A A A A A

સારું પાત્ર: [સ્વીકૃતિ]


૧ કોરીંથી ૫:૧૧-૧૩
[૧૧] પણ હમણાં મેં તમને લખ્યું છે, કે જે આપણો ભાઈ કહેવાય છે, એવો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદા કરનારો, સ્વછંદી કે જુલમ કરનારો હોય, તો એવા માણસોની સંગત કરવી નહિ, અને તેની સાથે બેસીને ખાવું પણ નહિ.[૧૨] કેમ કે બહારનાઓનો ન્યાય મારે શું કામ કરવો છે? જેઓ વિશ્વાસી સમુદાયમાનાં છે તેઓનો ન્યાય તમે કરો છો કે નહિ?[૧૩] પણ જેઓ બહાર છે તેઓનો ન્યાય ઈશ્વર કરે છે તો તમે તમારામાંથી તે મનુષ્યને દૂર કરો.

૧ જ્હોન ૧:૯
જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.

૧ પીટર ૩:૮-૯
[૮] આખરે, તમે સર્વ એક મનના, એકબીજાના સુખ દુઃખમાં સહભાગી, ભાઈઓ પર પ્રેમ રાખનારા, કરુણા કરનાર તથા નમ્ર થાઓ.[૯] દુષ્ટતાને બદલે દુષ્ટતા અને નિંદાને બદલે નિંદા ન કરો, પણ તેથી ઊલટું આશીર્વાદ આપો; કેમ કે તેને સારુ તમને તેડવામાં આવ્યા છે કે જેથી તમે આશીર્વાદના વારસ થાઓ.

જ્હોન ૩:૧૬
કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.

ઉકિતઓ ૧૩:૨૦
જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. પણ જે મૂર્ખની સોબત કરે છે તેને નુકસાન થશે.

રોમન ૨:૧૧
ઈશ્વર પાસે પક્ષપાત નથી.

રોમન ૫:૮
પણ આપણે જયારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા. એવું કરવામાં ઈશ્વરે આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કર્યો.

રોમન ૮:૩૧
ત્યારે એ વાતો વિષે આપણે શું કહીએ? જો ઈશ્વર આપણા પક્ષના તો આપણી વિરુધ્ધ કોણ?

રોમન ૧૪:૧-૨
[૧] વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, પણ સંદેહ પડતી બાબતોના વાદવિવાદને માટે નહિ.[૨] કોઈનો વિશ્વાસ તો એવો છે કે તે બધું જ ખાય છે, પણ કોઈ તો વિશ્વાસમાં નબળો હોવાથી માત્ર શાકભાજી જ ખાય છે.

હિબ્રૂ ૧૦:૨૪-૨૫
[૨૪] પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા માટે પરસ્પર ઉત્તેજન પ્રાપ્ત થાય માટે આપણે એકબીજાનો વિચાર કરીએ.[૨૫] જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો નિહાળો તેમ તેમ તમે વિશેષ પ્રયત્ન કરો.

જ્હોન ૬:૩૫-૩૭
[૩૫] ઈસુએ તેઓને કહ્યું, 'જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે.[૩૬] પણ મેં તમને કહ્યું કે, તમે મને જોયો છે, તોપણ વિશ્વાસ કરતા નથી.[૩૭] પિતા મને જે આપે છે તે સર્વ મારી પાસે આવશે અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહિ જ મૂકીશ.

કોલોસીઅન્સ ૩:૧૨-૧૪
[૧૨] એ માટે, પવિત્ર તથા વહાલાંઓ, ઈશ્વરના પસંદ કરેલાને શોભે તેમ, દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા ધારણ કરો.[૧૩] એકબીજાનું સહન કરો અને જો કોઈને કોઈની સામે ફરિયાદ હોય તો તેને માફ કરો, જેમ ખ્રિસ્તે તમને માફ કર્યા તેમ તમે પણ એકબીજાને માફ કરો.[૧૪] પણ એ સઘળાં ઉપરાંત પ્રેમ જે સંપૂર્ણતાનું બંધન છે તે તમે પહેરી લો.

મેથ્યુ ૫:૩૮-૪૨
[૩૮] 'આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત', તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે.[૩૯] પણ હું તમને કહું છું કે જે દુર્જન હોય તેમની સામા ન થાઓ; પણ જે કોઈ તારા જમણાં ગાલ પર તમાચો મારે, તેની તરફ બીજો પણ ફેરવ.[૪૦] જે તારો કોટ લેવા સારુ તારા પર દાવો કરે, તેને તારું પહેરણ પણ લેવા દે.[૪૧] જે કોઈ તને બળજબરીથી એક માઇલ લઈ જાય, તો તેની સાથે બે માઇલ જા.[૪૨] જે કોઈ તારી પાસે માગે તેને તું આપ અને તારી પાસે જે ઉછીનું લેવા ચાહે, તેનાથી મોં ન ફેરવ.

મેથ્યુ ૨૫:૩૪-૪૦
[૩૪] ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે, 'મારા પિતાના આશીર્વાદિતો તમે આવો, જે રાજ્ય સૃષ્ટિનો પાયો નાખ્યા અગાઉ તમારે સારુ તૈયાર કરેલું છે તેનો વારસો લો.[૩૫] કેમ કે હું ભૂખ્યો હતો, ત્યારે તમે મને ખવડાવ્યું; હું તરસ્યો હતો, ત્યારે તમે મને [પાણી] પાયું; હું પારકો હતો; ત્યારે તમે મને અતિથિ તરીકે રાખ્યો;[૩૬] હું નિર્વસ્ત્ર હતો, ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં; હું માંદો હતો ત્યારે તમે મને જોવા આવ્યા; હું જેલમાં હતો, ત્યારે તમે મારી ખબર લીધી.'[૩૭] ત્યારે ન્યાયીઓ તેમને ઉત્તર આપશે કે, 'પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા જોઈને ખવડાવ્યું, તરસ્યા જોઈને [પાણી] પાયું?'[૩૮] ક્યારે અમે તમને પારકા જોઈને અતિથિ રાખ્યા, નિર્વસ્ત્ર જોઈને વસ્ત્ર પહેરાવ્યાં?[૩૯] ક્યારે અમે તમને માંદા અથવા જેલમાં જોઈને તમારી ખબર લીધી?[૪૦] ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, 'હું તમને નિશ્ચે કહું છું કે, 'આ મારા ભાઈઓમાંના બહુ નાનાંઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.'

રોમન ૧૫:૧-૭
[૧] હવે નિર્બળોની નબળાઈને ચલાવી લેવી અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું, એ આપણ શક્તિમાનોની ફરજ છે.[૨] આપણામાંના દરેકે પોતાના પડોશીને તેના કલ્યાણને માટે [તેની] ઉન્નતિને અર્થે ખુશ કરવો.[૩] કેમ કે ખ્રિસ્ત પોતે પણ મનસ્વી રીતે વર્તતા ન હતા, પણ જેમ લખ્યું છે કે, 'તારી નિંદા કરનારાઓની નિંદા મારા પર પડી.'[૪] કેમ કે જેટલું અગાઉ લખેલું હતું, તે આપણને શિખામણ મળે તે માટે લખવામાં આવ્યું હતું કે, ધીરજથી તથા પવિત્રશાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.[૫] તમે એક ચિત્તે તથા એક અવાજે, ઈશ્વરનો, એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પિતાનો મહિમા પ્રગટ કરો[૬] એ માટે ધીરજ તથા દિલાસો દેનાર ઈશ્વર તમને એવું વરદાન આપો કે તમે ખ્રિસ્ત ઈસુને અનુસરીને અંદરોઅંદર એક જ મનના થાઓ.[૭] માટે, ખ્રિસ્તે જેમ ઈશ્વરના મહિમાને અર્થે તમારો સ્વીકાર કર્યો, તેમ તમે પણ એકબીજાનો સ્વીકાર કરો.

રોમન ૧૪:૧૦-૧૯
[૧૦] પણ તું પોતાના ભાઈને કેમ અપરાધી ઠરાવે છે? તું પોતાના ભાઈને કેમ તુચ્છ ગણે છે? કેમ કે આપણે સર્વને ઈશ્વરના ન્યાયાસનની આગળ ઊભા રહેવું પડશે.[૧૧] એવું લખેલું છે કે, પ્રભુ કહે છે કે, મારા જીવના સમ કે, દરેક ધૂંટણ મારી આગળ વાંકો વળશે અને દરેક જીભ ઈશ્વરની સ્તુતિ કરશે.[૧૨] એ માટે આપણ પ્રત્યેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે.[૧૩] તો હવેથી આપણે એકબીજા દોષારોપણ કરીએ નહિ; પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ, એવો નિયમ કરવો, તે સારું છે.[૧૪] હું જાણું છું કે, પ્રભુ ઈસુમાં મને પૂરેપૂરી ખાતરી છે કે, કોઈ પણ ચીજ જાતે અશુદ્ધ નથી; પરંતુ જેને જે કંઈ અશુદ્ધ લાગે છે તેને માટે તે અશુદ્ધ છે.[૧૫] જો તારા ભોજનને લીધે તારા ભાઈને ખેદ થાય છે, તો તે બાબતમાં તું પ્રેમના નિયમ પ્રમાણે વર્તતો નથી. જેને સારુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ તું તારા ભોજનથી ન કર.[૧૬] તેથી તમારું જે સારું છે તે વિષે ખોટું બોલાય એવું થવા ન દો.[૧૭] કેમ કે ઈશ્વરનું રાજ્ય તો ખાવાપીવામાં નથી; પણ ન્યાયીપણામાં, શાંતિમાં અને પવિત્ર આત્માથી મળતા આનંદમાં, છે.[૧૮] કેમ કે તે (બાબત) માં જે ખ્રિસ્તની સેવા કરે છે, તે ઈશ્વરને પસંદ તથા માણસોને માન્ય થાય છે.[૧૯] તેથી જે બાબતો શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારો કરી શકીએ તેવી છે. તેની પાછળ આપણે લાગુ રહેવું.

Gujarati Bible 2017
© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0