું મોં ધો.[૧૮] એ માટે કે માણસોને નહિ, પણ તારા પિતા જે ગુપ્તમાં છે તેમને તું ઉપવાસી દેખાય, ને ગુપ્તમાં જોનારા તારા પિતા તને બદલો આપશે.[૧૯] પૃથ્વી પર પોતાને માટે દ્રવ્ય એકત્ર ન કરો, જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે, ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જાય છે.[૨૦] પણ તમે પોતાને માટે આકાશમાં દ્રવ્ય એકત્ર કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા, ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જતા નથી.[૨૧] કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.[૨૨] શરીરનો દીવો આંખ છે, એ માટે જો તારી આંખ નિર્મળ હોય, તો તારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે.[૨૩] પણ જો તારી આંખ ભૂંડી હોય, તો તારું આખું શરીર અંધકારે ભરેલું થશે, માટે તારામાં જે અજવાળું છે, તે જો અંધકારરૂપ હોય, તો તે અંધકાર કેટલો મોટો![૨૪] કોઈથી બે માલિકની ચાકરી કરાય નહિ, કેમ કે તે એક ૫ર દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે; અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે, ઈશ્વરની તથા દ્રવ્યની સેવા તમારાથી થઈ શકે નહિ.[૨૫] એ માટે હું તમને કહું છું કે તમારા જીવને માટે ચિંતા ન કરો કે, ‘અમે શું ખાઈશું અથવા શું પીશું;’ અને તમારા શરીરને માટે ચિંતા ન કરો કે ‘અમે શું પહેરીશું.’ શું જીવ ખોરાક કરતાં, ને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી?[૨૬] આકાશનાં પક્ષીઓને જુઓ! તેઓ તો વાવતાં નથી, ને કાપતાં નથી, ને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા આકાશમાંના પિતા તેઓનું પાલન કરે છે. તો તેઓ કરતાં તમે અધિક નથી શું?[૨૭] અને‍ ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે?[૨૮] અને વસ્‍ત્રો સંબંધી તમે ચિંતા શા માટે કરો છો? ખેતરનાં ફૂલઝાડોનો વિચાર કરો કે, તેઓ કેવાં વધે છે! તેઓ મહેનત કરતાં નથી, તેઓ કાંતતાં પણ નથી![૨૯] તોપણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના તમામ મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો.[૩૦] એ માટે ખેતરનું ઘાસ જે આજે છે, ને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું એથી વિશેષ નહિ પહેરાવશે?[૩૧] માટે અમે ‍શું ખાઈએ, અથવા શું પીએ, અથવા શું પહેરીએ, એમ કહેતાં ચિંતા ન કરો.[૩૨] કારણ કે એ બધાં વાનાં વિદેશીઓ શોધે છે. કેમ કે તમારા આકાશમાંના પિતા જાણે છે કે એ બધાંની તમને અગત્ય છે.[૩૩] પણ તમે પહેલા તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.[૩૪] તે માટે આવતી કાલને માટે ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતા [ની વાતો] ની ચિંતા કરશે. દિવસને માટે તે દિવસનું દુ:ખ બસ છે.

પુનર્નિયમ ૨૮:૧-૬૮
[૧] અને જો યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાળીને તું તેમને અમલમાં લાવશે, તો એમ થશે કે યહોવા તારા ઈશ્વર પૃથ્વીની સર્વ દેશજાતિઓ કરતાં તને શ્રેષ્ઠ દેશજાતિ કરશે.[૨] અને જો તું યહોવા તારા ઈશ્વરની વાણી સાંભળશે, તો આ સર્વ આશીર્વાદ તારા પર આવશે ને તને મળશે:[૩] નગરમાં તું આશીર્વાદિત થશે, ને ખેતરમાં તું આશીર્વાદિત થશે.[૪] તારા પેટનું ફળ, તથા તારી ભૂમિનું ફળ, તથા તારાં ઢોરનું ફળ એટલે તારી ગાયોનો વિસ્તાર તથા તારાં ઘેટંબકરાંનાં બચ્ચાં, આશીર્વાદિત થશે.[૫] તારી ટોપલી તથા તારો થાળ આશીર્વાદિત થશે.[૬] તું અંદર આવતાં તેમજ બહાર જતાં આશીર્વાદિત થશે.[૭] તારા જે શત્રુઓ તારી સામે ચઢી આવે તેઓને યહોવા તારી આગળ માર ખવડાવશે. તારી સામે તેઓ એક માર્ગે ધસી આવશે ને તારી સામેથી સાત માર્ગે નાસી જશે.[૮] યહોવા તારી વખારોમાં ને જેમાં તું તારો હાથ નાખે છે તે સર્વમાં તને આશીર્વાદ આપશે. અને જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે તેમાં તે તને આશીર્વાદ આપશે.[૯] જો તું યહોવા તારા ઈશ્વરની આજ્ઞાઓ પાળીને તેમના માર્ગોમાં ચાલશે, તો, જેમ યહોવાએ તારી આગળ પ્રતિજ્ઞા કરી છે તેમ, તે તને પોતાની પવિત્ર પ્રજા તરીકે સ્થાપશે.[૧૦] અને પૃથ્વીના સર્વ લોક જોશે કે, યહોવાના નામ પરથી તારું નામ પડેલું છે. અને તેઓ તારાથી બીશે.[૧૧] અને જે દેશ તને આપવાને યહોવાએ તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી, તેમાં તારા પેટના ફળ વિષે, તથા તારાં ઢોરના [પેટના] ફળ વિષે, તથા તારી ભૂમિના ફળ વિષે યહોવા તને ઘણો જ આબાદ કરશે.[૧૨] તારા દેશ પર મોસમમાં વરસાદ મોકલવા માટે, અને તારા હાથનાં સર્વ કામ પર આશીર્વાદ આપવા માટે, યહોવા તારે માટે પોતાનો અખૂટ ભંડાર, એટલે આકાશ ઉઘાડશે. અને તું ઘણી દેશજાતિઓને ઉછીનું આપશે, પણ તું ઉછીનું લેશે નહિ.[૧૩] અને યહોવા તને [સર્વનું] શિર બનાવશે, પણ પુચ્છ નહિ. અને તું ઉપર જ રહેશે, ને નીચે રહેશે નહિ; જો યહોવા તારા ઈશ્વરની આજ્ઞાઓ જે આજે હું તને ફરમાવું છું તેઓને તું ધ્યાન આપીને પાળે તથા અમલમાં લાવે,[૧૪] અને જે વચનો આજે હું તને ફરમાવું છું તેઓમાંના કોઈથી જો તું જમણે કે ડાબે ફરી જઈને અન્ય દેવાની સેવા કરવા તેઓની પાછળ નહિ જાય, તો [એમ થશે].[૧૫] પણ જો યહોવા તારા ઈશ્વરની વાણી ન સાંભળતાં તેમની જે સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ હું આજે તને આપું છું, તેઓને તું પાળીને અમલમાં નહિ મૂકે, તો એમ થશે કે, આ સર્વ શાપ તારા પર આવીને તને પકડી પાડશે:[૧૬] તું નગરમાં શાપિત થશે, ને તું ખેતરમાં શાપિત થશે.[૧૭] તારી ટોપલી તથા તારો થાળ શાપિત થશે.[૧૮] તારા પેટનું ફળ તથા તારી ભૂમિનું ફળ, તારી ગાયોનો વિસ્તાર તથા તારા ઘેટાંબકરાંનાં બચ્ચાં શાપિત થશે.[૧૯] તું અંદર આવતાં તેમજ બહાર જતાં શાપિત થશે.[૨૦] અને જે કોઈ કામમાં તું હાથ નાખશે, તેમાં યહોવા તારા પર શાપ તથા હાર તથા ધમકી મોકલશે, એટલે સુધી કે જે ભૂંડાં કામ કરીને તેં મારો ત્યાગ કર્યો છે તેથી તારો સંહાર થાય, ને તું જલ્દી નાશ પામે.[૨૧] જે દેશમાં તું તેનું વતન પામવા માટે જાય છે તેમાંથી યહોવા તારો પૂરો નાશ નહિ કરે, ત્યાં સુધી તે તારા પર મરકી લાવ્યા કરશે.[૨૨] ક્ષય રોગથી તથા તાવથી તથા સોજાથી તથા ઉષ્ણ તાપથી તથા તરવારથી તથા લૂથી તથા ફૂગથી યહોવા તને મારશે. અને તારો નાશ થતાં સુધી તેઓ તારી પાછળ લાગશે.[૨૩] અને તારા માથા ઉપરનું આકાશ પિત્તળ જેવું થઈ જશે, ને તારા પગ નીચેની જે ભૂમિ તે લોઢા જેવી થઈ જશે.[૨૪] તારા દેશ પર વરસાદને બદલે યહોવા ભૂકો તથા ધૂળ વરસાવશે. તું નાશ પામે ત્યાં સુધી આકાશથી તે તારા પર વરસ્યા કરશે.[૨૫] યહોવા તારા શત્રુઓની સામે તને માર ખવડાવશે. તું એક માર્ગે તેઓની સામે ધસી જઈશ. ને સાત માર્ગે તેઓની સામેથી નાસી જઈશ. અને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં તું અહીંથી તહીં નાસાનાસ કરશે.[૨૬] અને તારી લાસ સર્વ ખેચર પક્ષીઓનો તથા પૃથ્વીનાં સર્વ પશુઓનો ખોરાક થશે, ને તેઓને હાંકી મૂકનાર કોઈ નહિ હોય.[૨૭] મિસરનાં ગૂમડાંથી તથા ગાંઠિયા રોગથી તથા રક્તપિત્તથી તથા ખસથી યહોવા તને મારશે. અને તેમાંથી તું સાજો થઈ શકશે નહિ.[૨૮] ગાંડપણથી તથા અંધાપાથી તથા મનના ગભરાટથી યહોવા તને મારશે.[૨૯] અને જેમ આંધળો અંધારામાં ફાંફાં મારે છે, તેમ તું ખરે બપોરે ફાંફાં મારશે, ને તારા માર્ગમાં તું સફળ નહિ થાય. અને તું માત્ર જુલમ તથા લૂટને સ્વાધીન થશે, ને તને બચાવનાર કોઈ નહિ હોય.[૩૦] તું જે સ્‍ત્રીની સાથે સગાઈ કરશે તેનો ઉપભોગ બીજો પુરુષ કરશે. તું ઘર બાંધશે પણ તેમાં તું રહેવા નહિ પામે. તું દ્રાક્ષાવાડી રોપશે, પણ તેનું ફળ તારા કામમાં આવશે નહિ.[૩૧] તારી નજર આગળ તારો બળદ કાપી નંખાશે, પણ તેનું [માંસ] તું ખાવા પામશે નહિ. તારા જોતાં તારો ગધેડો બળજબરીથી લઈ જવામાં આવશે, ને તે તને પાછો મળશે નહિ. તારું ઘેટું તારા શત્રુઓને આપવામાં આવશે, ને તને મદદ કરનાર કોઈ નહિ હોય.[૩૨] તારા દીકરા ને તારી દીકરીઓ બીજા લોકોને અપાશે, ને તારી આંખો તે જોશે, ને તેઓને માટે આખો દિવસ ઝૂરી ઝૂરીને તારી આંખો ઝાંખી થઈ જશે. અને તું કશું કરી શકશે નહિ.[૩૩] જે દેશજાતિને તું ઓળખતો નથી તે તારી ભૂમિનું ફળ તથા તારી સર્વ મહેનતનું ફળ ખાઈ જશે. અને તું સર્વદા ફક્ત જુલમો વેઠ્યા કરશે તથા કચરી નંખાશે:[૩૪] અને તારી આંખો જે દેખાવ જોશે તેને લીધે તું ગાંડો થઈ જશે.[૩૫] તારા પગના તળિયાથી તે માથાના તાલકા સુધી પીડાકારક તથા અસાધ્ય ગૂમડાંથી યહોવા તને ઘુંટણોમાં તથા પગોમાં મારશે.[૩૬] જે દેશજાતિને તું તેમજ તાર પિતૃઓ ઓળખતા નથી, તેની પાસે યહોવા તને તથા જે રાજા તું તારા પર ઠરાવે તેને લાવશે. અને ત્યાં તું લાકડાના તથા પથ્થરના અન્ય દેવોની સેવા કરશે.[૩૭] અને જે સર્વ પ્રજાઓમાં યહોવા તને લઈ જશે તેઓ મધ્યે તું આશ્રર્યરૂપ તથા મજાકરૂપ તથા મશ્કરીરૂપ થઈ પડશે.[૩૮] તું ખેતરમાં ઘણું બી લઈ જશે, પણ થોડી ફસલ ઘેર લાવશે; કેમ કે તીડ તે ખાઈ જશે.[૩૯] તું દ્રાક્ષાવાડીઓને રોપશે ને તેને કેળવશે, પણ તું તેમનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ, અથવા [દ્રાક્ષો] વીણવા નહિ પામે; કેમ કે કાતરા તે ખાઈ જશે.[૪૦] તારી સર્વ સીમોમાં તારાં જૈતવૃક્ષ હશે પણ તું તેનું તેલ પોતાને શરીરે ચોળવા નહિ પામે; કેમ કે તારાં જૈતવૃક્ષ [નું ફળ] ખરી પડશે.[૪૧] તારે દીકરાદીકરીઓ થશે, પણ તેઓ તારાં નહિ થાય; કેમ કે તેઓ બીજાઓનાં ગુલામ થઈ જશે.[૪૨] તારાં સર્વ ઝાડ ને તારી જમીનનું ફળ તીડોનો [ભક્ષ] થઈ પડશે.[૪૩] તારી મધ્યેનો પરદેશી તારા કરતાં વધારે ને વધારે ચઢિયાતો થતો જશે. પણ તું તો વધારે ને વધારે નીચો થતો જશે.[૪૪] તે તને ધીરશે, પણ તું તેને ધીરશે નહિ. તે શિર થશે, ને તું પુચ્છ થઈ જશે.[૪૫] અને તારો નાશ થતાં સુધી આ સર્વ શાપ તારા પર આવશે, ને તારી પાછળ લાગીને તને પકડી પાડશે. કેમ કે તેં યહોવા તારા ઈશ્વરની વાણી સાંભળી નહિ, ને તેની જે આજ્ઞાઓ તથા વિધિઓ, તેમણે તને ફરમાવ્યાં તે તેં પાળ્યા નહિ.[૪૬] અને તેઓ તારા પર તથા તારા વંશજો પર સદા ચિહ્નરૂપ તથા આશ્ચર્યરૂપ થઈ પડશે.[૪૭] કેમ કે સર્વ વસ્તુઓની પુષ્કળતાને કારણે તેં આનંદથી તથા હ્રદયના ઉલ્લાસથી યહોવા તારા ઈશ્વરની સેવા કરી નહિ.[૪૮] માટે ભૂખમાં તથા તરસમાં તથા નગ્નતામાં તથા સંપૂર્ણ દરિદ્રતામાં તું તારા શત્રુ કે, જેઓને યહોવા તારી વિરુદ્ધ મોકલશે, તેઓની સેવા કરશે. અને તારો નાશ કરતાં સુધી તે તારા ખભા પર લોઢાની ઝૂંસરી મૂકશે.[૪૯] દૂરથી એટલે પૃથ્વીને છેડેથી, એક દેશજાતિ કે જેની ભાષા તું સમજશે નહિ તેને ઊડતા ગરુડની જેમ યહોવા તારી વિરુદ્ધ લાવશે.[૫૦] તેઓ ઘરડાઓને ન ગણકારે ને તારા જુવાનો પર દયા ન રાખે એવી વિકરાળ ચહેરાવાળી દેશજાતિ [હશે].[૫૧] અને તે તારાં ઢોરઢાંકનું ફળ તથા તારી ભૂમિનું ફળ ખાઈને તારું સત્યાનાશ વાળશે. વળી તારો વિનાશ કરતાં સુધી તે તારી પાસે ધાન્ય, દ્રાક્ષારસ, અથવા તેલ, તારાં ગોપશુઓનો વિસ્તાર, કે તારાં ઘેટાંબકરાંનાં બચ્ચાં રહેવા નહિ દે.[૫૨] અને તારા આખા દેશમાંના તારા જે ઊંચા ને કિલ્લાવાળા કોટ પર તું ભરોસો રાખતો હતો, તેઓના પડી જતાં સુધી ને તારા સર્વ નગરોમાં તારી આસપાસ ઘેરો નાખશે. અને તારો આખો દેશ, જે યહોવા તારા ઈશ્વરે તને આપ્યો છે, તેમાં તારાં સર્વ નગરોમાં તે તારી આસપાસ ઘેરો નાખશે.[૫૩] અને જે ઘેરાથી તથા સંકળામણથી તારા શત્રુઓ તને સંકડાવશે, તેને લીધે તું પોતાના જ પેટનું ફળ, એટલે તારા દીકરા તથા દીકરીઓ જેઓને યહોવા તારા ઈશ્વરે તને આપ્યાં છે, તેઓનું માંસ ખાશે.[૫૪] તમારામાંનો જે કોઈ કોમળ તથા બહુ નાજુક પરુષ હશે તેની આંખ પોતાના ભાઈ પ્રત્યે, ને પોતાની પ્રાણપ્રિય પત્ની પ્રત્યે, ને પોતાનાં બાકી રહેલાં છોકરાં પ્રત્યે ભૂંડી થશે.[૫૫] એવી કે પોતાનાં છોકરાંને તે ખાતો હશે તેમનું માંસ તેઓમાંના કોઈને તે નહિ આપે. કેમ કે જે ઘેરાથી તથા સંકડામણથી તારાં સર્વ નગરોમાં તારા શત્રુઓ તને સંકડાવશે, તેને લીધે તેની પાસે પોતાને માટે કંઈ રહ્યું નહિ હોય.[૫૬] તમારામાંથી જે કોમળ તથા નાજુક સ્‍ત્રી તેની કોમળતાને તથા નાજુકપણાને લીધે પોતાના પગની પાની જમીન પર મૂકવાની હિમ્મત ચલાવી શક્તી નહિ હોય, તેની આંખ પોતાના દિલોજાન પતિ પ્રત્યે તથા પોતાની દીકરી પ્રત્યે,[૫૭] તથા પોતે જન્મ આપેલા નાના બાળક પ્રત્યે તથા પોતે જન્મ આપવાની હોય તે છોકરાં પ્રત્યે ભૂંડી થશે; કેમ કે જે ઘેરાથી તથા સંકડામણથી તારા શત્રુઓ તારાં નગરોમાં તને સંકડાવશે, તેમાં સર્વ વસ્તુની અછતને લીધે તે તેઓને છાનીમાની ખાઈ જશે.[૫૮] યહોવા તારા ઈશ્વર એ ગૌરવી તથા ભયજનક નામથી તું બીહે, માટે આ નિયમના જે સર્વ શબ્દો આ પુસ્તકમાં લખેલા છે, તે તું પાળીને અમલમાં નહિ મૂકે,[૫૯] તો યહોવા તારા પર તથા તારા વંશજો પર મરકીઓ, આશ્ચર્યકારક મરકીઓ, એટલે ભારે તથા લાંબા વખતની મરકીઓ, તથા ભારે અને હમેશના રોગ લાવશે.[૬૦] અને મિસરના જે સર્વ રોગથી તું ડરતો હતો, તે તે તારા પર ફરીથી લાવશે. અને તે તને વળગી રહેશે.[૬૧] વળી જે રોગ તથા જે મરકી આ નિયમના પુસ્તકમાં લખેલાં નથી, તેઓને યહોવા તારો નાશ થાય ત્યાં સુધી તારા પર લાવ્યા કરશે.[૬૨] અને તમે સંખ્યામાં આકાશના તારા જેટલા હતા તેને ઠેકાણે તમે થોડા જ થઈ જશો; કેમ કે તેં યહોવા તારા ઈશ્વરની વાણી સાંભળી નહિ.[૬૩] અને એમ થશે કે જેમ યહોવા તમારું ભલું કરવામાં ને તમારી વૃદ્ધિ કરવામાં આનંદ પામતા હતા, તેમ યહોવા તમારો નાશ કરવામાં તથા તમારો સંહાર કરવામાં આનંદ પામશે. અને જે દેશમાં વતન પામવા તું જાય છે તેમાંથી તમને ઉખેડી નાખવામાં આવશે.[૬૪] અને યહોવા તને પૃથ્વીના છેડાથી તે પૃથ્વીના બીજા છેડા સુધી સર્વ લોકોમાં વિખેરી નાખશે. અને ત્યાં પથ્થર તથા લાકડાના અન્ય દેવો, કે જેઓને તું કે તારા પિતૃઓ જાણતા નથી. તેઓની સેવા તું કરશે.[૬૫] અને એ દેશજાતિઓમાં તને કંઈ ચેન નહિ પડે, ને તારા પગના તળિયાને કંઈ આરામ નહિ મળે; પણ યહોવા ત્યાં તને કંપિત હ્રદય તથા ધૂંધળી આંખો તથા ઝૂરતું મન આપશે.[૬૬] અને તારો જીવ ભયમાં જ રહેશે. અને તું રાત દિવસ ગભરાટમાં રહેશે, ને તારા જીવનો તને કંઈ ભરોસો નહિ રહે.[૬૭] તારા મનમાં જે બીક લાગશે તેને લીધે, ને તારી આંખોથી જે દેખાવ તું જોશે તેને લીધે, સવારમાં તું કહેશે, ‘ઈશ્વર કરે ને [ક્યારે] સાંજ પડે!’ અને સાંજે તું કહેશે, ‘ઈશ્વર કરે ને [ક્યારે] સવાર થાય!’[૬૮] અને જે માર્ગ વિષે મેં તને કહ્યું હતું કે, તું તે માર્ગ ફરી કદી જોશે નહિ, તે માર્ગ વહાણોમાં યહોવા તને ફરીથી મિસરમાં લાવશે. અને ત્યાં તમે દાસો તથા દાસીઓ થવા માટે તમારા શત્રુઓને ત્યાં વેચાઈ જવા માગશો, પણ તમને કોઈ ખરીદશે નહિ.

Gujarati Bible (GUOV) 2016
Gujarati Old Version Reference Bible © Bible Society of India, 2016