A A A A A

વધારાનુ: [દારૂ]


૧ પીટર ૪:૩
વિધર્મીઓ જેમાં આનંદ માને છે તેવાં કાર્યો કરવામાં તમે ભૂતકાળમાં ગુમાવેલો સમય પૂરતો છે. તે વખતે તમે તમારાં જીવનો વ્યભિચારમાં, વિષય વાસનામાં, મદ્યપાનમાં, ભોગવિલાસમાં અને ઘૃણાપાત્ર મૂર્તિપૂજામાં વિતાવ્યાં હતાં.

૧ તીમોથી ૫:૨૩
હવેથી માત્ર પાણી જ ન પીતાં, તું વારંવાર માંદો પડે છે અને તને પાચનની તકલીફ છે માટે થોડો દ્રાક્ષાસવ પીજે.

સભાશિક્ષક ૯:૭
જા, આનંદથી તારું ભોજન ખા અને ઉમંગથી દ્રાક્ષાસવ પી, કારણ, તારાં કામનો ઈશ્વરે સ્વીકાર કર્યો છે.

એફેસી ૫:૧૮
દારૂ પીને છાકટા ન બનો, એ તો બરબાદ કરનારું વ્યસન છે; એને બદલે, પવિત્ર આત્માથી ભરપૂર થાઓ.

ઉકિતઓ ૨૦:૧
દ્રાક્ષાસવ માણસને ઉદ્ધત બનાવે છે અને મદિરા ઝઘડા પેદા કરે છે; તેનાથી ચકચૂર થઈને લથડિયાં ખાનાર જ્ઞાની નથી.

ઉકિતઓ ૨૩:૩૧
દ્રાક્ષાસવની લાલાશથી લલચાઈશ નહિ; તે પ્યાલામાં ચમક્તો હોય અને સરળતાથી પેટમાં ઊતરી જાય તેવો હોય ત્યારે તેની સામે જોઈશ નહિ.

રોમન ૧૩:૧૩
દિવસના પ્રકાશમાં જીવનાર લોકોની માફક આપણું વર્તન યથાયોગ્ય રાખીએ. એટલે કે, આપણે ભોગવિલાસમાં, નશાબાજીમાં, વ્યભિચારમાં, અશ્ર્લીલ વર્તનમાં, ઝગડામાં કે ઈર્ષામાં જીવીએ નહિ;

ઉકિતઓ ૩૧:૪-૫
[૪] હે લમૂએલ, દ્રાક્ષાસવ પીવો એ રાજાઓને શોભતું નથી, એ તેમને માટે ઘટારત નથી; અને મદિરાની ઝંખના કરવી રાજવીઓને માટે શોભાસ્પદ નથી.[૫] નહિ તો તે મદિરાપાન કરીને નિયમ ભૂલી જાય અને જુલમપીડિતોના હક્ક ડૂબાવી દે.

ગીતશાસ્ત્ર ૧૦૪:૧૪-૧૫
[૧૪] તમે પશુઓને માટે ઘાસ, અને મનુષ્યો માટે તેમણે રોપેલા છોડ ઉગાડો છો; જેથી તેઓ ધરતીમાંથી આહાર મેળવી શકે.[૧૫] વળી, તમે માણસોના દયને આનંદિત કરનાર દ્રાક્ષાસવ, તેમના મુખને તેજસ્વી કરનાર ઓલિવ તેલ, અને તેમને શક્તિ આપનાર ખોરાક ઉપજાવો છો.

૧ કોરીંથી ૧૦:૨૩-૨૪
[૨૩] “આપણને બધું જ કરવાની પરવાનગી છે,” એમ તેઓ કહે છે. હા, પણ બધું જ ઉપયોગી નથી. “આપણને બધું કરવાની પરવાનગી છે,” પણ બધું લાભદાયી નથી.[૨૪] દરેકે માત્ર પોતાનું જ નહિ, પણ બીજાનું હિત પણ જોવું જોઈએ.

યશાયાહ ૬૨:૮-૯
[૮] પ્રભુએ પોતાના જમણા હાથના અને પોતાના સમર્થ ભુજના સમ ખાધા છે: ‘હું ફરી કદી તારું અનાજ તારા દુશ્મનોને ખાઈ જવા દઈશ નહિ,[૯] તેં મહેનત કરીને બનાવેલો દ્રાક્ષાસવ પરદેશીઓ પી જશે નહિ; તારા લણેલા પાકમાંથી તું જ ખાઈશ અને પ્રભુની સ્તુતિ કરીશ. મારા મંદિરના પ્રાંગણમાં તમે તમારી વીણેલી દ્રાક્ષોનો દ્રાક્ષાસવ પીશો.

ગલાટિયન ૫:૧૯-૨૧
[૧૯] પાપી સ્વભાવનાં કાર્યો સાવ દેખીતાં છે: વ્યભિચાર, અશુદ્ધતા, લંપટતા,[૨૦] મૂર્તિપૂજા, ભૂતવિદ્યા, વૈરભાવ, ઝઘડા, ઈર્ષા, ક્રોધ, સ્વાર્થ, જૂથબંધી, પક્ષાપક્ષી,[૨૧] અદેખાઈ, દારૂડિયાપણું, ભોગવિલાસ અને એવાં બીજાં કાર્યો. જેમ મેં પહેલાં ચેતવણી આપી હતી, તેમ હમણાં પણ આપું છું: જેઓ આવાં કાર્યો કરે છે, તેઓ ઈશ્વરના રાજનો વારસો કદી મેળવી શકશે નહિ.

૧ કોરીંથી ૯:૧૯-૨૩
[૧૯] હું સ્વતંત્ર છું, કોઈનો ગુલામ નથી. છતાં ઘણા બધાને મેળવી લેવા માટે હું બધાનો ગુલામ બનું છું.[૨૦] યહૂદીઓ સાથે કાર્ય કરતાં હું યહૂદીની જેમ રહું છું; જેથી હું તેમને ખ્રિસ્ત માટે જીતી શકું. નિયમશાસ્ત્રને આધીન ન હોવા છતાં જેઓ નિયમશાસ્ત્રને આધીન છે તેમની સાથે ક્મ કરતાં હું નિયમશાસ્ત્રને આધીન હોઉં તે રીતે રહું છું; જેથી હું તેમને ખ્રિસ્ત માટે જીતી શકું.[૨૧] એ જ પ્રમાણે જે બિનયહૂદીઓ નિયમશાસ્ત્ર વગરના છે તેમની સાથે હું નિયમશાસ્ત્ર વગરનો હોઉં તેમ રહું છું; જેથી હું બિનયહૂદીઓને જીતી શકું. આનો અર્થ એવો નથી કે હું ઈશ્વરના નિયમનું પાલન કરતો નથી. હકીક્તમાં તો હું ખ્રિસ્તના નિયમના આધિપત્ય નીચે જ છું.[૨૨] વિશ્વાસમાં જેઓ નિર્બળ છે તેમની સાથે હું તેમના જેવો જ નિર્બળ બનું છું; જેથી હું તેમને જીતી શકું. આમ હું બધાંની સાથે બધાંનાં જેવો બનીને ગમે તે રીતે કેટલાકને બચાવી શકું તે માટે હું સર્વના જેવો બનું છું.[૨૩] આ બધું હું શુભસંદેશને ખાતર કરું છું; જેથી તેની આશિષમાં મને ભાગ મળે.

રોમન ૧૪:૧૫-૨૧
[૧૫] જો તમે કોઈ ખોરાક ખાવાને લીધે તમારા ભાઈની લાગણી દુભાવો છો, તો તમે પ્રેમથી વર્તતા નથી. જેને માટે ખ્રિસ્ત મરણ પામ્યા, તેનો તમે તમારા ખોરાકને લીધે નાશ ન કરો.[૧૬] તમે જેને સારું ગણો છો, તેનું ભૂંડું બોલાય એવું થવા ન દો.[૧૭] ઈશ્વરનું રાજ્ય ખાવાપીવામાં નથી, પણ પવિત્ર આત્માથી મળતાં સદાચાર, શાંતિ અને આનંદમાં છે.[૧૮] આ રીતે ખ્રિસ્તની સેવા કરનાર ઈશ્વરને પસંદ પડે છે, અને માણસોને માન્ય થાય છે.[૧૯] આપણે હંમેશા શાંતિકારક અને એકબીજાની ઉન્‍નતિ કરનારી બાબતો કરવાનું યેય રાખવું જોઈએ.[૨૦] ખોરાકની બાબતોમાં ઈશ્વરના કાર્યનો નાશ કરો નહિ. દરેક ખોરાક ખાવાલાયક છે. પણ આપણે જે ખાઈએ છીએ તેથી કોઈ માણસ પાપમાં પડતો હોય, તો તે બાબત ખરાબ છે.[૨૧] ખરી બાબત તો એ છે કે માંસ ખાવાથી, દારૂ પીવાથી અથવા બીજું કંઈપણ કરવાથી આપણા ભાઈનું પતન થતું હોય તો તેમ ન કરીએ.

જ્હોન ૨:૩-૧૧
[૩] બધોય દ્રાક્ષાસવ પીવાઈ ગયો એટલે ઈસુને તેમનાં માએ કહ્યું, “દ્રાક્ષાસવ ખલાસ થઈ ગયો છે.”[૪] ઈસુએ કહ્યું, “બાઈ, એમાં તમારે કે મારે શું? મારો સમય હજુ પાક્યો નથી.”[૫] પછી ઈસુનાં માએ નોકરોને કહ્યું, “તે જે કંઈ કહે તે કરો.”[૬] શુદ્ધિકરણ સંબંધી યહૂદી લોકોના ધાર્મિક નિયમો છે, અને એ હેતુ માટે આશરે સો લિટરની એક એવી પથ્થરની છ કોઠીઓ ત્યાં પડેલી હતી.[૭] ઈસુએ નોકરોને કહ્યું, “આ કોઠીઓમાં પાણી ભરો.” તેમણે તે કોઠીઓ છલોછલ ભરી.[૮] પછી ઈસુએ તેમને કહ્યું, “હવે તેમાંથી થોડું ભોજનના વ્યવસ્થાપક પાસે લઈ જાઓ.” તેઓ તે તેની પાસે લઈ ગયા.[૯] તેણે દ્રાક્ષાસવમાં ફેરવાઈ ગયેલું પાણી ચાખ્યું. આ દ્રાક્ષાસવ ક્યાંથી આવ્યો તેની તેને ખબર ન હતી. પરંતુ જે નોકરોએ પાણી કાઢયું હતું તેમને ખબર હતી. ત્યારે તેણે વરરાજાને બોલાવીને કહ્યું,[૧૦] “બધા પ્રથમ ઉત્તમ દ્રાક્ષાસવ પીરસે છે અને મહેમાનો સારી પેઠે પી રહે પછી હલકો દ્રાક્ષાસવ પીરસે છે. પરંતુ તમે તો અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષાસવ રાખી મૂક્યો છે!”[૧૧] ઈસુએ પોતાનાં અદ્‍ભુત કાર્યોની શરૂઆત ગાલીલના કાના ગામથી કરી અને ત્યાં તેમણે પોતાનો મહિમા પ્રગટ કર્યો અને તેમના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કર્યો.

Gujarati Bible 2016 (GUCL)
Bible Society of India