A A A A A

રહસ્યો: [એલિયન્સ]


કોલોસીઅન્સ ૧:૧૬
કેમ કે તેમનાંથી બધાં ઉત્પન્ન થયાં, જે આકાશમાં તથા પૃથ્વી પર છે, જે દૃશ્ય તથા અદ્રશ્ય છે, રાજ્યાસનો, રાજ્યો, અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્ન થયાં;

પુનર્નિયમ ૪:૧૯
સાવધ રહો રખેને જયારે તમે આકાશ તરફ નજર કરો ત્યારે સૂર્ય, ચંદ્ર, તારા એટલે આખું ગગનમંડળ જેઓને ઈશ્વર તમારા યહોવાહે આકાશ નીચેના સર્વ લોકોને વહેંચી આપ્યાં છે. તેઓને જોઈને તમે આકર્ષાઈને તેમની સેવાપૂજા કરો.

પુનર્નિયમ ૧૭:૩
અને જો કોઈ બીજા દેવોની પૂજા કરતો હોય, તેઓની આગળ નમતો હોય, એટલે સૂર્ય, ચંદ્ર અથવા તારા જેના વિષે મેં તમને ફરમાવ્યું નથી તેની પૂજા કરતો હોય,

એફેસી ૨:૧૯
એ માટે તમે હવે પારકા તથા બહારના નથી, પણ સંતોની સાથેના એક નગરના તથા ઈશ્વરના કુટુંબનાં છો.

એફેસી ૬:૧૨
કેમ કે આપણું યુદ્ધ, લોહી અને માંસ, અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, જગતમાંનાં આ અંધકારનાં સત્તાધારીઓની સામે, સ્વર્ગીય સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક [લશ્કરો] ની સામે છે.

નિર્ગમન ૧૨:૪૯
"દેશમાં વતનીઓ માટે અને તમારી સાથેના પ્રવાસી પરદેશીઓ માટેના નિયમો એક સરખા જ હોય."

નિર્ગમન ૨૨:૨૧
તમારે વિદેશીઓને હેરાન કરવા નહિ, તેઓના પર ત્રાસ ગુજારવો નહિ, કારણ કે, તમે પોતે મિસર દેશમાં વિદેશી હતા.

નિર્ગમન ૨૩:૯
તમારે વિદેશી લોકો પર ત્રાસ ગુજારવો નહિ, તમે લોકો મિસરમાં વિદેશી હતા, એટલે તમે વિદેશીઓની લાગણીને સમજો છો.

એઝેકીલ ૧:૪-૭
[૪] ત્યારે મેં જોયું, તો ઉત્તરમાંથી એક આંધીરૂપ મોટું વાદળું આવતું હતું, તેમાં અગ્નિ ચમકતો હતો, તેની આસપાસ પ્રકાશ હતો, અગ્નિમાંથી તૃણમણિના જેવું અજવાળું આવતું હતું.[૫] તેની મધ્યમાંથી ચાર જીવંત પશુઓ જેવું દેખાયું. તેઓનો દેખાવ આવો હતો: તેઓનું સ્વરૂપ માણસના જેવું હતું.[૬] તે પશુઓમાંના દરેકને ચાર મુખ તથા ચાર પાંખો હતી.[૭] તેઓના પગ સીધા હતા, પણ તેઓના પગના પંજા વાછરડાના પગના પંજા જેવા હતા. અને તે કાંસાની માફક ચળકતા હતા.

જિનેસિસ ૧:૨૬
ઈશ્વરે કહ્યું કે, "આપણે આપણા સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર, પશુઓ પર, આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પર શાસન કરે."

જિનેસિસ ૨:૧
આમ આકાશ, પૃથ્વી તથા તેમાનાં સર્વ સજીવોનું સર્જન પૂર્ણ થયું.

હિબ્રૂ ૧૧:૧૩
એ સઘળાં વિશ્વાસમાં મૃત્યુ પામ્યા તેઓને આશાવચનોનાં ફળ મળ્યા નહિ, પણ દૂરથી તે નિહાળીને તેમણે અભિવાદન કર્યા અને પોતા વિષે કબૂલ કર્યું છે કે અમે પૃથ્વી પર પરદેશી તથા મુસાફર છીએ.

હિબ્રૂ ૧૩:૨
પરોણાગત કરવાનું તમે ભુલશો નહિ, કેમ કે તેથી કેટલાકે અજાણતાં સ્વર્ગદૂતોને પરોણા રાખ્યા છે.

યશાયાહ ૧૩:૫
તેઓ દૂર દેશથી, ક્ષિતિજને પેલે પારથી આવે છે. યહોવાહ પોતાના ન્યાયનાં શસ્ત્ર સાથે, આખા દેશનો વિનાશ કરવાને આવે છે.

યશાયાહ ૪૫:૧૨
'મેં પૃથ્વીને બનાવી અને તે પર મનુષ્યને બનાવ્યો. તે મારા જ હાથો હતા જેણે આકાશોને પ્રસાર્યાં અને મેં સર્વ તારાઓ દ્રશ્યમાન થાય તેવી આજ્ઞા આપી.

યશાયાહ ૬૦:૮
જેઓ વાદળની જેમ અને પોતાના માળા તરફ ઊડીને આવતાં કબૂતરની જેમ, ઊડી આવે છે તે કોણ છે?

લેવિટીસ ૨૪:૨૨
જેમ વતનીઓને માટે તેમ જ પરદેશીને માટે એક જ પ્રકારનો કાયદો તમારે લાગુ કરવો. કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું.'"

નહેમ્યાહ ૯:૬
તમે જ એક માત્ર યહોવા છો, આકાશ, આકાશોનું આકાશ તથા સર્વ તારા મંડળ અને પૃથ્વી તથા જે સર્વ તેમાં છે, સમુદ્ર અને તેમાંના સર્વ જીવજંતુ તમે બનાવ્યાં છે અને બધાંને જીવન આપ્યું છે. અને આકાશનું સૈન્ય તમારી આરાધના કરે છે.

ગીતશાસ્ત્ર ૯૭:૬
આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરે છે અને સર્વ લોકોએ તેમનો મહિમા જોયો છે.

૧ પીટર 2:11
પ્રિયજનો, હું વિનંતી કરું છું કે, જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે, તેઓથી તમે, પરદેશી તથા પ્રવાસીની જેમ દૂર રહો.

અધિનિયમો 19:35
ત્યારે શહેરના નગરશેઠે લોકોને શાંત કરીને કહ્યું કે, 'ઓ એફેસસના લોકો, કોણ નથી જાણતું કે એફેસીઓનું શહેર આર્તેમિસ મહાદેવીને તથા ઝૂસ પાસેથી પડેલી મૂર્તિને પૂજનારું છે?

પ્રકટીકરણ 12:12
એ માટે, ઓ સ્વર્ગો તથા તેઓમાં રહેનારાંઓ, તમે આનંદ કરો! ઓ પૃથ્વી તથા સમુદ્ર તમને અફસોસ છે; કેમ કે શેતાન તમારી પાસે ઊતર્યો છે અને તે બહુ ક્રોધિત થયો છે, તે જાણે છે કે હવે તેની પાસે થોડો જ સમય બાકી છે.

પ્રકટીકરણ 13:1
પછી મેં એક હિંસક પશુને સમુદ્રમાંથી નીકળતું જોયું, તેને દસ શિંગડાં તથા સાત માથાં હતાં, તેનાં શિંગડાં પર દસ મુગટ તથા તેનાં માથાં પર ઈશ્વરનું અપમાન કરનારાં નામો હતાં.

એમોસ 9:2-3
[2] જો તેઓ ખોદીને શેઓલમાં ઊતરી જાય, તોપણ મારો હાથ તેમને પકડી પાડશે. જો તેઓ આકાશમાં ચઢી જશે, તોપણ હું તેઓને ત્યાંથી નીચે ઉતારીશ.[3] જો તેઓ કાર્મેલના શિખર પર સંતાઈ જાય, તોપણ હું તેઓને ત્યાંથી શોધી કાઢીશ. જો તેઓ મારાથી સંતાઈને દરિયાને તળિયે સંતાઈ જશે, તોપણ હું ત્યાં સર્પને આજ્ઞા કરીશ તેઓને કરડવા માટે આદેશ આપીશ, એટલે તે તેઓને ડંખ મારશે.

લેવિટીસ ૧૯:૩૩-૩૪
[૩૩] જો કોઈ પરદેશી તમારા દેશમાં તમારી મધ્યે આવે, ત્યારે તમારે તેનું ખોટું કરવું નહિ.[૩૪] તમારી સાથે રહેતા પરદેશીને ઇઝરાયલમાં જન્મેલા વતની જેવો જ ગણવો. અને તમારા જેવો જ પ્રેમ તેને કરવો કેમ કે તમે પણ મિસર દેશમાં પરદેશી હતા. હું યહોવાહ તમારો ઈશ્વર છું.

પ્રકટીકરણ 9:7-11
[7] તે તીડોનાં સ્વરૂપ લડાઈને માટે તૈયાર કરેલા ઘોડાઓનાં જેવા હતાં, અને તેઓનાં માથાં પર જાણે કે સોનાનાં હોય એવા મુગટો હતા તેઓના ચહેરા માણસોના ચહેરા જેવા હતા;[8] અને તેઓના વાળ સ્ત્રીનાં વાળ જેવા અને તેઓના દાંત સિંહના દાંત જેવા હતા;[9] અને તેઓનાં અંગે લોખંડનાં બખતર જેવા બખતર હતાં; અને તેઓની પાંખોનો અવાજ યુદ્ધમાં દોડતા ઘણાં ઘોડાના રથોના અવાજ જેવો હતો.[10] તેઓને વીંછુઓના જેવી પૂંછડી હતી, અને ડંખ પણ હતો, તેઓની પૂંછડીઓમાં માણસોને પાંચ માસ સુધી પીડા પમાડવાની શક્તિ હતી.[11] અનંતઊંડાણનો જે નર્કદૂત છે તે તેઓનો રાજા છે; તેનું નામ હિબ્રૂ ભાષામાં અબેદોન, પણ ગ્રીક ભાષામાં તેનું નામ આપોલ્યોન [એટલે વિનાશક] છે.

જિનેસિસ ૬:૧-૨૨
[૧] પૃથ્વી પર માણસો વધવા લાગ્યાં. તેમાં દીકરીઓના પણ જન્મ થયા, ત્યારે એમ થયું કે,[૨] ઈશ્વરના દીકરાઓએ જોયું કે માણસોની દીકરીઓ મનમોહક છે. તેઓમાંથી તેઓએ પોતાને માટે તેમને પત્નીઓ તરીકે પસંદ કરી.[૩] ઈશ્વરે કહ્યું કે, "મારો આત્મા માનવજાતમાં સદા રહેશે નહિ, કેમ કે તેઓ શરીર છે. તેઓનું આયુષ્ય એકસો વીસ વર્ષનું રહેશે."[૪] ઈશ્વરના દીકરાઓએ માણસોની દીકરીઓ સાથે લગ્ન કર્યાં અને તેઓથી તેમને બાળકો થયાં. તેઓમાં પૃથ્વી પર પુરાતનકાળના સશક્ત અને નામાંકિત મહાકાય પુરુષો હતા.[૫] ઈશ્વરે જોયું કે, પૃથ્વી પર માનવજાતના દુરાચાર ઘણાં વધી ગયા છે અને તેઓના હૃદયના વિચારોની દરેક કલ્પના દુષ્ટ જ છે.[૬] તેથી ઈશ્વરને પૃથ્વી પર માણસને ઉત્પન્ન કરવા બદલ દુઃખ થયું અને તે નિરાશ થયા.[૭] ઈશ્વરે કહ્યું કે, "જે માનવજાતને મેં ઉત્પન્ન કરી છે, તેનો હવે હું પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ; તે સાથે પશુઓને, પેટે ચાલનારાં અને આકાશનાં પક્ષીઓને પણ નષ્ટ કરીશ. કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાથી હું હૃદયભંગ થયો છું."[૮] પણ નૂહના આચરણથી ઈશ્વર સંતુષ્ટ હતા.[૯] નૂહ અને તેના કુટુંબ વિશેનું આ વૃત્તાંત છે: નૂહ ન્યાયી માણસ હતો અને તેના સમયના લોકોમાં તે નિર્દોષ હતો. તે ઈશ્વરની સાથે પ્રમાણિકપણે ચાલ્યો.[૧૦] તેને ત્રણ દીકરાઓ હતા: શેમ, હામ તથા યાફેથ.[૧૧] ઈશ્વર આગળ પૃથ્વી ભ્રષ્ટ થઈ હતી અને હિંસાથી ભરપૂર થઈ હતી.[૧૨] ઈશ્વરે પૃથ્વીમાં નજર કરી; તો જુઓ, ત્યાં પૃથ્વી પર સર્વ માણસો ભ્રષ્ટ અને દુરાચારી થઈ ગયા હતા.[૧૩] ઈશ્વરે નૂહને કહ્યું કે, "હું જોઉં છું કે સર્વ માનવજાત નષ્ટ થવાની છે, કેમ કે પૃથ્વીમાં તેઓની હિંસા અને દુરાચાર વ્યાપી ગયો છે. નિશ્ચે, હું તેઓનો પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ.[૧૪] તું પોતાને સારુ દેવદારના લાકડાંનું વહાણ બનાવ. તે વહાણમાં રૂમો બનાવ. વહાણની અંદર તથા બહાર ડામર લગાવીને તેનું આવરણ કર.[૧૫] તું તેને આ પ્રમાણે બનાવ: એટલે વહાણની લંબાઈ ત્રણસો હાથ, પહોળાઈ પચાસ હાથ અને તેની ઊંચાઈ ત્રીસ હાથ હોય.[૧૬] વહાણમાં છતથી એક હાથ નીચે બારી બનાવ. અને તું તેમાં નીચેનો, વચ્ચેનો તથા ઉપરનો એવા ત્રણ ખંડો બનાવ.[૧૭] સાંભળ, આકાશ નીચેના સર્વ સજીવો કે જેઓમાં જીવનનો શ્વાસ છે તે બધાનો સંપૂર્ણ નાશ કરવા માટે હું પૃથ્વી પર જળપ્રલય લાવવાનો છું. તેનાથી પૃથ્વી પરનાં સર્વ જીવ મરણ પામશે.[૧૮] પણ હું તારી સાથે મારો કરાર કરું છું. તું, તારી સાથે તારા દીકરા, તારી પત્ની અને તારી પુત્રવધુઓને હું વહાણમાં સલામત રાખીશ.[૧૯] સર્વ પ્રકારના જાનવરોમાંથી બબ્બે સજીવો, એટલે એક નર તથા એક નારી બચાવવા માટે તારી સાથે તું વહાણમાં લાવ.[૨૦] દરેક જાતનાં પક્ષીઓ, પશુઓ તથા પેટે ચાલનારાંઓમાંથી નર અને નારીની એક એક જોડને વહાણમાં લાવ.[૨૧] સર્વ પ્રકારની ખાદ્ય સામગ્રી ભેગી કરીને તારી પાસે વહાણમાં તેનો સંગ્રહ કરી રાખ. તે તારે માટે તથા તેઓને માટે ખોરાક થશે.[૨૨] ઈશ્વરની આજ્ઞા અનુસાર નૂહે બધાં કામ પૂરાં કર્યાં.

એઝેકીલ ૧:૧-૨૮
[૧] ત્રીસમા વર્ષના ચોથા મહિનાની પાંચમીએ એવું બન્યું કે, જ્યારે હું બંદીવાનોની સાથે કબાર નદીની પાસે હતો. તે સમયે આકાશ ઊઘડી ગયું, મને ઈશ્વરનું સંદર્શન થયું.[૨] યહોયાકીન રાજાના બંદીવાસના પાંચમા વર્ષમાં, મહિનાના પાચમાં દિવસે,[૩] ખાલદીઓના દેશમાં કબાર નદીની પાસે બૂઝીના દીકરા હઝકિયેલ યાજક પાસે યહોવાહનું વચન આવ્યું; અને યહોવાહનો હાથ તેના પર હતો.[૪] ત્યારે મેં જોયું, તો ઉત્તરમાંથી એક આંધીરૂપ મોટું વાદળું આવતું હતું, તેમાં અગ્નિ ચમકતો હતો, તેની આસપાસ પ્રકાશ હતો, અગ્નિમાંથી તૃણમણિના જેવું અજવાળું આવતું હતું.[૫] તેની મધ્યમાંથી ચાર જીવંત પશુઓ જેવું દેખાયું. તેઓનો દેખાવ આવો હતો: તેઓનું સ્વરૂપ માણસના જેવું હતું.[૬] તે પશુઓમાંના દરેકને ચાર મુખ તથા ચાર પાંખો હતી.[૭] તેઓના પગ સીધા હતા, પણ તેઓના પગના પંજા વાછરડાના પગના પંજા જેવા હતા. અને તે કાંસાની માફક ચળકતા હતા.[૮] તેઓની પાંખો નીચે ચારે બાજુએ માણસના જેવા હાથ હતા. તે ચારેયનાં મુખ તથા પાંખો આ પ્રમાણે હતાં:[૯] તેઓની પાંખો એકબીજાની પાંખોને અડકતી હતી. તેઓ ચાલતાં ચાલતાં આમ કે તેમ ફરતાં નહોતાં; દરેક સીધાં આગળ ચાલતાં હતાં.[૧૦] તેઓના ચહેરાનો દેખાવ માણસના ચહેરા જેવો હતો. ચારેયને જમણી બાજુએ સિંહનું મુખ અને ડાબી બાજુએ બળદનું મુખ હતું. તેઓને ગરુડનું મુખ પણ હતું,[૧૧] તેઓના મુખ એ પ્રમાણે હતાં. તેઓની પાંખો ઉપરની તરફ પ્રસારેલી હતી, દરેકની બે પાંખો બીજા પશુને જોડાયેલી હતી, બાકીની બે પાંખો તેઓના શરીરને ઢાંકતી હતી.[૧૨] દરેક પશુ સીધું ચાલતું હતું, આત્માને જ્યાં જવું હોય ત્યાં તેઓ જતાં હતાં, ચાલતાં તેઓ આડાઅવળાં વળતાં ન હતાં.[૧૩] આ પશુઓનો દેખાવ અગ્નિના બળતા કોલસા જેવો તથા તેજસ્વી મશાલ જેવો હતો. પશુઓ વચ્ચે ચળકતો અગ્નિ ચઢઊતર કરતો હતો, તેમાંથી વીજળીના ચમકારા થતા હતા.[૧૪] પશુઓ વીજળીના ચમકારાની જેમ આગળ દોડતા તથા પાછળ જતાં હતાં.[૧૫] હું એ તેઓને જોતો હતો, ત્યારે મેં દરેક પશુની પાસે એક એમ ચાર પૈડાં જમીન પર જોયાં.[૧૬] આ પૈડાંઓનો રંગ પીરોજના રંગ જેવો હતો. તથા તેઓનો આકાર એક સરખો હતો: ચારે એક સરખાં હતાં; એક પૈડાની અંદર બીજુ પૈડું હોય તેવું દેખાતું હતું.[૧૭] તેઓ ચાલતાં હોય ત્યારે, તેઓ ચારે દિશામાં આડાંઅવળાં વળ્યા વગર ચાલતાં.[૧૮] ચારેય પૈડાની ધારો ઊંચી તથા ભયંકર હતી. એ ચારેયની વાટો ચારેબાજુ આંખોથી ભરેલી હતી.[૧૯] જ્યારે પશુઓ ચાલતાં ત્યારે પૈડાં તેઓની સાથે ચાલતાં. જ્યારે પશુઓ પૃથ્વી પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ પૃથ્વી પરથી ઊંચે જતાં.[૨૦] જ્યાં જ્યાં આત્મા જતો ત્યાં ત્યાં તેઓ પણ જતાં; પૈડાં તેઓની સાથે ઊંચે ચઢતાં, કેમ કે, પશુઓનો આત્મા પૈડા પર હતો.[૨૧] જ્યારે પશુઓ ચાલતાં ત્યારે પૈડાં પણ ચાલતાં, તેઓ ઊભાં રહેતાં ત્યારે પૈડાં પણ ઊભાં રહેતાં; પશુઓ પૃથ્વી પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ તેમની સાથે ઊંચે જતાં હતાં કેમ કે, પશુઓનો આત્મા પૈડામાં હતો.[૨૨] તેઓનાં માથાં ઉપર ઊંચે, આકાશના ઘૂમટ જેવો અદ્દભુત સ્ફટિકના તેજ જેવો ચમકતો ઘૂમટ તાણેલો હતો.[૨૩] તે ઘૂમટની નીચે પશુઓની પાંખો સીધી ફેલાયેલી હતી. અને બીજી બે પાંખોથી દરેકનું શરીર ઢંકાયેલું હતું. દરેકની બે પાંખો તેઓના શરીરની એક બાજુને ઢાંકતી અને બે પાંખો બીજી બાજુને ઢાંકતી.[૨૪] તેઓ ઊડતાં ત્યારે તેઓની પાંખોનો અવાજ ધસમસતા પાણીના અવાજ જેવો તથા સર્વ શક્તિમાનના અવાજ જેવો સંભળાતો હતો. જ્યારે તેઓ હલનચલન કરતાં ત્યારે તેઓનો અવાજ આંધીના અવાજ જેવો થતો હતો. તે સૈન્યના કોલાહલ જેવો હતો. જ્યારે તેઓ ઊભાં રહેતાં ત્યારે તેઓ પોતાની પાંખો નીચે નમાવી દેતાં.[૨૫] જ્યારે તેઓ ઊભાં રહેતાં, ત્યારે તેઓના માથા પરના ઘૂમટમાંથી અવાજ નીકળતો અને તેઓ તેમની પાંખો નીચે તરફ નમાવી દેતાં.[૨૬] તેઓના માથા પરના ઘુમટ પર નીલમ જેવા દેખાવની રાજ્યાસનની પ્રતિમા દેખાઈ. આ રાજ્યાસન પર એક મનુષ્ય જેવા દેખાવનો માણસ હતો.[૨૭] તેની કમરની ઉપરનો ભાગ ચળકતી ધાતુ જેવો દેખાતો હતો, કમરની નીચેના ભાગનો દેખાવ અગ્નિના જેવો હતો. તેની આસપાસ ચળકાટ હતો.[૨૮] તે ચળકાટ ચોમાસામાં થતા મેઘધનુષના અજવાળા જેવો હતો. આ યહોવાહના ગૌરવનું પ્રતિમાનો દેખાવ હતો. જ્યારે મેં તે જોયું, ત્યારે હું ઊંધો પડી ગયો.અને કોઈ બોલતું હોય એવો અવાજ મારા સાંભળવામાં આવ્યો.

Gujarati Bible 2017
© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0