A A A A A

ચર્ચ: [ખોટા શિક્ષકો]


એઝેકીલ ૧૩:૯
"જે પ્રબોધકો જૂઠાં સંદર્શન જુએ છે તથા જૂઠા શકુન જુએ છે તે પ્રબોધકો વિરુદ્ધ મારો હાથ રહેશે. તેઓ મારા લોકોની સભામાં રહેશે નહિ, ઇઝરાયલ લોકોના અહેવાલમાં નોંધવામાં નહિ આવે, તેઓ ઇઝરાયલના દેશમાં જશે નહિ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ યહોવાહ છું.

યિર્મેયાહ ૨૩:૧૬
સૈન્યોના યહોવાહ આ પ્રમાણે કહે છે કે, જે પ્રબોધકો તમને પ્રબોધ કરે છે તેઓનું તમે સાંભળશો નહિ. તેઓ વ્યર્થ વાતો કરે છે. તેઓ મારાં મુખનાં વચનો નથી કહેતા પણ પોતાના મનની કલ્પિત વાતો કરે છે.

એલજે ૬:૨૬
જયારે સઘળા લોકો તમારું સારું બોલે ત્યારે તમને અફસોસ છે! કેમ કે તેઓના પૂર્વજો જૂઠાં પ્રબોધકો પ્રત્યે તેમ જ વર્ત્યા હતા.

મેથ્યુ ૨૪:૨૪
કેમ કે નકલી ખ્રિસ્તો તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને મોટા ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી બતાવશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવી શકે.

મેથ્યુ ૧૬:૧૧-૧૨
[૧૧] તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી સંબંધી કહ્યું નહોતું, પણ ફરોશીઓના તથા સદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન રહો એમ મેં કહ્યું હતું.[૧૨] ત્યારે તેઓ સમજ્યા કે રોટલીના ખમીર સંબંધી નહિ, પરંતુ ફરોશીઓના તથા સદૂકીઓના મત વિષે સાવધાન રહેવાનું તેમણે કહ્યું હતું.

૨ તીમોથી ૪:૩-૪
[૩] કેમ કે એવો સમય આવશે કે જેમાં તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહિ; પણ કાનમાં ખજવાળ આવવાથી તેઓ પોતાને સારું મનગમતા ઉપદેશકો ભેગા કરશે;[૪] તેઓ સત્ય તરફ આડા કાન કરશે, અને કલ્પિત દંતકથાઓ તરફ વળશે.

૨ તીમોથી ૪:૩-૪
[૩] કેમ કે એવો સમય આવશે કે જેમાં તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહિ; પણ કાનમાં ખજવાળ આવવાથી તેઓ પોતાને સારું મનગમતા ઉપદેશકો ભેગા કરશે;[૪] તેઓ સત્ય તરફ આડા કાન કરશે, અને કલ્પિત દંતકથાઓ તરફ વળશે.

અધિનિયમો 20:28-30
[28] તમે પોતા સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો ઠરાવ્યાં છે તે સર્વ સંબંધી સાવધ રહો, એટલે કે ઈશ્વરનો જે વિશ્વાસી સમુદાય જે તેમણે પોતાના રક્તથી ખરીદ્યો છે, તેનું તમે પાલન કરો.[29] હું જાણું છું કે, મારા ગયા પછી ટોળા પર દયા નહિ કરે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે;[30] તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે. અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે ગૂંચવણ ભરેલી વાતો કહેશે.

૨ પીટર ૩:૧૪-૧૮
[૧૪] એ માટે, વહાલાંઓ, તેઓની રાહ જોતાં યત્ન કરો કે, તમે તેમની નજરમાં નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહો.[૧૫] અને આપણા પ્રભુનું ધૈર્ય ઉદ્ધાર છે એમ માનો; આપણા વહાલાં ભાઈ પાઉલે પણ તેને અપાયેલી બુદ્ધિ પ્રમાણે તમને એ વિષે લખ્યું છે.[૧૬] તેમ તેના સર્વ પત્રોમાં પણ આ વાતો વિષે લખ્યું છે. તે પત્રોમાં કેટલીક વાત સમજવામાં અઘરી છે, જેમ બીજા શાસ્ત્રવચનોને તેમ એ વાતોને પણ અજ્ઞાની તથા અસ્થિર માણસો પોતાના નાશને સારુ મારીમચડીને ઊંધો અર્થ આપે છે.[૧૭] માટે, તમે અગાઉથી જાણીને સાવધ થાઓ કે, અધર્મીઓની આકર્ષાઈને પોતાની સ્થિરતાથી ડગી જાઓ નહિ.[૧૮] પણ આપણા પ્રભુ તથા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તની કૃપામાં અને જ્ઞાનમાં તમે વૃદ્ધિ પામો; તેમને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો. આમીન.

૧ જ્હોન ૪:૧-૬
[૧] વહાલાંઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ ઈશ્વરથી છે કે નહિ એ વિષે તેઓને પારખી જુઓ; કેમ કે દુનિયામાં જૂઠાં પ્રબોધકો ઘણાં ઊભા થયા છે.[૨] ઈસુ ખ્રિસ્ત મનુષ્યદેહમાં આવ્યા છે, એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે ઈશ્વરનો છે, તેથી તમે ઈશ્વરનો આત્મા ઓળખી શકો છો.[૩] જે આત્મા ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા તેવું કબૂલ કરતો નથી તે ઈશ્વરનો નથી; અને ખ્રિસ્ત-વિરોધીનો આત્મા જે વિષે તમે સાંભળ્યું કે તે આવે છે, તે એ જ છે અને તે હમણાં પણ દુનિયામાં છે.[૪] તમે ઈશ્વરનાં છો અને તમે તેવા આત્માઓ પર વિજય પામ્યા છો, કેમ કે જે જગતમાં છે તે કરતાં જે તમારામાં છે તે મહાન છે.[૫] તેઓ જગતના છે, એ માટે તેઓ જગત વિષે બોલે છે અને જગત તેઓનું સાંભળે છે.[૬] આપણે ઈશ્વરના છીએ; જે ઈશ્વરને ઓળખે છે તે આપણું સાંભળે છે; જે ઈશ્વરનો નથી તે આપણું સાંભળતો નથી; એથી આપણે સત્યનો આત્મા તથા ભમાવનાર આત્મા વચ્ચેના તફાવતને પારખી શકીએ છીએ.

મેથ્યુ ૭:૧૫-૨૦
[૧૫] જે જૂઠાં પ્રબોધકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ અંદરથી ફાડી ખાનાર વરુના જેવા છે, તેઓ સંબંધી તમે સાવધાન રહો.[૧૬] તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાનાં ઝાડ પરથી દ્રાક્ષ અથવા ઝાંખરાં પરથી અંજીર તોડે છે?[૧૭] તેમ જ દરેક સારું ઝાડ સારાં ફળ આપે છે અને ખરાબ ઝાડ ખરાબ ફળ આપે છે.[૧૮] સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી અને ખરાબ ઝાડ સારાં ફળ આપી શકતું નથી.[૧૯] દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.[૨૦] તેથી તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો.

૨ પીટર ૧:૧૨-૨૧
[૧૨] એ માટે જોકે તમે એ વાતો જાણો છો અને અત્યારે સત્યમાં દૃઢ થયા છો, તોપણ તમને તે નિત્ય યાદ કરાવવાનું હું ભૂલીશ નહિ.[૧૩] અને જ્યાં સુધી હું આ માંડવારૂપી શરીર માં છું, ત્યાં સુધી તમને યાદ કરાવીને સાવચેત કરવા એ મને યોગ્ય લાગે છે.[૧૪] કેમ કે મને ખબર છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં બતાવ્યા પ્રમાણે મારું આયુષ્ય જલદી પૂરું થવાનું છે.[૧૫] હું યત્ન કરીશ કે, મારા મરણ પછી તમને આ વાતો સતત યાદ રહે.[૧૬] કેમ કે જયારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી, ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી વાર્તાઓ અનુસર્યા નહોતા; પણ તેમની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા.[૧૭] કેમ કે જયારે ગૌરવી મહિમા તરફથી તેઓને એવી વાણી થઈ કે, 'એ મારો વહાલો પુત્ર છે, તેના પર હું પ્રસન્ન છું,' ત્યારે ઈશ્વરપિતાથી તેઓ માન તથા મહિમા પામ્યા.[૧૮] અમે તેમની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે પોતે તે સ્વર્ગવાણી સાંભળી.[૧૯] અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે પ્રબોધવાણી છે, તેને અંધારી જગ્યામાં પ્રકાશ કરનાર દીવાના જેવી જાણીને તેના પર જ્યાં સુધી પરોઢ થાય અને સવારનો તારો તમારાં અંતઃકરણોમાં ઊગે, ત્યાં સુધી ચિત્ત લગાડવાથી તમે સારું કરશો.[૨૦] પ્રથમ તમારે એ જાણવું કે, પવિત્રશાસ્ત્રમાંનું કોઈ પણ ભવિષ્યવચન મનુષ્યપ્રેરિત નથી.[૨૧] કેમ કે ભવિષ્યવાણી કદી માણસની ઇચ્છા પ્રમાણે આવી નથી, પણ પ્રબોધકો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરનાં વચનો બોલ્યા.

ટાઇટસ ૧:૬-૧૬
[૬] જો કોઈ માણસ નિર્દોષ હોય, એક સ્ત્રીનો પતિ હોય, જેનાં છોકરાં વિશ્વાસી હોય, જેમનાં ઉપર દુરાચારનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય અને જેઓ ઉદ્ધત ન હોય, તેવા માણસને અધ્યક્ષ ઠરાવવો.[૭] કેમ કે અધ્યક્ષે ઈશ્વરના પરિવારના કારભારી તરીકે નિર્દોષ હોવું જોઈએ; સ્વછંદી, ક્રોધી, દારૂડિયો, હિંસક કે નીચ લાભ વિષે લોભી હોય એવા હોવું જોઈએ નહિ.[૮] પણ તેણે આગતા-સ્વાગતા કરનાર, સત્કર્મનો પ્રેમી, ઠરેલ, ન્યાયી, પવિત્ર, આત્મસંયમી[૯] અને ઉપદેશ પ્રમાણેના વિશ્વાસયોગ્ય સંદેશને દૃઢતાથી વળગી રહેનાર હોવું જોઈએ; એ માટે કે તે શુદ્ધ સિદ્ધાંત પ્રમાણે બોધ કરવાને તથા વિરોધીઓની દલીલોનું ખંડન કરવાને શક્તિમાન થાય.[૧૦] કેમ કે બંડખોર, બકવાસ કરનારા તથા ઠગનારા ઘણાં છે. તેઓ મુખ્યત્વે સુન્નત પક્ષના છે,[૧૧] તેઓને બોલતા બંધ કરવા જોઈએ; તેઓ નીચ લાભ ખાટવા માટે જે ઉચિત નથી તેવું શીખવીને બધા કુટુંબોને ગેરમાર્ગે દોરે છે.[૧૨] તેઓમાંના એક પ્રબોધકે કહ્યું છે કે, 'ક્રીતી લોકો સદા જૂઠા, જંગલી પશુઓ સમાન, આળસુ ખાઉધરાઓ છે.'[૧૩] આ સાક્ષી ખરી છે માટે તેઓને સખત રીતે ધમકાવ[૧૪] કે, તેઓ યહૂદીઓની દંતકથાઓ તથા સત્યથી ભટકનાર માણસોની આજ્ઞાઓ પર ચિત્ત ન રાખતાં વિશ્વાસમાં દ્રઢ રહે.[૧૫] શુદ્ધોને મન સઘળું શુદ્ધ છે; પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓને મન કંઈ પણ શુદ્ધ હોતું નથી; તેઓનાં મન તથા અંતઃકરણ ભ્રષ્ટ થયેલાં છે.[૧૬] અમે ઈશ્વરને જાણીએ છીએ એવો તેઓ દાવો કરે છે, પણ પોતાની કરણીઓથી તેમને નકારે છે; તેઓ ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા અને કંઈ પણ સારું કામ કરવા માટે અયોગ્ય છે.

૨ પીટર ૨:૧-૨૨
[૧] જેમ [ઇઝરાયલી] લોકોમાં જૂઠાં પ્રબોધકો ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ ગુપ્ત રીતે નાશકારક પાખંડી મતો ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને જલદીથી પોતાનો જ વિનાશ કરશે.[૨] તેઓના ભ્રષ્ટાચારમાં ઘણાં માણસો ચાલશે; અને તેઓને લીધે સત્યનાં માર્ગનો તિરસ્કાર થશે.[૩] તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમારું શોષણ કરશે; તેઓને માટે અગાઉથી ઠરાવેલી સજામાં વિલંબ કે તેઓના નાશમાં ઢીલ થશે નહિ.[૪] કેમ કે જે નર્કદૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડ્યાં નહિ, પણ તેઓને નર્કમાં નાખીને ન્યાયચૂકાદા સુધી અંધકારનાં ખાડાઓમાં રાખ્યા;[૫] તેમ જ [ઈશ્વરે] પુરાતન માનવજગતને છોડ્યું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયીપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેનાં સાત માણસોને બચાવ્યાં;[૬] અને અધર્મીઓને જે થનાર છે ઉદાહરણ આપવા સારુ સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યાં, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી;[૭] અને ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો,[૮] કેમ કે તે પ્રામાણિક માણસ જયારે તેઓની સાથે રહેતો હતો ત્યારે તેઓનાં ખરાબ કામ જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાયી આત્મામાં નિત્ય દુઃખ પામતો હતો.[૯] પ્રભુ ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે,[૧૦] અને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે. તેઓ ઉદ્ધત તથા સ્વછંદી થઈને આકાશી જીવોની નિંદા કરતાં પણ ડરતા નથી.[૧૧] પરંતુ સ્વર્ગદૂતો વિશેષ બળવાન તથા પરાક્રમી હોવા છતાં પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પર દોષ મૂકતા નથી.[૧૨] પણ તેઓ સ્વભાવે અબુધ પશુ કે જેઓ પકડાવા તથા નાશ પામવાને સૃજાયેલાં છે, તેઓની માફક તેઓ જે વિષે જાણતા નથી, તે વિષે નિંદા કરીને પોતાના દુરાચારમાં નાશ પામશે, અન્યાય કર્યાને લીધે અન્યાયનું ફળ ભોગવશે.[૧૩] ઉઘાડે છોગ સુખભોગ કરવાને આનંદ માને છે; તેઓ ડાઘ તથા કલંક છે; અને પોતાના પ્રેમભોજનમાં મસ્ત થઈને તમારી સાથે ભોજન કરે છે.[૧૪] તેઓની આંખો વ્યભિચારિણીઓની વાસનાથી ભરેલી છે અને પાપ કરતાં બંધ થતી નથી; તેઓ ડામાડોળ માણસોને લલચાવે છે; તેઓનાં હૃદયો દ્રવ્યલોભમાં કેળવાયેલાં છે, તેઓ શાપિત છે.[૧૫] ખરો માર્ગ મૂકીને તેઓ અવળે માર્ગે ભટકેલા છે, અને બયોરનો દીકરો બલામ, જેણે અન્યાયનું ફળ ચાહ્યું તેને માર્ગે ચાલનારાં થયા;[૧૬] પણ તેને પોતાના અધર્મને લીધે ઠપકો આપવામાં આવ્યો; મૂંગા ગધેડાએ માણસની વાણીથી પ્રબોધકની ઘેલછાને અટકાવી.[૧૭] તેઓ પાણી વગરના ઝરા જેવા તથા તોફાનથી ઘસડાતી ધૂમર જેવા છે, તેઓને સારુ ઘોર અંધકાર રાખેલો છે.[૧૮] તેઓ ભ્રમણામાં છે. તેઓમાંથી જેઓ બચી જવાની તૈયારીમાં છે તેઓને તેઓ વ્યર્થતાની બડાઈની વાતો કહીને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી મોહ પમાડે છે.[૧૯] તેઓને તેઓ સ્વતંત્રતાનું વચન આપે છે, પણ પોતે પાપના દાસ છે; કેમ કે માણસને જ કોઈ જીતે છે, તે જ તેને પોતાનો દાસ બનાવે છે.[૨૦] કેમ કે આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી જો તેઓ, જગતની ભ્રષ્ટતાથી છૂટીને, પાછા તેમાં ફસાઈને હારી ગયા, તો તેઓની છેલ્લી દશા પહેલી કરતાં ખરાબ થઈ છે;[૨૧] કારણ કે ન્યાયીપણાનો માર્ગ જાણ્યાં પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી હતી તેમાંથી પાછા ફરવું, એ કરતાં આ તેઓ તે [માર્ગ] વિષે અજાણ્યા રહ્યા હોત તો સારું હોત.[૨૨] પણ તેઓને માટે આ કહેવત સાચી ઠરી છે, 'કૂતરું પોતે ઊલટી કરી હોય ત્યાં પાછું આવે છે અને નવડાવેલું ભૂંડ કાદવમાં આળોટવા માટે પાછું આવે છે,' આ કહેવત પ્રમાણે તેઓનું વર્તન થયું છે.

મેથ્યુ ૨૩:૧-૨૯
[૧] ત્યારે ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું કે,[૨] 'શાસ્ત્રીઓ તથા ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે;[૩] એ માટે જે કંઈ તેઓ તમને ફરમાવે, તે કરો તથા પાળો; પણ તેઓનાં કાર્યોને ન અનુસરો, કેમ કે તેઓ કહે છે, તે પ્રમાણે કરતા નથી.[૪] કેમ કે ભારે અને ઊંચકતાં મહામુસીબત પડે એવા બોજા તેઓ માણસોની પીઠ પર ચઢાવે છે, પણ તેઓ પોતે પોતાની આંગળી પણ તેને લગાવવા ઇચ્છતા નથી.'[૫] લોકો તેઓને જુએ તે હેતુથી તેઓ પોતાનાં સઘળાં કામ કરે છે; તેઓ પોતાનાં સ્મરણપત્રોને પહોળાં બનાવે છે તથા પોતાનાં વસ્ત્રોની કોર વધારે છે.[૬] વળી જમણવારોમાં મુખ્ય જગ્યાઓ, સભાસ્થાનોમાં મુખ્ય આસનો[૭] તથા ચોકમાં સલામો તથા માણસો તેઓને ગુરુજી કહે, તેવું તેઓ ચાહે છે.[૮] પણ તમે પોતાને ગુરુ ન કહેવડાવો; કેમ કે તમારો એક જ ગુરુ છે અને તમે સઘળાં ભાઈઓ છો.[૯] પૃથ્વી પર તમે કોઈ માણસને તમારા પિતા ન કહો, કેમ કે એક જે સ્વર્ગમાં છે, તે તમારા પિતા છે.[૧૦] તમે સ્વામી ન કહેવડાવો, કેમ કે એક, જે ખ્રિસ્ત, તે તમારા સ્વામી છે.[૧૧] પણ તમારામાં જે મોટો છે તે તમારો ચાકર થાય.[૧૨] જે કોઈ પોતાને ઊંચો કરશે, તે નીચો કરાશે; જે કોઈ પોતાને નીચો કરશે, તેને ઉચ્ચસ્થાન અપાશે.[૧૩] ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, અને જેઓ પ્રવેશવા ચાહે છે તેઓને તમે પ્રવેશવા દેતાં નથી.[૧૪] ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે વિધવાઓનાં ઘર ખાઈ જાઓ છો, દેખાડા માટે લાંબી પ્રાર્થનાઓ કરો છો, તે માટે તમે વિશેષ સજા ભોગવશો.[૧૫] ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે એક શિષ્ય બનાવવા સારુ તમે સમુદ્ર તથા પૃથ્વીમાં ફરી વળો છો; અને તેવું થાય છે ત્યારે તમે તેને તમારા કરતાં બમણો નર્કનો દીકરો બનાવો છો.[૧૬] ઓ અંધજનોને દોરનારાઓ, તમને અફસોસ છે; તમે કહો છો કે, જો કોઈ ભક્તિસ્થાનના સમ ખાય, તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ ભક્તિસ્થાનના સોનાનાં સમ ખાય તો તેથી બંધાયેલો છે.[૧૭] ઓ મૂર્ખો તથા અંધજનો, વિશેષ મોટું કયું? સોનું કે સોનાને પવિત્ર કરનારું ભક્તિસ્થાન?[૧૮] અને તમે કહો છો કે, જો કોઈ યજ્ઞવેદીના સમ ખાય તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ તે પરના અર્પણના સમ ખાય તો તે તેથી બંધાયલો છે.[૧૯] ઓ અંધજનો, વિશેષ મોટું કયું? અર્પણ કે અર્પણને પવિત્ર કરનારી યજ્ઞવેદી?[૨૦] એ માટે જે કોઈ યજ્ઞવેદીના સમ ખાય છે, તે તેના તથા જે બધું તેના પર છે તેના પણ સમ ખાય છે.[૨૧] જે કોઈ ભક્તિસ્થાનના સમ ખાય છે, તે તેના તથા તેમાં જે રહે છે તેના પણ સમ ખાય છે.[૨૨] જે સ્વર્ગના સમ ખાય છે, તે ઈશ્વરના રાજ્યાસનના તથા તે પર બિરાજનારના પણ સમ ખાય છે.[૨૩] ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે ફુદીનાનો, સૂવાનો તથા જીરાનો દસમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્ત્રની અગત્યની વાતો, એટલે ન્યાય, દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે; તમારે આ કરવાં, અને એ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.[૨૪] ઓ અંધજનોને દોરનારાઓ, તમે મચ્છરને ગાળી કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો.[૨૫] ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે થાળીવાટકો બહારથી સાફ કરો છો, પણ તેમની અંદર જુલમ તથા અન્યાય ભરેલા છે.[૨૬] ઓ આંધળા ફરોશી, તું પહેલાં થાળીવાટકો અંદરથી સાફ કર કે, તે બહારથી પણ સાફ થઈ જાય.[૨૭] ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મૃતકનાં હાડકાં તથા દરેક અશુદ્ધિથી ભરેલી છે.[૨૮] તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાઓ છો ખરા, પણ અંદર ઢોંગથી તથા દુષ્ટતાથી ભરેલા છો.[૨૯] ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો અને ન્યાયીઓની કબરો શણગારો છો;

Gujarati Bible 2017
© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0