A A A A A
એક વર્ષમાં બાઇબલ
એપ્રિલ ૧૩

જોશુઆ ૧૫:૧-૬૩
૧. યહૂદાપુત્રોના કુળને, તેઓનાં કુટુંબો પ્રમાણે, જે વારસો સોંપવામાં આવેલો હતો તે દક્ષિણે અદોમની સરહદ સુધી વિસ્તરેલો હતો. એટલે દક્ષિણ તરફ સીનના અરણ્ય સાથે, જે સરહદનો છેવાડો ભાગ હતો ત્યાં સુધી.
૨. તેની સીમા દક્ષિણના ખારા સમુદ્રના છેડાથી, એટલે દક્ષિણના અખાતથી શરુ થતી હતી.
૩. ત્યાંથી સરહદ આક્રાબ્બીમના ઘાટની દક્ષિણે થઈને આગળ સીન સુધી ગઈ. અને કાદેશબાર્નેઆની દક્ષિણે થઈને ઉપર ગઈ. ત્યાંથી હેસ્રોન થઈને આદ્દારથી ચકરાવો ખાઈને કાર્કા સુધી ગઈ.
૪. ત્યાંથી આસ્મોન સુધી ગઈ. ત્યાંથી મિસરના ઝરણાંથી પસાર થઈને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો. આ તેમની દક્ષિણ તરફની સરહદ હતી.
૫. યર્દનના છેડા તરફ, ખારો સમુદ્ર પૂર્વ તરફની સરહદ હતી. યર્દનના છેડા તરફ સમુદ્રની ખાડીથી ઉત્તર તરફની સરહદથી શરુ થતી હતી.
૬. તે સરહદ બેથ-હોગ્લા અને બેથ-અરાબાની ઉત્તર તરફ પસાર થઈને આગળ ગઈ. પછી તે સરહદ બોહાનની શિલા, રુબેનના દીકરા સુધી ગઈ.
૭. પછી તે સરહદ આખોરની ખીણથી દબીર સુધી ગઈ, તે જ પ્રમાણે ઉત્તર તરફ ગિલ્ગાલના વળાંક સુધી, કે જે નદીની દક્ષિણ બાજુ પર, અદુમ્મીમના ઘાટની સામે છે ત્યાં સુધી ગઈ. પછી તે સરહદ એન શેમેશનાં ઝરણાંથી પસાર થઈ અને એન-રોગેલ આગળ પૂરી થઈ.
૮. પછી તે સરહદ હિન્નોમના પુત્રની ખીણ પાસે થઈને યબૂસીઓના નગરની દક્ષિણ તરફ (એટલે યરુશાલેમ) સુધી ગઈ. પછી તે હિન્નોમની ખીણની સામે પશ્ચિમે આવેલા પર્વતના શિખર પર, જે રફાઈમની ખીણના ઉત્તરના છેડા સુધી તે સરહદ ગઈ.
૯. પછી તે સરહદ પર્વતના શિખરથી તે નેફતોઆના ઝરણાં સુધી ગઈ, ત્યાંથી એફ્રોન પર્વતનાં નગરો સુધી ગઈ. પછી તે સરહદ બાલા (એટલે કિર્યાથ-યારીમ) સુધી અંકાયેલી હતી.
૧૦. પછી તે સરહદ ત્યાંથી વળીને પશ્ચિમ તરફ બાલાથી સેઈર પર્વત સુધી ગઈ, પછી આગળ વધીને ઉત્તર તરફ યારીમ પર્વતની (એટલે કસાલોન) ની બાજુથી પસાર થઈ અને બેથ-શેમેશ સુધી નીચે થઈને તિમ્નાથી પસાર થઈને આગળ વધી.
૧૧. તે સરહદ ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ, પછી શિક્કરોનથી વળીને, બાલા પર્વતથી પસાર થઈને યાબ્નએલ સુધી ગઈ. તે સરહદનો અંત સમુદ્ર પાસે આવ્યો.
૧૨. પશ્ચિમી સરહદ મોટા સમુદ્ર તથા તેના કિનારા સુધી હતી. આ યહૂદાના કુળની તેમનાં કુટુંબો પ્રમાણે ચારેબાજુની સરહદ હતી.
૧૩. યહોશુઆએ યહોવાહની આજ્ઞાનું પાલન કર્યું, તેણે યફૂન્નેના દીકરા કાલેબને યહૂદા કુળની વચ્ચે જમીન સોંપી, કિર્યાથ-આર્બા, જે હેબ્રોન છે તે આપ્યું, આર્બા આનાકનો પિતા હતો.
૧૪. અને કાલેબે અનાકના વંશનાં ત્રણ કુળોને એટલે શેશાય, અહીમાન તથા તાલ્માય જે અનાકના પુત્રો હતા તેઓને ત્યાંથી કાઢી મૂક્યા.
૧૫. તેણે ત્યાંથી દબીરના રહેવાસીઓ પર ચઢાઈ કરી. દબીરનું નામ તો પૂર્વે કિર્યાથ-સેફેર હતું.
૧૬. કાલેબે કહ્યું, "જે કોઈ માણસ કિર્યાથ-સેફેર પર હુમલો કરશે અને તેને કબજે કરશે, તેને હું મારી દીકરી આખ્સાહ સાથે પરણાવીશ."
૧૭. કાલેબના ભાઈ કનાઝના દીકરા ઓથ્નીએલે કિર્યાથ-સેફેર જીતી લીધું. તેથી કાલેબે તેની દીકરી આખ્સાહનાં લગ્ન તેની સાથે કરાવ્યાં.
૧૮. જયારે આખ્સાહ ઓથ્નીએલ પાસે આવી, ત્યારે એમ થયું કે, તેણે તેને તેના પિતા પાસેથી ખેતર માગવાની વિનંતી કરી. અને આખ્સા તેના જાનવર પરથી ઊતરી. અને કાલેબે તેને કહ્યું કે, "તારે શું જોઈએ છે?"
૧૯. આખ્સાહએ ઉત્તર આપ્યો, "મારા પર વિશેષ કરીને કૃપા કર. તેં મને નેગેબની જમીન તો આપી જ છે, પાણીના થોડા ઝરા પણ મને આપ." અને કાલેબે તેને ઉપરના ભાગના અને નીચાણના ભાગના ઝરા આપ્યાં.
૨૦. આ યહૂદાપુત્રોના કુળનું વતન તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે.
૨૧. અને નેગેબમાં અદોમની સરહદની તરફ યહૂદાપુત્રોના કુળનાં છેવાડાં નગરો કાબ્સએલ, એદેર તથા યાગૂર,
૨૨. કિના, દીમોના, આદાદા,
૨૩. કેદેશ, હાસોર, પિથ્નાન,
૨૪. ઝીફ, ટેલેમ, બેઆલોથ;
૨૫. હાસોર-હદાત્તા, કરીયોથ-હેસ્રોન (એટલે હાસોર),
૨૬. અમામ, શેમા, મોલાદા,
૨૭. હસાર-ગાદ્દાહ, શ્હેમોન, બેથ-પેલેટ,
૨૮. હસાર-શૂઆલ, બેર-શેબા, બિઝયોથ્યા.
૨૯. બાલા, ઈયીમ તથા એસેમ,
૩૦. એલ્તોલાદ, કસીલ તથા હોર્મા,
૩૧. સિકલાગ, માદમાન્ના તથા સાન્સાન્ના,
૩૨. લબાઓથ, શિલ્હીમ, આઈન અને રિમ્મોન. તેઓના તાબાના ગામો સહિત કુલ ઓગણત્રીસ નગરો હતાં.
૩૩. પશ્ચિમ તરફના નીચાણના પર્વતીય પ્રદેશમાં, એશ્તાઓલ, સોરા તથા આશના;
૩૪. ઝાનોઆ, એન-ગાન્નીમ, તાપ્પૂઆ તથા એનામ,
૩૫. યાર્મૂથ, અદુલ્લામ, સોખો તથા અઝેકા,
૩૬. શારાઈમ, અદીથાઈમ, ગદેરા ગદરોથાઈમ; તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ ચૌદ નગરો હતાં.
૩૭. સનાન, હદાશા તથા મિગ્દાલ-ગાદ,
૩૮. દિલાન, મિસ્પા તથા યોક્તએલ,
૩૯. લાખીશ, બોસ્કાથ તથા એગ્લોન.
૪૦. કાબ્બોન, લાહમામ તથા કિથ્લીશ.
૪૧. ગદેરોથ, બેથ-દાગોન, નામા તથા માક્કેદા. તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ સોળ નગરો હતાં.
૪૨. લિબ્ના, એથેર તથા આશાન,
૪૩. યફતા, આશના તથા નસીબ,
૪૪. કઈલા, આખ્ઝીબ તથા મારેશા, તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ નવ નગરો હતા.
૪૫. એક્રોન, તેનાં નગરો અને ગામો સહિત;
૪૬. એટલે એક્રોનથી તે મહાસમુદ્ર સુધી આશ્દોદની નજીક જે સર્વ નગરો હતા તે તેઓનાં ગામો સહિત.
૪૭. આશ્દોદની, આસપાસના નગરો તથા ગામો; ગાઝા, આસપાસનાં નગરો તથા ગામો; મિસરનું નાળું તથા મહાસમુદ્ર તેનો દરિયાકિનારો ત્યાં સુધીનાં.
૪૮. પહાડી પ્રદેશમાં શામીર, યાત્તીર તથા સોખો,
૪૯. દાન્ના તથા કિર્યાથ-સાન્ના, (એટલે દબીર),
૫૦. અનાબ, એશ્તમો તથા આનીમ,
૫૧. ગોશેન, હોલોન તથા ગીલોહ. તેઓના તાબાના ગામો સહિત કુલ આ અગિયાર નગરો હતા.
૫૨. અરાબ, દૂમા તથા એશાન,
૫૩. યાનીમ, બેથ-તાપ્પૂઆ તથા અફેકા,
૫૪. હુમ્ટા, કિર્યાથ-આર્બા (એટલે હેબ્રોન) તથા સીઓર. તેઓના તાબાના ગામો સહિત કુલ આ નવ નગરો હતાં.
૫૫. માઓન, કાર્મેલ, ઝીફ, યૂટા,
૫૬. યિઝ્રએલ, યોકદામ, ઝાનોઆ,
૫૭. કાઈન, ગિબયા તથા તિમ્ના તેઓના ગામો સહિત આ દસ નગરો.
૫૮. હાલ્હૂલ, બેથ-સૂર, ગદોર,
૫૯. મારાથ, બેથ-અનોથ તથા એલ્તકોન તેઓનાં ગામો સહિત આ છ નગરો.
૬૦. કિર્યાથ-બાલ (એટલે કિર્યાથ-યારીમ) તથા રાબ્બા, તેઓનાં ગામો સહિત આ બે નગરો.
૬૧. અરણ્યમાં બેથ-અરાબા, મિદ્દીન તથા સખાખા,
૬૨. નિશ્બાન, ખારાનું નગર તથા એન-ગેદી; તેઓનાં ગામો સહિત આ છ નગરો.
૬૩. પણ યરુશાલેમના રહેવાસી યબૂસીઓને યહૂદા કુળના લોકો કાઢી શક્યા નહિ; તેથી યબૂસીઓ આજ સુધી યહૂદા કુળની સાથે યરુશાલેમમાં રહે છે.

જોશુઆ ૧૬:૧-૧૦
૧. યૂસફના કુળ માટે જમીનની સોંપણી થઈ એટલે યર્દનથી યરીખો તરફ, યરીખોની પૂર્વના ઝરાથી અરણ્યમાં, યરીખોથી ઉપર તરફ બેથેલના પર્વતીય દેશ સુધી.
૨. પછી તે સરહદ બેથેલથી લૂઝ સુધી, અટારોથથી પસાર થઈને આર્કીઓના પ્રદેશ સુધી ગઈ.
૩. પછી પશ્ચિમ તરફ નીચે યાફલેટીઓના પ્રદેશથી, દૂર સુધી નીચાણમાં બેથ-હોરોનના પ્રદેશ સુધી અને ગેઝેર સુધી તે સમુદ્ર પાસે પૂરી થઈ.
૪. આ રીતે યૂસફનાં બે કુળ, મનાશ્શા અને એફ્રાઇમનાં કુળોને વારસો પ્રાપ્ત થયો.
૫. એફ્રાઇમનાં કુળને તેનાં કુટુંબો પ્રમાણે આ રીતે પ્રદેશની સોંપણી થઈ: પૂર્વ તરફ તેઓની સરહદ અટારોથ આદ્દારથી ઉપરના બેથ હોરેન સુધી હતી
૬. અને ત્યાંથી તે સમુદ્ર તરફ ગઈ. મિખ્મથાથની ઉત્તર પરથી વળીને પૂર્વ તરફ તાનાથ-શીલો સુધી અને દૂર યાનોઆની પૂર્વ તરફ ગઈ.
૭. પછી યાનોઆથી નીચે અટારોથ સુધી, નારા સુધી અને પછી યરીખોથી, યર્દનના છેડા સુધી પહોંચી.
૮. તે સરહદ તાપ્પૂઆથી પશ્ચિમ તરફ કાનાના નાળા અને સમુદ્રના છેડા સુધી ગઈ. એફ્રાઇમ કુળનાં કુટુંબો પ્રમાણે તેઓનો વારસો આ છે.
૯. તે સાથે મનાશ્શાના કુળના વારસાના ભાગ વચ્ચે જે નગરો એફ્રાઇમનાં કુળને સારુ પસંદ કરાયેલા હતાં, એ સર્વ નગરો તેઓનાં ગામો સહિત તેઓને મળ્યાં.
૧૦. તેઓ કનાનીઓને કે જેઓ ગેઝેરમાં રહેતા હતા તેઓને કાઢી મૂકી શક્યા નહિ તેથી કનાનીઓ એફ્રાઇમ મધ્યે આજ પર્યંત રહે છે, પણ તેઓ એફ્રાઇમનાં કુટુંબીઓના ગુલામ થઈને રહેલા છે.

ગીતશાસ્ત્ર ૪૫:૧-૫
૧. મારું હૃદય ઉત્તમ વિષયથી ભરાઈ ગયું છે; જે શબ્દો મેં રાજાને માટે લખ્યા છે તે હું બોલું છું; મારી જીભ શ્રેષ્ઠ લેખકની કલમ જેવી ચપળ છે.
૨. તમે માણસ કરતાં વધારે સુંદર છો; તમારા હોઠો કૃપાથી ભરેલા છે; માટે અમે જાણીએ છીએ કે ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે.
૩. હે પરાક્રમી, તમે તમારી તરવાર કમરે બાંધો, તમારું ગૌરવ તથા તમારો મહિમા ધારણ કરો.
૪. સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે તમારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થાઓ; તમારો જમણો હાથ તમને ભયંકર કૃત્યો શીખવશે.
૫. તમારાં બાણ તીક્ષ્ણ છે; તે રાજાના શત્રુઓના હૃદયને વીંધે છે; તેથી લોકો તમારે શરણે આવે છે.

ઉકિતઓ ૧૪:૪-૫
૪. જ્યાં બળદ ન હોય ત્યાં ગભાણ સાફ જ રહે છે, પણ બળદના બળથી ઘણી ઊપજ થાય છે.
૫. વિશ્વાસુ સાક્ષી જૂઠું બોલશે નહિ, પણ જૂઠો સાક્ષી જૂઠું જ બોલે છે.

એલજે ૧૧:૨૯-૫૪
૨૯. સંખ્યાબંધ લોકો તેમની પાસે ભેગા થયા હતા ત્યારે તે કહેવા લાગ્યા કે, 'આ પેઢી તો દુષ્ટ પેઢી છે; તે ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂનાનાં ચમત્કારિક ચિહ્ન વિના બીજું ચમત્કારિક ચિહ્ન તેને અપાશે નહિ.
૩૦. કેમ કે જેમ યૂના નિનવેહના લોકોને માટે નિશાનીરૂપ થયો, તેમ માણસનો દીકરો પણ આ પેઢીને નિશાનીરૂપ થશે.'
૩૧. દક્ષિણની રાણી આ પેઢીનાં માણસોની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેઓને અપરાધી ઠરાવશે; કેમ કે તે પૃથ્વીના છેડાથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી, અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.
૩૨. નિનવેહના માણસો આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેને અપરાધી ઠરાવશે; કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો; અને જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.
૩૩. કોઈ માણસ દીવો સળગાવીને તેને ભોંયરામાં કે માપ તળે મૂકતો નથી, પણ દીવી પર મૂકે છે એ માટે કે અંદર આવનારાઓ તેનું અજવાળું જુએ.
૩૪. તારા શરીરનો દીવો તારી આંખ છે; જયારે તારી આંખ સ્વચ્છ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશે ભરેલું થશે; પણ તે ખરાબ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ અંધકારે ભરેલું રહેશે;
૩૫. તેથી તારામાં જે અજવાળું છે તે અંધકાર ન હોય, માટે સાવધાન રહે.
૩૬. જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય, અને તેનો કોઈ પણ ભાગ અંધકારરૂપ હોય તો જેમ દીવો પોતાની રોશનીથી તને અજવાળું આપે છે તેમ [તારું આખું શરીર] પ્રકાશથી ભરેલું થશે.'
૩૭. ઈસુ બોલતા હતા ત્યારે એક ફરોશીએ પોતાની સાથે જમવાને તેમને નિમંત્રણ આપ્યું, ઈસુ તેની પાસે જઈને જમવા બેઠા.
૩૮. ભોજન પહેલાં ઈસુએ હાથ ધોયા નહિ, તે જોઈને ફરોશી આશ્ચર્ય પામ્યો.
૩૯. પ્રભુએ તેને કહ્યું કે, 'તમે ફરોશીઓ તો થાળીવાટકો બહારથી સાફ કરો છો; પણ તમારું અંતર જુલમ તથા દુષ્ટતાથી ભરેલું છે.
૪૦. અરે મૂર્ખો, જેણે બહારનું બનાવ્યું, તેણે અંદરનું પણ બનાવ્યું નથી શું?
૪૧. જે અંદર છે તે પ્રમાણે તમારે દાન અને જુઓ, પછી તમને બધું શુદ્ધ છે.
૪૨. પણ તમ ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે ફુદીનાનો તથા રિયું તથા સઘળી ખાવાલાયક વનસ્પતિનો દસમો ભાગ આપો છો; પણ ન્યાય તથા ઈશ્વરનો પ્રેમ પડતાં મૂકો છો; તમારે આ કરવાં જોઈતાં હતાં અને એ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.
૪૩. તમો ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા ચોકમાં સલામો ચાહો છે.
૪૪. તમને અફસોસ છે! કેમ કે જે કબરો દેખાતી નથી, અને જેનાં ઉપર માણસો અજાણતાં ચાલે છે, તેઓના જેવા તમે છો.'
૪૫. ત્યારે નિયમશાસ્ત્રીઓમાંના એકે તેને ઉત્તર આપતા કહ્યું કે, 'ઉપદેશક, એમ કહેવાથી તમે અમારું પણ અપમાન કરો છો.'
૪૬. ઈસુએ કહ્યું કે, 'ઓ નિયમશાસ્ત્રીઓ, તમને પણ અફસોસ છે! કારણ કે તમે માણસો પર એવા બોજા ચઢાવો છો કે જે ઊંચકતાં મહામુસીબત પડે છે, અને તમે પોતે એ બોજાને તમારી એક આંગળી પણ લગાડતા નથી.
૪૭. તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો, જેઓને તમારા બાપદાદાઓએ મારી નાખ્યા હતા.
૪૮. તો તમે સાક્ષીઓ છો, અને તમારા બાપદાદાઓનાં કામોને સંમતિ આપો છો; કેમ કે તેઓએ તેમને મારી નાખ્યા હતા, અને તમે તેમની કબરો બાંધો છો.
૪૯. એ માટે ઈશ્વરના જ્ઞાને પણ કહ્યું કે, હું પ્રબોધકો તથા પ્રેરિતોને તેઓની પાસે મોકલીશ, અને તેઓમાંના કેટલાકને તેઓ મારી નાખશે તથા સતાવશે;
૫૦. જેથી સૃષ્ટિના આરંભથી સઘળા પ્રબોધકોના વહેવડાવેલા લોહીનો બદલો આ પેઢીના લોકો પાસેથી લેવામાં આવે;
૫૧. હા, હું તમને કહું છું કે 'હાબેલના લોહીથી તે ઝખાર્યા જે યજ્ઞવેદી તથા પવિત્રસ્થાનની વચ્ચે માર્યો ગયો, તેના લોહી સુધી એ સર્વનો બદલો આ પેઢીના લોક પાસેથી લેવાશે.
૫૨. તમો નિયમશાસ્ત્રીઓને અફસોસ છે! કેમ કે તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે; તમે પોતે અંદર ગયા નહિ, અને જેઓ અંદર જતા હતા તેઓને તમે અટકાવ્યા.'
૫૩. ઈસુ ત્યાંથી નીકળ્યા, ત્યાર પછી શાસ્ત્રીઓ તથા ફરોશીઓ ઝનૂનથી તેમની સામે થઈને તેમને ઘણી વાતો વિષે બોલવાને ઉશ્કેરવા લાગ્યા.
૫૪. તેમના મુખમાંથી કંઈ વાત પકડી લેવા સારુ તેઓ ટાંપી રહ્યા.