A A A A A

એઝરા ૯:૧-૧૫
૧. ત્યાર પછી સરદારોએ મારી પાસે આવીને કહ્યું, “ઇઝરાયલી લોકો તેમ જ યાજકો તથા લેવીઓ દેશોના લોકોથી જુદા રહેતા નથી. કનાનીઓ, હિત્તીઓ, પરિઝીઓ, યબૂસીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ, મિસરીઓ ને અમોરીઓનાં ધિક્કારપાત્ર કૃત્યો પ્રમાણે તેઓ [વર્તે છે].
૨. કારણ કે તેઓ પોતે તથા તેઓના પુત્રો આ લોકોની દીકરીઓ સાથે પરણ્યા છે. તેથી પવિત્ર વંશ દેશના લોકોની સાથે મિશ્ર થઈ ગયો છે: હા, એ ઉલ્લંઘનમાં મુખ્યત્વે સરદારોના તથ સત્તાવાળાઓના હાથ એ.”
૩. એ વાત મેં સાંભળી ત્યારે મેં મારાં વસ્ત્ર તથા મારિ ઝબ્બો ફાડીને મારા માથાના તથા મારી દાઢીના વાળ ફાંસી નાખ્યા, ને સ્તબ્ધ થઈને હું નીચે બેઠો.
૪. આ સમયે બંદીવાસવાળાઓના પાપને લીધે ઇઝરાયલના ઈશ્વરનાં વચનોથી જેઓ ધ્રૂજતા હતા, તે સર્વ મારી પાસે એકત્ર થયા. સાંજના અર્પણ સુધી હું સ્તબ્ધ થઈને બેસી રહ્યો.
૫. સાંજના અર્પણના સમયે હું મારા ઉપવાસમાંથી ફાટેલા વસ્ત્ર તથા ઝબ્બા સહિત ઊઠીને ઘૂંટણિયે પડ્યો, ને મારા ઈશ્વર યહોવા તરફ મેં મારા હાથ પ્રસાર્યા:
૬. મેં કહ્યું, “હે મારા ઈશ્વર, હું મારું મુખ તમારી તરફ ઉઠાવતાં શરમાઉં છું; કેમ કે અમારા પાપ અમારા માથા પર વધી ગયાં છે, અમારા અપરાધ વધીને આકાશ સુધી પહોંચ્યા છે.
૭. અમારા પિતૃઓના સમયથી તે આજ સુધી અમે ઘણા અપરાધ કર્યા છે. અમે, અમારા રાજા તથા અમરા યાજકો, અમારા અધર્મને લીધે, [બીજા] દેશોના રાજાઓના હાથમાં સોંપાઈને, તરવારને, બંદીવાસને, લૂટફાટને, ને ગેરઆબરૂને વશ થયા છીએ, આજે અમારી એ જ દશા છે.
૮. અમારે માટે બચેલો શેષ રાખવાને, ને પોતાના પવિત્રસ્થાનમાં એક ખીલો અમને આપવાને, અમારા ઈશ્વર યહોવા તરફથી થોડીવાર સુધી કૃપા બતાવવામાં આવી છે, એ માટે કે અમારા ઈશ્વર અમારી આંખોને પ્રકાશિત કરે, ને અમારા બંદીવાસમાં અમને કંઈક નવજીવન બક્ષે.
૯. અમે ગુલામો છીએ. તોપણ અમારા ઈશ્વરે અમને અમારી ગુલામીમાં તજી દીધા નથી. તેમણે ઇરાનના રાજાઓની મારફત અમારા પર કૃપાર્દષ્ટિ કરી છે કે, જેથી અમે નવજીવન પામીને અમારા ઈશ્વરનું મંદિર ઊભું કરીએ, તેનાં ખંડિયેરો સમારીએ, ને પોતાને માટે યહૂદિયામાં અને યરુશાલેમમાં [ઈશ્વર પાસેથી] સંરક્ષણ સંપાદન કરીએ.
૧૦. હે અમારા ઇશ્વર, આ પછી અમે વધારે શું કહીએ? અમે તમારી આજ્ઞાઓ તજી દીધી છે.
૧૧. તમે પોતાના સેવક પ્રબોધકો દ્વારા અમને આજ્ઞાઓ કરી છે, ‘જે દેશમાં વસવાને તમે જાઓ છો તે દેશ, ત્યાંના લોકોની અશુદ્ધતાને લીધે અને તેઓનાં ધિક્કારપત્ર કૃત્યોને લીધે એક છેડાથી તે બીજા છેડા સુધી મલિનતાથી ભરેલો છે.
૧૨. હવે તમારે તમારી પુત્રીઓ તેઓના પુત્રોને ન આપવી, તેમ જ તેઓની પુત્રીઓ તમારા પુત્રોને માટે ન લેવી, તેઓની શાંતિ કે તેઓની આબાદી માટે તમારે યત્ન ન કરવો; કે જેથી તમે બળવાન થાઓ, દેશની ઉત્તમ ઊપજ ખાઓ અને તમારા વંશજોને સદા વારસાને માટે તે આપતા જાઓ.’
૧૩. અમારાં દુષ્ટ કર્મોને લીધે તથા અમારા મોટા અપરાધને લીધે અમારા પર જે કંઈ વીત્યું છે, તે સર્વને માટે, હે અમારા ઈશ્વર, જેટલી થવી જોઈએ તે કરતાં તમે અમને થોડી શિક્ષા કરી છે. વળી અમારામાંથી તમે આટલાને બચાવી પણ લીધા છે.
૧૪. છતાં અમે તમારી આજ્ઞાઓ ફરી તોડીને આ ધિક્કારપાત્ર કૃત્યો કરનાર લોકોની સાથે સગપણ કરીશું? શું તમે અમારા ઉપર કોપાયમાન થઈને અમારો એવો વિનાશ નહિ કરશો કે કંઈ પણ શેષ ન રહે ને કોઈ પણ ન બચે?
૧૫. હે ઇઝરાયલના ઈશ્વર યહોવા, તમે ન્યાયી છો; આજની માફક અમે બચી જતાં અમારો શેષ જીવતો રહ્યો છે. અમે અપરાધી છીએ, તેથી અમારામાંનો કોઈ તમારી આગળ ઊભો રહી શકતો નથી.”

એઝરા ૧૦:૧-૪૪
૧. એઝરા ઈશ્વરના મંદિર આગળ રડીને તથા ઊંધો પડીને પ્રાર્થના કરતો હતો તથા પસ્તાવો કરતો હતો, ત્યારે તેની પાસે ઇઝરાયલીઓમાંથી પુરુષો, સ્ત્રીઓ તથા બાળકોની એક મોટી સંખ્યા એકત્ર થઈ; લોકો બહુ મોટો વિલાપ કરતા હતા.
૨. એલામના વંશજોમાંના યહીએલના પુત્ર શખાન્યાએ એઝરાને ઉત્તર આપ્યો, “દેશના લોકમાંથી પરદેશી સ્ત્રીઓ પરણીને અને અમારા ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે; પણ એ સંબંધી ઇઝરાયલ વિષે હજી કંઈક આશા છે.
૩. મારા મુરબ્બીની, તથા જેઓ આપણા ઈશ્વરની આજ્ઞાથી કંપે છે તેઓની સલાહ પ્રમાણે એ સર્વ સ્ત્રીઓને તથા તેમનાંથી જન્મેલાં બાળકોને છોડી દેવાને આપણે આપણા ઈશ્વરની સાથે કોલકરાર કરીએ. નિયમશાસ્ત્ર પ્રમાણે એમ જ થવું જોઈએ.
૪. ઊઠો; એ કામ તમારું છે, ને અમે તમારી મદદે છીએ. ખૂબ હિમત રાખીને આ કામ કરો.”
૫. ત્યારે એઝરાએ ઊઠીને મુખ્ય યાજકોને, લેવીઓને તથા સર્વ ઇઝરાયલીઓને પ્રતિજ્ઞા લેવડાવી કે, ‘અમો એ વચન પ્રમાણે કરીશું જ.’ તેથી તેઓએ પ્રતિજ્ઞા લીધી.
૬. તે પછી એઝરા ઈશ્વરના મંદિર આગળથી ઊઠીને એલ્યાશિબના પુત્ર યહોહાનાનની ઓરડીમાં ગયો. ત્યાં તેણે કંઈ રોટલી ખાધી નહિ, અને પાણી પણ પીધું નહિ; કેમ કે બંદિવાસમાંથી આવેલા લોકોને ઉલ્લંઘનને લીધે તે શોકમાં હતો.
૭. તેઓએ જાહેરાત કરીને આખા યહૂદિયામાં તથા યરુશાલેમમાં બંદિવાસવાળા સર્વ લોકોને જાહેર કર્યું, “તમારે યરુશાલેમમાં એકત્ર થવું.
૮. સરદારોની તથા વડીલોની સલાહ પ્રમાણે જે કોઈ ત્રણ દિવસમાં આવશે નહિ તેની સર્વ માલમિલકત જપ્ત કરવામાં આવશે, વળી તેને બંદીવાસવાળાઓના સમૂહમાંથી અલગ કરવામાં આવશે.”
૯. યહૂદાના તથા બિન્યામીનના સર્વ માણસો ત્રણ દિવસની અંદર યરુશાલેમમાં એકત્ર થયા. નવમાં માસની વીસમી તારીખે સર્વ લોક આ વાતના ભયને લીધે તથા ભારે વરસાદને લીધે તથા ભારે વરસાદને લીધે ધ્રૂજતા ધ્રૂજતા ઈશ્વરના મંદિરની સામેના ચોગાનમાં બેઠા.
૧૦. એઝરા યાજકે ઊભા થઈને તેઓને કહ્યું, “તમે ઉલ્લંઘન કર્યું છે, પરદેશી સ્ત્રીઓ પરણીને ઇઝરાયલનો અપરાધ વધાર્યો છે.
૧૧. તો હવે તમે તમારા પિતૃઓના ઈશ્વર યહોવાની આગળ પસ્તાવો કરીને તેમની ઇચ્છા પ્રમાણે કરો; દેશના લોકથી તથા પરદેશી સ્ત્રીઓથી અલગ થાઓ.”
૧૨. ત્યારે સર્વ લોકોએ મોટે સાદે ઉત્તર આપ્યો, “જેમ તેમે અમારા વિષે કહ્યું છે, તેમ જ અમારે કરવું જોઈએ.
૧૩. પણ લોક ઘણા છે, ને આ વખતે ઘણો વરસાદ પડે છે, તેથી આપણે બહાર ઊભા રહી શકતા નથી, વળી આ કામ એક કે બે દિવસનું પણ નથી. આ બાબતમાં અમે તો મોટો અપરાધ કર્યો છે.
૧૪. હવે અમારી સમગ્ર પ્રજાને માટે સરદારો ઠરાવવામાં આવે. તેઓ, અમારા નગરોમાંના જેઓ પરદેશી સ્ત્રીઓને પરણ્યા છે તે પ્રત્યેક નગરના વડીલો તથા તેના ન્યાયાધીશો એ સર્વ ઠરાવેલી મુદતે હાજર થાય કે, આ વાતનું નિરાકરણ થવાથી આપણા ઈશ્વરનો બળતો કોપ આપણા પરથી દૂર થાય.”
૧૫. ફકત અસાહેલનો પુત્ર યોનાથાન તથા તિકવાનો પુત્ર યાહઝ્યા એ વાતની સામે થયા; અને મશુલ્લામે તથા લેવી શાબ્બાથાયે તેઓને ટેકો આપ્યો.
૧૬. બંદીવાસમાંથી આવેલા લોકોએ જેમ એઝરાએ કહ્યું હતું તેમ કર્યું. એઝરા યાજક તથા પુતૃઓના કુટુંબોનાં કેટલાક મુખ્ય પુરુષોને નીમવામાં આવ્યા.તેઓ દશમાં માસને પહેલે દિવસે તે વાતની તપાસ કરવા બેઠા.
૧૭. પહેલા માસના પહેલા દિવસ સુધીમાં તેઓએ પરદેશી સ્ત્રીઓ પરણનાર સર્વ માણસોને લગતું કામ સમાપ્‍ત કર્યું.
૧૮. યાજકોના પુત્રોમાંથી પરદેશી સ્ત્રીઓ પરણેલા મળી આવ્યા, તેઓ આ છે: યેશૂઆના પુત્રોમાંના, યોશાદાકનો પુત્ર તથા તેના ભાઈઓ માસેયા, અલીએઝેર, યારીબ તથા ગદાલ્યા.
૧૯. એ બધાએ એવા કોલ આપ્યા, “અમે અમારી સ્ત્રીઓ છોડી દઈશું.” તેમણે પોતાના અપરાધને લીધે ટોળાનો એક મેંઢો [આપ્યો].
૨૦. ઇમ્મેરના પુત્રોમાંના: હનાની તથા ઝબાદ્યા.
૨૧. હારીમનાં પુત્રોમાંના: માસેયા, એલિયા, શમાયા, યહીએલ તથા ઉઝિયા.
૨૨. પાશહૂરના પુત્રોમાંના: એલ્યોએનાય, માસેયા, ઇશ્માએલ, નથાનયેલ, યોઝાબાદ તથા એલાસા.
૨૩. લેવીઓમાંના: યોઝાબાદ, શિમઈ, કેલાયા (એટલે કલીટા), પથાહ્યા, યહૂદા તથા અલીએઝેર.
૨૪. ગાનારાઓમાંનો:એલ્યાશીબ, દ્વારપાળોમાંનો:શાલ્લુમ, ટેલેમ તથા ઉરી.
૨૫. ઇઝરાયલીઓમાંના: પારોશના પુત્રોમાંના: રામિયા, યિઝિયા, માલ્કિયા તથા બનાયા.
૨૬. એલામના પુત્રોમાંના: માત્તાન્યા, ઝખાર્યા, યહીએલ, આબ્દી, યરેમોથ તથા એલિયા.
૨૭. ઝાત્તૂના પુત્રોમાંના: એલિયોએનાય, એલ્યાશિબ, માત્તાન્યા, યરેમોથ, ઝાબાદ તથા અઝીઝા.
૨૮. બેબાયના પુત્રોમાંના: યહોહાનાન, હનાન્‍યા, ઝાબ્બાય તથા આથલાય.
૨૯. બાનીના પુત્રોમાંના: મશુલ્લામ, માલ્લૂખ, અદાયા, યાશૂબ, શેઆલ તથા યરેમોથ.
૩૦. પાહાથ-મોઆબના પુત્રોમાંના: આદના, કલાલ, બનાયા, માસેયા, માત્તાન્યા, બસાએલ, બિન્‍નૂઈ તથા મનાશ્શા.
૩૧. હારીમાના પુત્રોમાંના: અલીએઝેર, યિશ્શિયા, માલ્કિયા, શમાયા, શિમયોન.
૩૨. બિન્યામીન, માલ્લૂખ તથા શમાર્યા.
૩૩. હાશુમના પુત્રોમાના માત્તનાય, માત્તાતા, ઝાબાદ, અલિફેલેટ, યરેમાઈ, મનાશ્શા તથા શિમઈ.
૩૪. બિગ્વાયના પુત્રોમાંના: માઅદાય, આમ્રામ, ઉએલ;
૩૫. બનાયા, બેદયા, કલુહી;
૩૬. વાન્યા, મરેમોથ, એલ્યાશિબ;
૩૭. માત્તાન્યા, માત્તનાય, યાસુ;
૩૮. બાની, બિન્‍નૂઈ, શિમઈ;
૩૯. શેલેમ્યા, નાથાન, અદાયા;
૪૦. માખ્નાદબાય, શાશાય, શારાય;
૪૧. અઝારેલ, શેલેમ્યા, શમાર્યા;
૪૨. શાલ્લૂમ, અમાર્યા તથા યૂસફ.
૪૩. નબોના પુત્રોમાંના: યેઈએલ, માત્તિથ્યા, ઝાબાદ, ઝબીના, યિદ્દો, યોએલ તથા બનાયા.
૪૪. એ સર્વ પરદેશી સ્ત્રીઓને પરણ્યા હતા; તેઓમાંના કેટલાકને તે સ્ત્રીઓથી છોકરાં થયાં હતાં.

ગીતશાસ્ત્ર ૮૮:૬-૧૦
૬. નીચલા ખાડામાં, અંધારી જગાઓમાં તથા ઊંડાણોમાં તમે મને નાખ્યો છે.
૭. તમારો કોપ મારા પર ભારે છે, તમારાં સર્વ મોજાં [મારા પર ફરી વળ્યા] થી હું દુ:ખમાં ડૂબી ગયો છું. (સેલાહ)
૮. તમે મારા ઓળખીતાને મારી પાસેથી દૂર કર્યા છે; તેઓ મારાથી કંટાળે, એવો તમે મને કર્યો છે. હું બંદીખાનામાં પડેલો છું, તેથી હું બરાબર નીકળી શકતો નથી.
૯. દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે; હે યહોવા, મેં દરરોજ તમને અરજ કરી છે, તમારી આગળ મેં મારા હાથ જોડ્યા છે.
૧૦. શું તમે મૂએલાને ચમત્કાર બતાવશો? શું મૂએલા ઊઠીને તમારી આભારસ્તુતિ કરશે? (સેલાહ)

ઉકિતઓ ૨૧:૨૩-૨૪
૨૩. જે કોઈ પોતાના મુખની તથા જીભની સંભાળ રાખે છે તે સંકટમાંથી પોતાના આત્માનું રક્ષણ કરે છે.
૨૪. જે માણસ અભિમાની ને અહંકારી હોય છે, તેનું નામ તિરસ્કાર કરનાર છે, તે અભિમાનથી મદોન્મત્તપણે વર્તે છે.

અધિનિયમો ૨૪:૧-૨૭
૧. પાંચ દિવસ પછી અનાન્યા પ્રમુખ યાજક કેટલાક વડીલોને તથા તર્તુલસ નામે એક વકીલને સાથે લઈને આવ્યો. અને તેઓએ હાકેમની આગળ પાઉલની વિરુદ્ધ ફરિયાદ રજૂ કરી.
૨. તેને બોલાવવામાં આવ્યો ત્યારે તર્તુલસે નીચે પ્રમાણે તેના પર તહોમત મૂકવાનું શરૂ કરતાં કહ્યું, “નેકનામદાર ફેલિકસ, આપનાથી અમે ઘણી સુખશાંતિ ભોગવીએ છીએ, અને આપની દીર્ધદષ્ટિથી આ પ્રજાના લાભને અર્થે જે સુધારા કરવામાં આવ્યા છે,
૩. તે અમે સર્વ પ્રકારે અને સર્વ સ્થળે પૂરેપૂરી કૃતજ્ઞતાથી સ્વીકારીએ છીએ.
૪. પણ હું આપને વધારે તસ્દી ન આપું માટે હું આપને વિનંતી કરું છું કે, કૃપા કરીને અમારી થોડી વાતો સાંભળો.
૫. કેમ કે આ માણસ અમને પીડાકારક તથા આખા જગતના સર્વ યહૂદીઓમાં બંડ ઉઠાવનાર તથા નાઝારીઓના પંથનો આગેવાન માલૂમ પડ્યો છે.
૬. તેણે મંદિરને પણ અશુદ્ધ કરવાને પ્રયત્ન કર્યા; ત્યારે અમે એને પકડ્યો. [અમે અમારા શાસ્‍ત્ર પ્રમાણે એનો ન્યાય કરવા ચાહતા હતા;
૭. પણ લુકિયસ સરદાર આવીને બહુ જબરદસ્તી કરીને અમારા હાથમાંથી એને છોડાવી લઈ ગયો,
૮. અને એના પર ફરિયાદ કરનારાઓને આપની પાસે આવવાની આજ્ઞા કરી.] એની તપાસ આપ પોતે કરશો, એથી અમે એના પર જે જે દોષ મૂકીએ છીએ તે સર્વથી આપ વાકેફ થશો.”
૯. હકીકત એ પ્રમાણે જ છે એમ કહીને યહૂદીઓ પણ ફરિયાદમાં સામેલ થયા.
૧૦. પછી હાકેમે પાઉલને બોલાવાનો ઇશારો કર્યો, ત્યારે તેણે ઉત્તર આપ્યો, “ઘણાં વરસથી આપ આ દેશના ન્યાયાધીશ છો, એ જાણીને હું ખુશીથી મારા બચાવમાં પ્રત્યુત્તર આપું છું.
૧૧. કેમ કે [તપાસ કરવાથી] આપને માલૂમ પડશે કે ભજન કરવાને માટે યરુશાલેમ જવાને મને બાર કરતાં વધારે દિવસ થયા નથી.
૧૨. તેઓએ મને મંદિરમાં, સભાસ્થાનોમાં કે શહેરોમાં કોઈની સાથે વાદવિવાદ કરતો, અથવા લોકોમાં બંડ ઉઠાવતો જોયો નથી.
૧૩. તેઓ હમણાં મારા પર જે તહોમતો મૂકે છે તે તેઓ આપની આગળ સાબિત કરી શકતા નથી.
૧૪. પણ આપની આગળ હું આટલું તો કબૂલ કરું છું કે, જે માર્ગને તેઓ દુર્મત કહે છે તે પ્રમાણે હું અમારા પૂર્વજોના ઈશ્વરની ભક્તિ કરું છું, અને જે વાતો નિયમશાસ્‍ત્રમાં તથા પ્રબોધકોનાં પુસ્તકોમાં લખેલી છે તે સર્વ હું માનું છું.
૧૫. ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે, એવી જેમ તેઓ પોતે આશા રાખે છે, તેમ હું પણ ઈશ્વર વિષે આશા રાખું છું.
૧૬. એમ માનીને હું ઈશ્વરની તથા માણસોની પ્રત્યે હંમેશાં નિર્દોષ અંત:કરણ રાખવાનો પ્રયત્ન કરું છું.
૧૭. હવે ઘણાં વરસ પછી હું મારા લોકોને દાન આપવાને તથા અર્પણો કરવાને આવ્યો.
૧૮. તે દરમિયાન તેઓએ મને મંદિરમાં શુદ્ધ થયેલો જોયો, ત્યાં ભીડ કે તોફાન થયું નહોતું. પણ આસિયાના કેટલાક યહૂદીઓ [ત્યાં હતા].
૧૯. જો મારી વિરુદ્ધમાં તેઓને કંઈ બોલવાનું હોત તો તેઓએ અહીં આપની પાસે આવીને તહોમત મૂકવું જોઈતું હતું.
૨૦. નહિ તો આ માણસો પોતે કહી બતાવે કે, હું ન્યાયસભાની આગળ ઊભો હતો ત્યારે મારામાં શો દોષ તેઓને માલૂમ પડ્યો હતો.
૨૧. એટલું તો ખરું કે તેઓની મધ્યે ઊભા રહીને મેં આ એક વાત કહી હતી કે, મૂએલાંઓના પુનરુત્થાન વિષે તમારી રૂબરૂ આજે મારો ન્યાય કરવામાં આવે છે.”
૨૨. પણ ફેલિકસને તે માર્ગ વિષે વધારે ચોક્‍કસ જ્ઞાન હતું, માટે લુકિયસ સરદાર આવશે ત્યારે હું તમારા કામનો નિર્ણય કરીશ એમ કહીને તેણે કામ મુલતવી રાખ્યું.
૨૩. તેણે સૂબેદારને આજ્ઞા કરી કે તારે તેને પહેરામાં રાખવો પણ તેને છૂટ આપવી, અને તેના મિત્રોમાંના કોઈને તેની સેવા કરવાની મના કરવી નહિ.
૨૪. કેટલાક દિવસ પછી ફેલિકસ પોતાની સ્‍ત્રી દ્રુસિલા, જે યહૂદી હતી, તેની સાથે આવ્યો, ત્યારે તેણે પાઉલને બોલાવીને ખ્રિસ્ત પરના વિશ્વાસ સંબંધી તેની વાત સાંભળી.
૨૫. [પાઉલ] સદાચાર તથા સંયમ તથા આવનાર ન્યાયકાળ વિષે તેને સમજાવતો હતો, ત્યારે ફેલિકસે ભયભીત થઈને ઉત્તર આપ્યો, “હમણાં તો તું જા. મને અનુકૂળ પ્રસંગ મળેથી હું તને બોલાવીશ.”
૨૬. તે એવી પણ આશા રાખતો હતો કે, પાઉલ મને પૈસા આપશે. એ માટે તે તેને ઘણી વાર બોલાવીને તેની સાથે વાતચીત કરતો હતો.
૨૭. પણ બે વરસ પછી ફેલિકસને સ્થાને પોર્કિયસ ફેસ્તસ આવ્યો, અને યહૂદીઓને ખુશ કરવાની ઇચ્છાથી ફેલિકસ પાઉલને બંધનમાં મૂકી ગયો.