A A A A A
એક વર્ષમાં બાઇબલ
એપ્રિલ ૧૯

ન્યાયાધીશો ૩:૧-૩૧
૧. હવે ઈશ્વરે જેઓએ કનાનની લડાઈઓનો અનુભવ કર્યો ન હતો એવા ઇઝરાયલી લોકોની પરીક્ષા કરવાને,
૨. ઇઝરાયલની નવી પેઢીઓ, એટલે જેઓને અગાઉ યુદ્ધ વિષે કંઈ માહિતી ન હતી તેઓ યુદ્ધકળા શીખે તે માટે ઈશ્વરે જે દેશજાતિઓ રહેવા દીધી તે આ છે:
૩. પલિસ્તીઓના પાંચ સરદારો, સર્વ કનાનીઓ, સિદોનીઓ અને બઆલ-હેર્મોનના પહાડથી હમાથ જવાના માર્ગ સુધી લબાનોન પર્વતમાં રહેનારા હિવ્વીઓ.
૪. ઈશ્વરે જે આજ્ઞાઓ મૂસા દ્વારા તેઓના પૂર્વજોને આપી હતી, તે આજ્ઞાઓ ઇઝરાયલ પાળશે કે નહિ, એ જાણવા, તેઓથી તેમની પરીક્ષા કરવા માટે તે લોકોને રહેવા દેવામાં આવ્યા હતા.
૫. તેથી ઇઝરાયલ લોકો કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓની મધ્યે રહેતા હતા.
૬. તેઓની દીકરીઓ સાથે તેઓ લગ્ન સંબંધો બાંધતા હતા, તેઓના દીકરાઓને પોતાની દીકરીઓ આપતા હતા અને તેઓના દેવોની પૂજા કરતા હતા.
૭. ઇઝરાયલના લોકોએ ઈશ્વરની નજરમાં જે દુષ્ટ હતું તે કર્યું અને પોતાના ઈશ્વરને વીસરી જઈને બઆલીમ તથા અશેરોથની પૂજા કરી.
૮. તે માટે ઈશ્વરનો કોપ ઇઝરાયલ પર સળગી ઊઠ્યો અને તેમણે અરામ-નાહરાઈમના રાજા કૂશાન-રિશાથાઈમના હાથમાં તેઓને વેચી દીધા. આઠ વર્ષ સુધી ઇઝરાયલના લોકો કૂશાન-રિશાથાઈમને તાબે રહ્યા.
૯. જયારે ઇઝરાયલના લોકો ઈશ્વર આગળ રડ્યા, ત્યારે ઈશ્વરે ઇઝરાયલનો બચાવ કરવા સારુ કાલેબના નાના ભાઈ, કનાઝનો દીકરો, ઓથ્નીએલને ઇઝરાયલના લોકોને મદદ માટે તૈયાર કર્યો. તેણે તેઓનો બચાવ કર્યો.
૧૦. ઈશ્વરના આત્માએ તેને સામર્થ્ય આપ્યું અને તેણે ઇઝરાયલનો ન્યાય કર્યો અને તે લડાઈ કરવા ગયો. ઈશ્વરે તેને આરામના રાજા કૂશાન રિશાથાઈમ પર વિજય અપાવ્યો. ઓથ્નીએલના સામર્થ્યથી કૂશાન-રિશાથાઈમનો પરાજય થયો.
૧૧. ચાળીસ વર્ષ સુધી આ દેશમાં શાંતિ રહી. પછી કનાઝનો દીકરો, ઓથ્નીએલ મરણ પામ્યો.
૧૨. ઇઝરાયલના લોકોએ ફરી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ઈશ્વરે તે જોયું. તેથી ઈશ્વરે મોઆબના રાજા એગ્લોનને ઇઝરાયલની સામે બળવાન કર્યો, કારણ કે ઇઝરાયલીઓએ દુરાચાર કર્યો હતો.
૧૩. એગ્લોને આમ્મોનીઓ તથા અમાલેકીઓને પોતાની સાથે લઈને ઇઝરાયલીઓને હરાવ્યા અને ખજૂરીઓના નગરને કબજે કરી લીધું.
૧૪. ઇઝરાયલના લોકોએ અઢાર વર્ષ સુધી મોઆબના રાજા એગ્લોનની તાબેદારી કરી.
૧૫. પણ જયારે ઇઝરાયલના લોકોએ ઈશ્વર આગળ પોકાર કર્યો, ત્યારે ઈશ્વરે તેમની મદદ કરવા બિન્યામીની ગેરનો દીકરો એહૂદને તેઓની મદદ માટે ઊભો કર્યો. તે ડાબોડીઓ હતો. ઇઝરાયલના લોકોએ તેની હસ્તક મોઆબના રાજા એગ્લોન પર નજરાણું મોકલ્યું.
૧૬. એહૂદે પોતાને માટે એક હાથ લાંબી એવી બેધારી તલવાર બનાવી વસ્ત્રની નીચે પોતાની જમણી જાંઘ નીચે તેને લટકાવી.
૧૭. તેણે મોઆબના રાજા એગ્લોનને નજરાણું આપ્યું. એગ્લોન શરીરે બહુ પૃષ્ટ માણસ હતો.
૧૮. એહૂદે નજરાણું પ્રદાન કર્યું, પછી તેણે નજરાણું ઊંચકી લાવનારાઓને પરત મોકલ્યા.
૧૯. તે પોતે જયારે ગિલ્ગાલની નજીક ખીણોની જગ્યાએથી પાછો વળ્યો ત્યારે તેણે કહ્યું, "મારા રાજા, તારા માટે એક અંગત સંદેશ છે." એગ્લોને કહ્યું, "ચૂપ રહે!" તેના સર્વ નોકરો ઓરડામાંથી બહાર ગયા.
૨૦. એહૂદ તેની પાસે આવ્યો. રાજા પોતાની રીતે, ઉપરની ઠંડી ઓરડીમાં એકલો બેઠો હતો. એહૂદે તેને કહ્યું, "હું ઈશ્વર તરફથી તારા માટે સંદેશ લાવ્યો છું," રાજા પોતાના આસન પરથી ઊભો થઈ ગયો.
૨૧. ત્યારે એહૂદે પોતાના ડાબા હાથે, પોતાની જમણી જાંઘ નીચેથી તરવાર કાઢીને રાજાના શરીરમાં ઘુસાડી દીધી.
૨૨. તરવારની સાથે હાથો પણ અંદર પેસી ગયો, તેના પાછળના ભાગમાંથી અણી બહાર આવી અને તે અણી ઉપર ચરબી ભરાઈ ગઈ, કેમ કે એહૂદે તે તરવાર તેના પેટમાંથી પાછી બહાર ખેંચી કાઢી નહોતી.
૨૩. ત્યાર પછી એહૂદ ઓરડીમાં ગયો અને તેના બારણાં તેણે પાછાં બંધ કર્યો અને તેમને તાળું માર્યું.
૨૪. એહૂદના ગયા પછી, રાજાના નોકરો અંદર આવ્યા; તેઓએ જોયું કે ઉપરની ઓરડીના બારણાએ તાળું મારેલું હતું, તેઓએ વિચાર્યું કે, "ચોક્કસ તે ઉપરની ઠંડી ઓરડીમાં પોતાની રીતે આરામ કરતો હશે."
૨૫. જયારે ઘણીવાર સુધી રાજાએ બારણું ઉઘાડ્યું નહિ ત્યારે તેઓની ચિંતા વધવા લાગી તેઓ શરમાયા અને ગભરાયા. તેઓએ ચાવી લીધી અને તેના બારણાં ઉઘાડ્યાં. ત્યારે તેઓએ પોતાના રાજાને મૃત અવસ્થામાં જમીન પર પડેલો જોયો.
૨૬. તેઓએ શું કરવું જોઈએ તે વિષે વિચારતા હતા, એટલામાં એહૂદ નાસીને જ્યાં ખાણોની પેલી બાજુએ ઊતરીને સેઈરા સુધી પહોંચી ગયો.
૨૭. ત્યાં આવીને તેણે એફ્રાઇમના પહાડી પ્રદેશમાં રણશિંગડું વગાડ્યું. પછી ઇઝરાયલી લોકો તેની સાથે પહાડી પ્રદેશ ઊતર્યા અને તે તેઓની આગેવાની કરતો હતો.
૨૮. તેણે તેઓને કહ્યું, "મારી પાછળ આવો, કેમ કે ઈશ્વરે તમારા દુશ્મન મોઆબીઓને તમારા હાથમાં સોંપ્યાં છે." તેઓ તેની પાછળ ગયા અને તેઓએ મોઆબ દેશ તરફના યર્દનના કિનારા પાસેના પ્રદેશો કબજે કર્યા, તેઓએ કોઈને પણ નદી પાર કરવા દીધી નહિ.
૨૯. તે જ સમયે તેઓએ મોઆબના આશરે દસ હજાર પુરુષોને મારી નાખ્યા, તેઓ સર્વ મજબૂત અને શૂરવીર પુરુષો હતા. તેઓમાંનો એકપણ બચ્યો નહિ.
૩૦. તે દિવસે મોઆબ ઇઝરાયલની તાકાતથી પરાજિત થયું. અને એંસી વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.
૩૧. એહૂદ પછી અનાથનો દીકરો, શામ્ગાર બીજો ન્યાયાધીશ થયો, તેણે બળદ હાંકવાની લાકડીથી છસો પલિસ્તીઓને મારી નાખ્યા. તેણે પણ ઇઝરાયલીઓને સંકટમાંથી છોડાવ્યાં.

ન્યાયાધીશો ૪:૧-૨૪
૧. એહૂદના મરણ પછી, ઇઝરાયલ લોકોએ ફરીથી દુષ્ટ કૃત્યોથી તથા જે દુષ્ટ આચરણો કર્યા અને તેથી ઈશ્વરનો અનાદર કર્યો.
૨. તેથી ઈશ્વરે તેઓને હાસોરમાં રાજ કરનાર કનાનના રાજા યાબીનના હાથમાં સોંપ્યાં. તેના સૈન્યનો સેનાપતિ બિનયહૂદી હતો તે હરોશેથનો રહેવાસી હતો તેનું નામ સીસરા હતું.
૩. ઇઝરાયલ લોકોએ ઈશ્વરની આગળ મદદ માટે પોકાર કર્યો, કારણ કે સીસરાની પાસે લોખંડના નવ હજાર રથો હતા, તેણે વીસ વર્ષ સુધી ઇઝરાયલ લોકો પર જુલમ ગુજાર્યો.
૪. હવે તે સમયે લાપીદોથની પત્ની, દબોરા પ્રબોધિકા આગેવાન તરીકે, ઇઝરાયલનો ન્યાય કરતી હતી.
૫. તે એફ્રાઇમના પહાડી પ્રદેશમાંના રામા તથા બેથેલની વચમાં દબોરાની ખજૂરીની નીચે બેસતી હતી અને ઇઝરાયલ લોકો તેની પાસે ન્યાય મેળવવા માટે આવતા હતા.
૬. તેણે કેદેશ નફતાલીથી અબીનોઆમના દીકરા બારાકને તેડાવીને તેને કહ્યું, "ઈશ્વર ઇઝરાયલના પ્રભુએ શું તમને આજ્ઞા આપી નથી કે, તું 'તાબોર પર્વતની પાસે જા અને નફતાલી તથા ઝબુલોનના પુરુષોમાંથી દસ હજારને તારી સાથે લે.
૭. યાબીનના સૈન્યના સેનાપતિ સીસરાને, કીશોન નદી નજીક મળીશ, તેના રથો તથા તેના સૈન્ય સાથે હું તેને તારી પાસે કીશોન નદીને કિનારે લાવીશ. અને તેને તારા હાથમાં સોંપી દઈશ."
૮. બારાકે તેને કહ્યું, "જો તું મારી સાથે આવે, તો હું જાઉં, પણ જો તું મારી સાથે નહિ આવે, તો હું નહિ જાઉં."
૯. તેણે કહ્યું, "હું નિશ્ચે તારી સાથે આવીશ. તોપણ, તું જે આગેવાની કરવાનો છે તેમાં તને જશ મળશે નહિ, કેમ કે ઈશ્વર એક સ્ત્રીની તાકાતથી સીસરાને હરાવશે." પછી દબોરા ઊભી થઈ અને બારાકની સાથે કેદેશ ગઈ.
૧૦. બારાકે ઝબુલોન તથા નફતાલીનના પુરુષોને કેદેશમાં એકત્ર કર્યાં. તેની પાછળ દસ હજાર પુરુષો ગયા અને દબોરા તેની સાથે ગઈ.
૧૧. હવે હેબેર કેનીએ પોતાને કેનીઓથી અલગ કર્યો. તેઓ મૂસાના સાળા હોબાબના વંશજો હતા - અને તેણે તેનો તંબુ કેદેશ પાસેના સાનાન્નીમમાંના એલોન વૃક્ષ જેટલે દૂર લગાવ્યો હતો.
૧૨. જયારે તેઓએ સીસરાને ખબર આપી કે અબીનોઆમનો દીકરો બારાક તાબોર પર્વત પર ગયો છે,
૧૩. ત્યારે સીસરાએ પોતાના સર્વ રથો, નવસો લોખંડના રથો અને વિદેશીઓના હરોશેથથી તે કીશોન નદી સુધી જે લોકો તેની સાથે હતા તે સર્વને એકત્ર કર્યા.
૧૪. દબોરાએ બારાકને કહ્યું, "જા! કેમ કે આજે ઈશ્વરે સીસરાને તારા હાથમાં સોંપી દીધો છે. શું ઈશ્વર તમારા અગ્રેસર નથી?" તેથી બારાક તાબોર પર્વત પરથી નીચે ઊતર્યો, તેની સાથેના દસ હજાર પુરુષો તેની પાછળ ગયા.
૧૫. ઈશ્વરે સીસરાનો તેના સૈન્યનો, તેના સર્વ રથોનો અને બારાકની આગળ પરાજય કર્યો, તેથી સીસરા પોતાના રથમાંથી ઊતરીને નાસી ગયો.
૧૬. પણ બારાક વિદેશીઓના હરોશેથ સુધી સૈન્યની પાછળ પડ્યો તેથી સીસરાનું સર્વ સૈન્ય તરવારે મરાયું અને એકપણ માણસ બચ્યો નહિ.
૧૭. પણ સીસરા ચાલીને હેબેર કેનીની પત્ની યાએલના તંબુમાં નાસી ગયો, કેમ કે ત્યાં હાસોરના રાજા યાબીનની તથા હેબેર (કેનીના) કુટુંબ વચ્ચે સલાહસંપ હતો.
૧૮. યાએલ સીસરાને મળવા બહાર નીકળી અને તેને કહ્યું, "ઓ મારા માલિક, આ બાજુ આવ; મારી આ બાજુ આવ અને ગભરાઈશ નહિ." તે તેના તંબુમાં ગયો અને તેણે તેને ધાબળો ઓઢાડ્યો.
૧૯. સીસરાએ તેને કહ્યું, "કૃપા કરીને મને થોડું પાણી આપ, કેમ કે મને તરસ લાગી છે." તેણે એક મશક ઉઘાડીને તેને પીવાને દૂધ આપ્યું અને તેણે તેના પર ફરીથી ધાબળો ઓઢાડી દીધો.
૨૦. તેણે તેને કહ્યું, "તું ખુલ્લાં તંબુએ ઊભી રહે. જો કોઈ આવીને તને પૂછે કે, 'કોઈ અહીં છે?' તો તારે કહેવું કે, 'નથી.'"
૨૧. પછી યાએલ હેબેરની પત્ની તંબુમાં અણીદાર લાકડું તથા હાથમાં હથોડી લઈને છાનીમાની તેની પાસે ગઈ, કેમ કે તે ભરનિદ્રામાં હતો, તેણે તેના માથામાં તે લાકડું માર્યું અને તે તેને વીંધીને જમીનમાં પેસી ગયું. એથી તે મૂર્છા ખાઈને મરણ પામ્યો.
૨૨. જેવો બારાક સીસરા પાછળ પડ્યો હતો, તેવી યાએલ તેને મળવાને આવી અને તેને કહ્યું, "આવ, જેને તું શોધે છે તે હું તને બતાવું." જેથી તે તેની સાથે અંદર ગયો, તેણે જોયું કે સીસરા માથામાં અણીદાર ભોંકેલા લાકડા સાથે ત્યાં મૃત અવસ્થામાં પડેલો હતો.
૨૩. આ રીતે તે દિવસે ઈશ્વરે કનાનના રાજા યાબીનને ઇઝરાયલ લોકોની સામે હરાવ્યો.
૨૪. ઇઝરાયલના લોકો કનાનના રાજા યાબીનની સામે વધારે અને વધારે ભારે થતાં ગયા. એટલા બધા બળવાન થયા કે તેઓએ તેનો નાશ કર્યો.

ગીતશાસ્ત્ર ૪૮:૯-૧૪
૯. હે ઈશ્વર, અમે તમારા ઘરમાં તમારી કૃપા વિષે વિચાર કર્યો.
૧૦. હે ઈશ્વર, જેવું તમારું નામ છે, તેવી તમારી સ્તુતિ પણ પૃથ્વીના અંત સુધી છે; તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.
૧૧. તમારા ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામશે યહૂદિયાની દીકરીઓ હરખાશે.
૧૨. સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો; તેના બુરજોની ગણતરી કરો.
૧૩. તેનો કોટ ધ્યાનથી જુઓ અને તેના મહેલો પર લક્ષ આપો જેથી તમે આવતી પેઢીને તે વિષે કહી શકો.
૧૪. કારણ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે; તે મરણ પર્યંત આપણને દોરનાર છે.

ઉકિતઓ ૧૪:૧૮-૧૯
૧૮. ભોળા લોકો મૂર્ખાઈનો વારસો પામે છે, પણ ડાહ્યા માણસોને વિદ્યાનો મુગટ પહેરાવવામાં આવે છે.
૧૯. દુષ્ટોને સજ્જનો આગળ ઝૂકવું પડે છે, અને જેઓ દુષ્ટ છે તેઓને સદાચારીઓને બારણે નમવું પડે છે.

એલજે ૧૪:૨૫-૩૫
૨૫. હવે ઘણાં લોક ઈસુની સાથે જતા હતા, અને તેઓને તેમણે પાછા ફરીને કહ્યું કે,
૨૬. 'જો કોઈ મારી પાસે આવે, અને પોતાનાં માતાનો અને પિતાનો, પત્નીનો, બાળકોનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્રેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી.
૨૭. જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.
૨૮. કેમ કે તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલાં બેસીને ખર્ચ નહિ ગણે, કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ?
૨૯. રખેને કદાચ પાયો નાખ્યા પછી તે પૂરો કરી શકે નહિ; ત્યારે જે જુએ તેઓ સર્વ તેની મશ્કરી કરવા લાગે,
૩૦. અને કહે કે, આ માણસ બાંધવા લાગ્યો, પણ પૂરું કરી શક્યો નહિ.
૩૧. અથવા કયો રાજા એવો છે કે બીજા રાજાની સામે લડાઈ કરવા જતો હોય, પણ પહેલાં બેસીને વિચાર નહિ કરે, કે જે વીસ હજાર સૈનિકો લઈને મારી સામે આવે છે, તેની સામે હું દસ હજાર સૈનિકોને લઈ લડી શકીશ કે નહિ?
૩૨. નહિ તો બીજો રાજા હજી ઘણો દૂર છે, એટલામાં તે એલચીઓને મોકલીને સુલેહની શરતો વિષે પૂછશે.
૩૩. તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.
૩૪. મીઠું તો સારુ છે, પરંતુ જો મીઠું પણ સ્વાદ વગરનું થયું હોય, તો તે શાથી ખારું કરાશે?
૩૫. તે જમીનને સારુ અથવા ખાતરને સારુ યોગ્ય નથી; પણ માણસો તેને બહાર નાખી દે છે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.'