A A A A A

ગણિત ચિહ્નો: [સંખ્યા ૫]


પ્રકટીકરણ ૧૩:૫-૧૮
[૫] તે પશુને ભયંકર ઈશ્વરનિંદા કરવાની અને ગર્વિષ્ઠ દાવા કરવાની છૂટ આપવામાં આવી અને બેંતાળીસ મહિના સુધી તેને અધિકાર ચલાવવાની છૂટ આપવામાં આવી.[૬] તે પશુ ઈશ્વરને, તેમના નામને, તેમના નિવાસસ્થાનને અને બધા સ્વર્ગવાસીઓને શાપ આપતું હતું.[૭] તેણે ઈશ્વરના લોકો વિરુદ્ધ લડાઈ કરીને તેમને હરાવવાના હતા અને તેને દરેક જાતિ, પ્રજા, ભાષા અને રાષ્ટ્ર પર અધિકાર આપવામાં આવ્યો હતો.[૮] બલિદાન કરાયેલા હલવાનના પુસ્તકમાં એટલે કે જીવંત લોકોની યાદીના પુસ્તકમાં જેમનાં નામ સૃષ્ટિના સર્જન અગાઉ નોંધવામાં આવ્યાં છે તે સિવાયના પૃથ્વી પર રહેનારા અન્ય સૌ કોઈ તેની ભક્તિ કરશે.[૯] તો જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.[૧૦] જે બંદીવાસમાં જવાના હોય તે બંદીવાસમાં જશે; જે તલવારથી માર્યા જવાના હોય, તે તલવારથી જ માર્યા જશે. આ બધું તો ઈશ્વરના લોકોમાં સહનશક્તિ અને વિશ્વાસ માંગી લે છે.[૧૧] પછી મેં બીજું પશુ પૃથ્વીમાં આવતું જોયું. તેને હલવાનનાં શિંગડાં જેવા બે શિંગડાં હતાં. અને તે પ્રચંડ અજગરની જેમ બોલતું હતું.[૧૨] તેણે પેલા પ્રથમ પશુની વિશાળ સત્તાનો તેની સમક્ષ ઉપયોગ કર્યો. તેણે પૃથ્વી અને તેના વસનારાઓ સર્વને પ્રથમ પશુની ભક્તિ કરવાની ફરજ પાડી. પ્રથમ પશુનો જીવલેણ ઘા રૂઝાઈ ગયો હતો.[૧૩] આ બીજા પશુએ મોટા ચમત્કારો કરી બતાવ્યા; એટલે સુધી કે બધા માણસોના દેખતાં તેણે આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ ઉતાર્યો.[૧૪] અને પ્રથમ પશુની હાજરીમાં તેને જે ચમત્કારો કરવા દેવામાં આવતા હતા તેને લીધે તે બધાં પૃથ્વીવાસીઓને ભુલાવામાં નાખતું હતું. પેલું પ્રથમ પશુ જે તલવારથી ઘવાયું હતું છતાં જીવતું હતું તેના માનમાં તેની પ્રતિમા બનાવવા તે લોકોને સમજાવતું હતું.[૧૫] બીજા પશુને પ્રથમ પશુની પ્રતિમામાં પ્રાણ પૂરવાની સત્તા આપવામાં આવી હતી; જેથી તે પ્રતિમા બોલે અને જેઓ તેની ભક્તિ ન કરે તેમને તે મારી નાખે. તે બીજા પશુએ નાના કે મોટા,[૧૬] અમીર કે ગરીબ, ગુલામ કે સ્વતંત્ર, સૌ કોઈને જમણા હાથ પર અને કપાળે છાપ લેવાની ફરજ પાડી.[૧૭] એ છાપ વગર કોઈ વેચી કે ખરીદી શકે નહિ. તે છાપ તો પશુનું નામ અથવા તેના નામની સંખ્યા દર્શાવતો આંકડો છે.[૧૮] આ તો બુદ્ધિ માંગી લે છે, જે કોઈ બુદ્ધિશાળી હોય તે પશુના આંકડા પરથી તેનું નામ શોધી કાઢી શકે છે; કારણ, એ આંકડો એક માણસનું નામ સૂચવે છે. તે આંકડો છસો છાસઠ છે.

મેથ્યુ ૧૯:૯
હું કહું છું: જો કોઈ પુરુષ તેની પત્નીએ વ્યભિચાર કર્યો ન હોવા છતાં તેનાથી લગ્નવિચ્છેદ કરે અને બીજી સ્ત્રીની સાથે લગ્ન કરે તો તે વ્યભિચાર કરે છે.

પ્રકટીકરણ ૧૧:૨-૩
[૨] પરંતુ મંદિરની બહારનો ચોક મૂકી દઈને માપ લે. કારણ, એ ચોક વિધર્મીઓને સોંપેલો છે, તેઓ બેંતાળીસ મહિના સુધી પવિત્ર શહેરને ખૂંદશે.[૩] અળસી રેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા મારા બે સાક્ષીઓને હું મોકલીશ. તેઓ બારસો સાઠ દિવસ દરમિયાન ઈશ્વરનો સંદેશ પ્રગટ કરશે.

મેથ્યુ ૫:૩૨
પણ હવે હું તમને કહું છું: જો કોઈ માણસ પોતાની પત્ની વ્યભિચારી ન હોય છતાં તેનાથી લગ્નવિચ્છેદ કરે અને તે સ્ત્રી બીજા પુરુષ સાથે ફરી લગ્ન કરે તો પહેલો પતિ પત્નીની પાસે વ્યભિચાર કરાવવા બદલ દોષિત છે. વળી, જે પુરુષ એવી લગ્નવિચ્છેદ પામેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે.

૨ તીમોથી ૩:૧૬
એમાંનું દરેક શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું છે અને તે સત્યનું શિક્ષણ આપવા ઉપયોગી છે. વળી, તે ખોટી માન્યતાઓને પડકારવા, ભૂલોને સુધારવા, અને સાચું જીવન જીવવા શિક્ષણ આપે છે.

પ્રકટીકરણ ૪:૬-૮
[૬] રાજ્યાસનની સામે સ્ફટિક જેવા નિર્મળ ક્ચના હોજ જેવું દેખાતું કંઈક હતું. રાજ્યસનની પ્રત્યેક બાજુએ ચાર જીવંત પ્રાણીઓ હતાં. તેઓ આગળપાછળ આંખોથી ભરપૂર હતાં.[૭] પહેલું પ્રાણી સિંહ જેવું દેખાતું હતું; બીજું વાછરડા જેવું દેખાતું હતું; ત્રીજાને મનુષ્યના જેવો ચહેરો હતો; અને ચોથું ઊડતા ગરુડ જેવું હતું.[૮] અને એ પ્રત્યેક જીવંત પ્રાણીને છ પાંખો હતી અને તેઓ અંદર અને બહાર આંખોથી છવાયેલાં હતાં. તેઓ રાતદિવસ સતત ગાતાં હતાં: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સર્વસમર્થ ઈશ્વર પ્રભુ, જે હતા, જે છે અને જે આવનાર છે.”

નંબર્સ ૫:૧૧-૩૧
[૧૧] પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલીઓને તું નીચે પ્રમાણે સૂચના આપ:[૧૨] જો કોઈ માણસની પત્ની વંઠી જઈને બેવફા થાય,[૧૩] અને બીજો કોઈ પુરુષ તેની સાથે વ્યભિચાર કરે અને એ બાબત તેના પતિની આંખોથી છૂપી રહે અને તે સ્ત્રી દોષિત હોવા છતાં તેની વિરુદ્ધ કોઈ સાક્ષી ન હોય અને તે વ્યભિચાર કરતાં પકડાઈ ન હોવાથી એ બાબત ગુપ્ત રહી હોય,[૧૪] અને પતિના મનમાં સંશય આવે અને પોતાની પત્ની પ્રત્યે શક જાય ત્યારે અથવા કોઈ પતિના મનમાં સંશય આવે અને પત્ની ભ્રષ્ટ ન થઈ હોવા છતાં તેને પત્ની પ્રત્યે શક જાય ત્યારે,[૧૫] એ બેમાંથી કોઈપણ કિસ્સામાં પતિએ પોતાની પત્નીને યજ્ઞકાર સમક્ષ લઈ જવી. તે સાથે તેણે અર્પણને માટે જવનો આશરે એક કિલો લોટ લાવવો. તેના પર તેલ રેડવામાં ન આવે કે લોબાન મૂકવામાં ન આવે; કારણ, એ તો સંશયનિવારણ માટે ગુનાની યાદ દેવડાવનારું અને તેને સાબિત કરવા માટેનું ધાન્યઅર્પણ છે.[૧૬] યજ્ઞકાર તે સ્ત્રીને આગળ લાવીને પ્રભુ સમક્ષ ઊભી કરે.[૧૭] યજ્ઞકાર માટીના પાત્રમાં પવિત્ર પાણી રેડે અને તે પાણીમાં મુલાકાતમંડપના ભોંયતળિયાની થોડી ધૂળ નાખે.[૧૮] ત્યાર પછી યત્રકાર તે સ્ત્રીને પ્રભુ સમક્ષ ઊભી રાખી તેના માથાના વાળ છોડી નાખે અને તેના હાથમાં સંશયનિવારણ અર્થે યાદગીરીનું ધાન્યઅર્પણ આપે. યજ્ઞકાર પોતાના હાથમાં ક્સોટીના શાપકારક પાણીનું પાત્ર રાખે.[૧૯] પછી યજ્ઞકાર તે સ્ત્રી પાસે પોતે નિર્દોષ છે એવા શપથ લેવડાવે અને પછી તે સ્ત્રીને કહે, ‘જો તેં પરપુરુષ સાથે વ્યભિચાર કર્યો ન હોય અને પતિના અધિકાર નીચે હતી ત્યારે વંઠી જઈને તારી જાતને ભ્રષ્ટ કરી ન હોય, તો આ ક્સોટીના શાપકારક પાણીની વિપરીત અસરથી તું મુક્ત રહેશે.[૨૦] પણ તારા પતિના અધિકાર નીચે હોવા છતાં તેં વંઠી જઈને વ્યભિચાર કર્યો હોય અને તારી જાતને ભ્રષ્ટ કરી હોય,[૨૧] તો (અહીં યજ્ઞકાર સ્ત્રીને સોગનપૂર્વકના શાપ હેઠળ મૂક્તાં કહેશે) પ્રભુ તને તારા લોકોમાં શાપરૂપ અને ધિક્કારપાત્ર કરો, તારા ગર્ભાશયને સડાવી દો અને તારા પેટને સુજાવી દો.[૨૨] આ શાપકારક પાણી તારા પેટમાં પ્રવેશતાં જ તારું ગર્ભાશય સડી જાઓ અને તારું પેટ સૂજી જાઓ.’ ત્યારે તે સ્ત્રી કહે, ‘આમીન, આમીન.’[૨૩] “ત્યાર પછી યત્રકારે આ શાપને ચર્મપત્ર પર લખી લેવો અને તેને પેલા ક્સોટીના પાણીમાં ધોઈ નાખવો.[૨૪] પછી તેણે એ સ્ત્રીને શાપકારક ક્સોટીનું પાણી પીવડાવવું અને શાપકારક પાણી તેનામાં પ્રવેશીને ક્સોટી કરશે.[૨૫] પછી યજ્ઞકારે સ્ત્રીના હાથમાંથી સંશય માટે ધાન્યઅર્પણ લઈને પ્રભુને તેની આરતી કરીને વેદી પર મૂકી દેવું.[૨૬] અને તેણે ધાન્યઅર્પણમાંથી યાદગીરીના હિસ્સા તરીકે મુઠ્ઠીભર લઈને વેદી પર તેનું દહન કરવું, અને પછી સ્ત્રીને તે પાણી પીવડાવી દેવું.[૨૭] અને પાણી પીવડાવ્યા પછી એમ થશે કે જો તે સ્ત્રીએ પતિને બેવફા થઈને પોતાની જાતને ભ્રષ્ટ કરી હશે તો શાપકારક પાણી પેટમાં ઊતરતાં જ ક્સોટી કરશે અને પેટને સુજાવી દેશે અને ગર્ભાશય સડી જશે અને તે સ્ત્રી પોતાના લોકોમાં શાપરૂપ બની જશે.[૨૮] પણ જો તે સ્ત્રી ભ્રષ્ટ બની નહિ હોય અને શુદ્ધ હશે તો તેને કંઈ નુક્સાન થશે નહિ અને તે ગર્ભધારણ કરી શકશે.[૨૯] “પતિના સંશયને લગતો આ નિયમ છે: જ્યારે પત્ની પતિના અધિકાર તળે હોવા છતાં વંઠી જઈને પોતાની જાતને ભ્રષ્ટ કરે,[૩૦] અથવા પુરુષના મનમાં સંશય ઉત્પન્‍ન થાય અને તેને પત્ની પ્રત્યે શક જાય ત્યારે તેણે પત્નીને પ્રભુ સમક્ષ રજૂ કરવી અને યજ્ઞકાર તે સ્ત્રી માટે આ સર્વ નિયમ પ્રમાણે વિધિ કરે.[૩૧] આ રીતે પતિના સંશયનું નિવારણ થશે અને પત્ની દોષિત હશે તો તે સજા ભોગવશે.”

૩ કિંગ્સ ૭:૨૩
હુરામે 2.2 મીટર ઊંડો, 4.4 મીટરના વ્યાસવાળો અને 13.2 મીટર પરિધનો તાંબાનો ગોળ જળકુંડ બનાવ્યો.

પુનર્નિયમ ૬:૪
“હે ઇઝરાયલીઓ સાંભળો; યાહવે, એકમાત્ર યાહવે આપણા ઈશ્વર છે;

માલાચી ૩:૧૦
તમારાં પૂરેપૂરાં દશાંશ મંદિરમાં લાવો, એ માટે કે ત્યાં અન્‍નની અછત રહે નહિ. મારી પારખ કરી જુઓ કે હું આકાશની બારીઓ ખોલીને તમારે માટે સર્વ સારી વસ્તુઓ ભરપૂરીમાં વરસાવું છું કે નહિ.

ગીતશાસ્ત્ર ૧૦૪:૯
તમે પાણી માટે તે ઓળંગી ન શકે એવી હદ ઠરાવી છે; જેથી પૃથ્વીને ફરીથી ડૂબાડવા તે પાછાં આવે નહિ.

જિનેસિસ ૬:૧૨
ઈશ્વરે પૃથ્વી પર જોયું તો તેમાં નરી દુષ્ટતા હતી; કારણ, પૃથ્વી પરનાં બધાં માણસોએ દુષ્ટતાનો માર્ગ અપનાવ્યો હતો.

જિનેસિસ ૭:૨૦
પર્વતોનાં શિખરો ઉપર લગભગ સાત મીટર પાણી ચડયાં.

જિનેસિસ ૮:૫-૯
[૫] હજી પણ પાણી ઓસરતાં જતાં હતાં અને દસમા માસને પ્રથમ દિવસે પર્વતોનાં શિખર દેખાયાં.[૬] ચાલીસ દિવસ પછી નૂહે પોતે બનાવેલી વહાણની બારી ઉઘાડીને એક કાગડાને બહાર મોકલ્યો. પણ પાણી સૂકાયાં ત્યાં સુધી કાગડો આમતેમ ઊડતો ફર્યો.[૭] ***[૮] પછી પૃથ્વી પરથી પાણી ઓસર્યાં છે કે નહિ તે જોવા નૂહે એક કબૂતરને મોકલ્યું.[૯] પણ આખી પૃથ્વી પર પાણી ફેલાયેલું હોવાથી કબૂતરને પગ મૂકવાની જગા મળી નહિ. તેથી તે નૂહ પાસે વહાણ તરફ પાછું આવ્યું. નૂહે પોતાનો હાથ લંબાવીને તેને વહાણમાં લઈ લીધું.

જિનેસિસ ૯:૧૧
હું મારો કરાર સ્થાપિત કરું છું કે હવે પછી જળપ્રલય દ્વારા કદી પણ બધા સજીવોનો નાશ થશે નહિ અને ફરી કદી જળપ્રલયથી પૃથ્વીનો વિનાશ થશે નહિ.”

જિનેસિસ ૧:૩૧
ઈશ્વરને પોતે બનાવેલું બધું ખૂબ સારું લાગ્યું. સાંજ પડી અને સવાર થયું. આ છઠ્ઠો દિવસ હતો.

જિનેસિસ ૩:૧૫
હું તારી અને સ્ત્રીની વચ્ચે, તારાં સંતાન અને તેના સંતાન વચ્ચે કાયમનું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, અને તું તેની એડીએ કરડશે.”

૧ કોરીંથી ૧૦:૧૩
લોકોની સામાન્ય રીતે જે ક્સોટી થતી હોય છે તે કરતાં તમારી વિશેષ ક્સોટી નથી. કારણ, ઈશ્વર પોતાનું વચન પાળે છે. તે તમારી શક્તિ બહારની ક્સોટી તમારા પર આવવા દેશે નહિ. જ્યારે જ્યારે તમારી ક્સોટી થાય ત્યારે ત્યારે તેને સહન કરવાની શક્તિ ઈશ્વર તમને આપશે અને તેમાંથી બચાવનો માર્ગ પણ બતાવશે.

નિર્ગમન ૨૦:૧૩
“તમે ખૂન ન કરો.

Gujarati Bible 2016 (GUCL)
Bible Society of India