A A A A A

ચર્ચ: [ઈસુનો જન્મ]


મેથ્યુ ૧:૧૮-૨૩
[૧૮] ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. તેમની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થયા પછી, તેઓનો શારીરિક સંબંધ થયા અગાઉ તે પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાઈ.[૧૯] તેનો પતિ યૂસફ ન્યાયી માણસ હતો, જેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા, તેને ગુપ્ત રીતે છોડી દેવાનો વિચાર કર્યો.[૨૦] જયારે તે એ બાબત વિશે વિચારતો હતો, ત્યારે પ્રભુના સ્વર્ગદૂતે તેને સ્વપ્નમાં કહ્યું કે, "ઓ યૂસફ, દાઉદના દીકરા, તું તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીશ નહિ; કેમ કે તેના ગર્ભમાં જે બાળક છે તે પવિત્ર આત્માથી છે.[૨૧] તેને દીકરો થશે અને તું તેમનું નામ ઈસુ પાડશે; કેમ કે તે પોતાના લોકોને તેઓનાં પાપથી ઉદ્ધાર કરશે."[૨૨] હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય, એટલે,[૨૩] "જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, 'ઈશ્વર આપણી સાથે.'"

એલજે ૨:૭-૨૧
[૭] અને તેણે પોતાના પ્રથમ દીકરાને જન્મ આપ્યો; તેને કપડાંમાં લપેટીને ગભાણમાં સુવડાવ્યો, કારણ કે તેઓને સારુ ધર્મશાળામાં કંઈ જગ્યા નહોતી.[૮] તે દેશમાં ઘેટાંપાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાનાં ઘેટાંને સાચવતા હતા.[૯] પ્રભુનો એક સ્વર્ગદૂત તેઓની આગળ પ્રગટ થયો, પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ પ્રકાશ્યો, તેથી તેઓ ઘણાં ભયભીત થયા.[૧૦] સ્વર્ગદૂતે તેઓને કહ્યું કે 'બીશો નહીં; કેમ કે, જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે;[૧૧] કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારુ એક ઉદ્ધારક, એટલે ખ્રિસ્ત પ્રભુ જનમ્યાં છે.[૧૨] તમારે માટે એ નિશાની છે કે, તમે એક બાળકને કપડાંમાં લપેટેલું તથા ગભાણમાં સૂતેલું જોશો.'[૧૩] પછી એકાએક સ્વર્ગદૂતની સાથે આકાશના બીજા સ્વર્ગદૂતોનો સમુદાય પ્રગટ થયો; તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતાં હતા કે,[૧૪] 'સ્વર્ગમાં ઈશ્વરને મહિમા, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્ન છે, તેઓ મધ્યે શાંતિ થાઓ.'[૧૫] જયારે સ્વર્ગદૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા તે પછી, ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું કે, 'ચાલો, આપણે બેથલેહેમ જઈને આ બનેલી બિના જેની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ.'[૧૬] તેઓ ઉતાવળથી ગયા, અને મરિયમને, યૂસફને, તથા ગભાણમાં સૂતેલા બાળકને જોયા.[૧૭] તેઓને જોયા પછી જે વાત એ બાળક સંબંધી તેઓને કહેવામાં આવી હતી, તે તેઓએ કહી બતાવી.[૧૮] જે વાતો ઘેટાંપાળકોએ કહી, તેથી સઘળા સાંભળનારાઓ આશ્ચર્ય પામ્યા,[૧૯] પણ મરિયમ એ સઘળી વાતો મનમાં રાખીને વારંવાર તે વિષે વિચાર કરતી રહી.[૨૦] ઘેટાંપાળકોને જે કહેવામાં આવ્યું હતું તે તેઓએ બધું સાંભળ્યું તથા જોયું, તેથી તેઓ ઈશ્વરનો મહિમા તથા સ્તુતિ કરતા પોતાનાં ઘેટાં પાસે પાછા ગયા.[૨૧] આઠ દિવસ પૂરા થયા પછી બાળકની સુન્નત કરવાનો વખત આવ્યો, તેમનું નામ ઈસુ પાડવામાં આવ્યું, જે નામ, જન્મ પહેલાં સ્વર્ગદૂતે આપ્યું હતું.

મેથ્યુ ૨:૧-૧૨
[૧] હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જનમ્યાં ત્યારે, માગીઓએ પૂર્વથી યરુશાલેમમાં આવીને પૂછ્યું કે,[૨] "યહૂદીઓના જે રાજા જનમ્યાં છે, તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેમનો તારો જોઈને, અમે તેમનું ભજન કરવાને આવ્યા છીએ."[૩] એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો અને તેની સાથે આખું યરુશાલેમ પણ ગભરાયું.[૪] ત્યાર પછી હેરોદ રાજાએ સર્વ મુખ્ય યાજકોને તથા શાસ્ત્રી લોકોને એકત્ર કરીને તેઓને પૂછ્યું કે, 'ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ?'[૫] તેઓએ તેને કહ્યું કે, "યહૂદિયાના બેથલેહેમમાં; કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે,[૬] "ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સૂબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇઝરાયલી લોકોના પાળક થશે."[૭] ત્યારે હેરોદ રાજાએ તે માગીઓને ગુપ્તમાં બોલાવીને, તારો કયા સમયે દેખાયો, તે વિષે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી.[૮] તેણે તેઓને બેથલેહેમમાં મોકલતાં કહ્યું કે, 'તમે જઈને તે બાળક સંબંધી સારી રીતે શોધ કરો અને તે પછી મને જણાવો, એ માટે કે હું પણ આવીને તેમનું ભજન કરું.'[૯] તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા અને જે તારો તેઓએ પૂર્વમાં જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો અને જ્યાં બાળ ઈસુ હતા તે જગ્યા પર આવીને અટકી ગયો.[૧૦] તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા.[૧૧] ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયું; પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની ઝોળી ખોલીને સોનું, લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું.[૧૨] હેરોદ પાસે પાછા જવું નહિ, એવી ચેતવણી સ્વપ્નમાં મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા.

ગલાટિયન ૪:૪
પણ સમયની સંપૂર્ણતાએ, ઈશ્વરે સ્ત્રીથી જન્મેલો અને નિયમશાસ્ત્રને આધીન જન્મેલો, એવો પોતાનો પુત્ર (એવા હેતુથી) મોકલ્યો,

એલજે ૨:૧-૪
[૧] તે દિવસોમાં કાઈસાર ઓગસ્તસે ફરમાન બહાર પાડયું કે, સર્વ દેશોના લોકોની વસ્તીગણતરી કરવામાં આવે.[૨] કુરેનિયસ સિરિયા પ્રાંતનો રાજ્યપાલ હતો, તેના વખતમાં એ પ્રથમ વસ્તીગણતરી હતી.[૩] બધા લોકો પોતાનાં નામ નોંધાવવા સારુ પોતપોતાનાં શહેરમાં ગયા.[૪] યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયામાં દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં,

પ્રકટીકરણ ૧૨:૧-૫
[૧] પછી આકાશમાં મોટું ચિહ્ન દેખાયું, એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી જોવામાં આવી. તેના પગ નીચે ચંદ્ર અને માથા પર બાર તારાનો મુગટ હતો.[૨] તે ગર્ભવતી હતી. તેને પ્રસવપીડા થતી હતી. તેથી તે બૂમ પાડતી હતી.[૩] આકાશમાં બીજું ચિહ્ન પણ દેખાયું; જુઓ, મોટો લાલ અજગર હતો, જેને સાત માથાં ને દસ શિંગડાં હતાં; અને તેના માથા પર સાત મુગટ હતા;[૪] તેના પૂછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો, તેની આગળ તે અજગર ઊભો રહ્યો હતો, એ માટે કે જયારે તે જન્મ આપે ત્યારે તેના બાળકને તે ખાઈ જાય.[૫] 'તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો' જે નરબાળક સઘળા દેશના લોકો પર લોખંડના દંડથી રાજ કરશે. એ બાળકને ઈશ્વર પાસે તથા તેના રાજ્યાસન પાસે લઈ જવામાં આવ્યો.

Gujarati Bible 2017
© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0