A A A A A
એક વર્ષમાં બાઇબલ
કુચ ૩

નંબર્સ ૩:૧-૫૧
૧. સિનાઈ પર્વત પર યહોવાહ મૂસા સાથે બોલ્યા ત્યારે હારુન અને મૂસાની વંશાવળી આ પ્રમાણે હતી.
૨. હારુનના દીકરાઓનાં નામ આ મુજબ હતાં; જ્યેષ્ઠ દીકરાનું નામ નાદાબ, તથા અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.
૩. હારુનના દીકરાઓ જેઓને યાજક તરીકે અભિષિક્ત કરવામાં આવ્યા અને તેઓને યાજકની પદવીમાં સેવા કરવાને જુદા કરવામાં આવ્યા તેઓનાં નામ એ હતાં.
૪. પરંતુ નાદાબ અને અબીહૂ યહોવાહની આગળ સિનાઈના અરણ્યમાં પારકો અગ્નિ ચઢાવવાથી યહોવાહની આગળ માર્યા ગયા. તેથી તેઓ સિનાઈના રણમાં જ મૃત્યુ પામ્યા. તેઓ નિ:સંતાન હતા. અને એલાઝાર અને ઈથામાર પોતાના પિતા હારુનના જીવનકાળ દરમ્યાન યાજકપદમાં સેવાઓ બજાવતા હતા.
૫. યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે,
૬. લેવીના કુળને પાસે લાવ અને તેઓને યાજક હારુનની આગળ ઊભા કર કે, તેઓ તેની સેવા કરે.
૭. તેઓએ તેની અને મુલાકાતમંડપની આખી જમાતની સંભાળ રાખે અને મંડપને લગતી ફરજો બજાવવાની છે.
૮. અને તેઓ મુલાકાતમંડપની, સરસામાનની અને ઇઝરાયલપુત્રોની સંભાળ રાખતાં મંડપને લગતી ફરજો બજાવે.
૯. અને તું હારુનના તથા તેના દીકરાઓના હવાલામાં લેવીઓને સોંપી દે કારણ કે, ઇઝરાયલના લોકો વતી તેઓ તેને સેવા માટે અપાયેલા છે.
૧૦. અને તારે હારુનને અને તેના દીકરાઓને યાજકની ફરજો બજાવવા નિયુક્ત કરવા. જો કોઈ પરદેશી એ ફરજ બજાવવા જાય તો તે માર્યો જાય."
૧૧. પછી યહોવાહે મૂસાને કહ્યું કે,
૧૨. ઇઝરાયલપુત્રોના સર્વ પ્રથમજનિત એટલે ગર્ભ ઊઘાડનારને બદલે, તેઓમાંથી મેં લેવીઓનો સ્વીકાર કર્યો છે. અને લેવીઓ મારા થશે.
૧૩. કેમ કે, સર્વ પ્રથમજનિત મારા જ છે; જ્યારે મેં મિસરના બધા પ્રથમજનિતને મારી નાખ્યા હતા તે દિવસે મેં ઇઝરાયલપુત્રોના સર્વ પ્રથમજનિત પુરુષો અને જાનવરોને મારે સારુ પવિત્ર કર્યા, તેઓ મારા જ થશે. હું યહોવાહ છું."
૧૪. સિનાઈના અરણ્યમાં યહોવાહે મૂસાને કહ્યું કે,
૧૫. લેવીના દીકરાઓની, તેઓના પિતાનાં કુટુંબો પ્રમાણે ગણતરી કર. એક મહિનો અને તેથી વધારે ઉંમરના સર્વ પુરુષોની ગણતરી કર."
૧૬. એટલે યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ તેઓની ગણતરી કરી.
૧૭. લેવીના દીકરાઓનાં નામ આ મુજબ છે; ગેર્શોન, કહાથ, અને મરારી.
૧૮. ગેર્શોનના દીકરાઓના નામ તેઓના કુળ મુજબ, લિબ્ની તથા શિમઈ છે.
૧૯. કહાથના દીકરા, તેમના કુટુંબો મુજબ; આમ્રામ તથા ઈસહાર, હેબ્રોન તથા ઉઝિયેલ.
૨૦. મરારીના દીકરા તેઓના કુટુંબો મુજબ, માહલી તથા મુશી છે. લેવીઓનાં કુટુંબો, તેઓનાં પિતાનાં ઘર મુજબ એ છે.
૨૧. ગેર્શોનથી લિબ્નીઓનું કુટુંબ અને શિમઈઓનું કુટુંબ થયા. એ ગેર્શોનીઓના કુટુંબો છે.
૨૨. તેઓમાંના જેઓની ગણતરી થઈ એટલે તેઓમાંના એક મહિનાના અને તેથી વધારે ઉંમરના સઘળા પુરુષોની ગણતરી થઈ, તેઓની સંખ્યા સાત હજાર પાંચસોની હતી.
૨૩. મંડપની પાછળ પશ્ચિમ દિશામાં ગેર્શોનીઓનાં કુટુંબો છાવણી કરે.
૨૪. અને લાએલનો દીકરો એલિયાસાફ તે ગેર્શોનીઓના પિતાનાં ઘરનો આગેવાન થાય.
૨૫. અને ગેર્શોનનું કુટુંબ મુલાકાતમંડપના પડદા એની અંદરનું આવરણ, બહારનું આવરણ, મુલાકાતમંડપના દ્વારના પડદાની સંભાળ રાખે.
૨૬. તેઓ આંગણાના પડદા અને મંડપની પાસે અને વેદીની આસપાસના આંગણાના દ્વારનાં પડદાઓની સંભાળ રાખે. તેના બધા કામ માટે તેની દોરીઓ એ બધાની સંભાળ ગેર્શોનના દીકરાઓ રાખે.
૨૭. અને કહાથથી આમ્રામીઓનું કુટુંબ, ઈસહારીઓનું કુટુંબ, હેબ્રોનીઓનું કુટુંબ અને ઉઝિયેલીઓનું કુટુંબ થયાં; કહાથીઓનાં કુટુંબો એ હતાં.
૨૮. એક મહિનાના અને તેથી વધારે ઉંમરના પુરુષોની સંખ્યા આઠ હજાર છસો પુરુષોની હતી અને તેઓ પવિત્રસ્થાનની સંભાળ રાખનારા હતા.
૨૯. કહાથના દીકરાઓનાં કુટુંબો મંડપની પાસે દક્ષિણ બાજુએ છાવણી કરે.
૩૦. ઉઝિયેલનો દીકરો અલિસાફાન તે કહાથીઓનાં કુટુંબોના પિતાના ઘરનો આગેવાન થાય.
૩૧. તે લોકોએ પવિત્રકોશની, મેજની, દીપવૃક્ષ અને વેદીઓની, પવિત્રસ્થાનની સેવા કરવાની સામગ્રી તથા ગર્ભગૃહ આગળના પડદાની તથા એ સર્વ કામકાજની સંભાળ રાખવી.
૩૨. અને હારુન યાજકનો દીકરો એલાઝાર લેવીઓના અધિપતિઓનો આગેવાન થાય. પવિત્રસ્થાનની સંભાળ રાખનારાઓની તે દેખરેખ રાખે.
૩૩. મરારીથી માહલીઓનું કુટુંબ તથા મુશીઓનું કુટુંબો થયાં; મરારીનાં કુટુંબો એ છે.
૩૪. અને તેઓમાંના એક મહિના અને તેથી વધારે ઉંમરના પુરુષોની ગણતરી થઈ તેઓની સંખ્યા છ હજાર બસો પુરુષોની હતી.
૩૫. અને અબિહાઈલનો દીકરો સુરિયેલ તે મરારીનાં કુટુંબોના પિતાના ઘરનો આગેવાન હતો. તેઓ ઉત્તર બાજુએ મંડપની પાસે છાવણી કરે.
૩૬. અને મંડપનાં પાટિયાં, તેની ભૂંગળો, સ્તંભો, કૂંભીઓ તથા તેનાં સર્વ ઓજારો તથા તેને લગતાં સર્વ કામ
૩૭. તદુપરાંત આંગણાની આસપાસના સ્તંભો, કૂંભીઓ, ખીલીઓ અને દોરીઓને લગતાં સર્વ કામની સંભાળ મરારીના દીકરાઓ રાખે.
૩૮. મૂસા, હારુન અને તેના દીકરા મંડપની સામે પૂર્વ દિશામાં, મુલાકાતમંડપની સામે પૂર્વ બાજુએ છાવણી કરે અને તેઓ પવિત્રસ્થાનની સંભાળ રાખે, એટલે ઇઝરાયલીઓ માટે તેની સંભાળ રાખે. અને જો કોઈ પરાયો પુરુષ પાસે આવે તો તે માર્યો જાય.
૩૯. લેવીઓમાંના જે સર્વની ગણતરી થઈ, જેઓને મૂસાએ અને હારુને યહોવાહની આજ્ઞા અનુસાર ગણ્યા તેઓ, એટલે એક મહિનાના અને તેની ઉપરની ઉંમરના લેવી પુરુષો પોતાના કુટુંબ મુજબ બાવીસ હજાર હતા.
૪૦. યહોવાહે મૂસાને કહ્યું, "એક મહિનાથી ઉપરની ઉંમરના બધા પ્રથમજનિત ઇઝરાયલી પુરુષોની ગણતરી કર અને તેમનાં નામોની સંખ્યા ગણ.
૪૧. અને ઇઝરાયલના સર્વ પ્રથમજનિત પુરુષોને બદલે તું મારે માટે લેવીઓને લે. હું યહોવાહ છું, અને ઇઝરાયલીઓનાં જાનવરો મધ્યે સર્વ પ્રથમજનિતને બદલામાં લેવીઓનાં જાનવરો લે."
૪૨. અને જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ તેણે સર્વ ઇઝરાયલીઓના પ્રથમજનિતની ગણતરી કરી.
૪૩. અને સર્વ પ્રથમજનિત પુરુષોની ગણતરી કરી, એક મહિનાથી ઉપરના નામોની સંખ્યા પ્રમાણે ગણતાં બાવીસ હજાર બસો તોંતેરની થઈ.
૪૪. ત્યાર પછી, યહોવાહે મૂસાને કહ્યું કે,
૪૫. ઇઝરાયલ પ્રજામાં સર્વ પ્રથમજનિતના બદલામાં લેવીઓને લે. તેઓનાં જાનવરોને બદલે લેવીઓનાં જાનવરો લે. અને લેવીઓ મારા થશે, હું યહોવાહ છું.
૪૬. અને ઇઝરાયલમાં લેવીઓ ઉપરાંત, જે બસો તોંતેર પ્રથમજનિતને ખંડી લેવાના છે.
૪૭. તે દરેકને વાસ્તે, માથાદીઠ પાંચ શેકેલ લે. પવિત્રસ્થાનના શેકેલ એટલે વીસ ગેરાહના શેકેલ મુજબ તું લે.
૪૮. અને તે ઉપરાંત નાની સંખ્યાની ખંડણીનાં જે નાણાં આવે તે તું હારુન તથા તેના દીકરાઓને આપ.
૪૯. જેઓ લેવીઓને બદલે ખરીદી લેવાયા હતા, તેઓ ઉપરાંત મુક્તિ મૂલ્યનાં ઓછા નાણાં મૂસાએ તેઓની પાસેથી લીધાં;
૫૦. ઇઝરાયલના પ્રથમજનિત પાસેથી મૂસાએ તે નાણાં લીધાં; એટલે પવિત્રસ્થાનના શેકેલ મુજબ એક હજાર ત્રણસો પાંસઠ શેકેલ.
૫૧. અને મૂસાએ યહોવાહના કહ્યા મુજબ તથા યહોવાહે તેને આજ્ઞા કરી હતી તે મુજબ ખંડણીનાં નાણાં હારુનને અને તેના દીકરાઓને આપ્યા.

નંબર્સ ૪:૧-૪૯
૧. યહોવાહે મૂસા અને હારુનને કહ્યું,
૨. લેવીના દીકરાઓમાંથી કહાથના દીકરાઓની ગણતરી તેઓના કુટુંબો મુજબ તથા તેઓના પિતાઓના ઘર મુજબ કરો.
૩. ત્રીસથી પચાસ વર્ષની ઉંમરના બધા પુરુષો મુલાકાતમંડપનું કામ કરવા માટે સેવકપદમાં દાખલ થાય છે. તે સર્વની ગણતરી કરો.
૪. મુલાકાતમંડપમાં પરમપવિત્ર વસ્તુઓના સંબંધમાં કહાથના દીકરાઓનું કામ આ છે.
૫. જ્યારે છાવણીનો મુકામ ઉપાડવાનો સમય આવે ત્યારે હારુન અને તેના દીકરાઓએ અંદર જઈને પવિત્ર કરારકોશ આગળનો પડદો ઉતારી લઈને તેનાથી સાક્ષ્યકોશને ઢાંકી દેવો.
૬. તે પર તેઓ સમુદ્ર ગાયના ચામડાનું આવરણ કરે અને તેને નીલ રંગનાં વસ્ત્રોથી ઢાંકે અને પવિત્રકોશને ઉપાડવાના દાંડા તેની કડીઓમાં નાખે.
૭. પછી તેઓએ અર્પેલી રોટલીની મેજ પર નીલ રંગનું વસ્ત્ર પાથરી દેવું, અને તેના પર થાળીઓ, ચમચા, તર્પણને માટે વાટકા મૂકવા; નિત્યની રોટલી તેના પર રહે.
૮. તેના પર કિરમજી રંગનું વસ્ત્ર પાથરવું. અને સીલના ચામડાના આવરણથી તેને ઢાંકી દઈને તેને ઊચકવા માટેના દાંડા તેમાં નાખવા.
૯. અને તેઓએ નીલ રંગનું વસ્ત્ર લઈને તેના વડે દીપવૃક્ષ, દીવાઓ, ચીપિયા, તાસકો અને દીવામાં વપરાતા તેલપાત્રોને ઢાંકે.
૧૦. તે પછી આ સર્વ સામગ્રી સીલનાં ચામડાંનાં આવરણમાં નાખીને પાટિયા પર મૂકે.
૧૧. પછી તેઓએ સોનાની વેદી નીલ રંગના વસ્ત્રોથી ઢાંકવી અને સીલના ચામડાના આવરણથી તેને ઢાંકે દઈને તેને ઊચકવાના દાંડાં તેમાં નાખે.
૧૨. પછી તેઓ સેવાની સર્વ સામગ્રી કે જે વડે તેઓ પવિત્રસ્થાનમાં સેવા કરે છે તે લે અને નીલ રંગનાં વસ્ત્રોમાં તે મૂકે. અને સીલનાં ચામડાંનું આવરણ કરીને ભૂંગળ તે પર મૂકે.
૧૩. અને તેઓએ વેદી પરથી રાખ કાઢી નાખવી અને તેના પર જાંબુડિયા રંગનું વસ્ત્ર ઢાંકવું.
૧૪. અને તેના પર તેઓ તેને માટે વપરાતી સર્વ સામગ્રી એટલે સગડીઓ, ત્રિપાંખિયાં તથા પાવડા, તપેલીઓ એટલે વેદીનાં સર્વ પાત્રો મૂકે; અને તેના પર તેઓ સીલ ચામડાનું આવરણ મૂકે. અને તેના ઉપાડવાના દાંડા તેમાં નાખે.
૧૫. હારુન અને તેના દીકરાઓ જ્યારે છાવણી ઉપાડવાની હોય તે સમયે પવિત્રસ્થાનને અને પવિત્રસ્થાનની સાધનસામગ્રીને ઢાંકે અને તે પછી કહાથના દીકરાઓ તે ઊંચકવા માટે આવે; પરંતુ તેઓએ કોઈ પણ પવિત્ર વસ્તુઓને સ્પર્શ કરવો નહિ, રખેને તેઓ મૃત્યુ પામે. મુલાકાતમંડપના સંબંધમાં કહાથના દીકરાઓને ઊંચકવાનું તે એ છે.
૧૬. અને હારુન યાજકના દીકરા એલાઝારનુ કામ આ છે; એટલે રોશનીને માટે તેલ, સુગંધી દ્રવ્ય નિત્યનું ખાર્દ્યાર્પણ તથા અભિષેક માટેનું તેલ તથા પવિત્રમંડપ અને તેમાંની સર્વ વસ્તુઓની સંભાળ તેઓએ રાખવાની છે."
૧૭. યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું કે,
૧૮. "લેવીઓમાંથી કહાથના કુટુંબોના કુળને કાઢી નાખવાં નહિ.
૧૯. પણ તેઓ પરમપવિત્ર વસ્તુઓની પાસે જઈ મૃત્યુ ન પામે પણ જીવતા રહે, તે માટે તમારે આ મુજબ કરવું.
૨૦. તેઓ પવિત્ર વસ્તુઓને જોવાને માટે બિલકુલ અંદર ન જાય, કેવળ હારુન અને તેના દીકરાઓ અંદર પ્રવેશ કરે હારુન તેના દીકરા કહાથીઓને પોતપોતાની જવાબદારી ઠરાવી આપે."
૨૧. યહોવાહે ફરી મૂસાને કહ્યું કે,
૨૨. ગેર્શોનના દીકરાના પિતૃઓના ઘર મુજબ તેઓનાં કુટુંબો મુજબ કુલ સંખ્યાની ગણતરી કર.
૨૩. મુલાકાતમંડપમાં સેવા કરવાના કામમાં હાજર હોય તેવા ત્રીસથી પચાસ વર્ષની ઉંમરના જે પુરુષો હોય તે સર્વની ગણતરી કરવી.
૨૪. સેવા કરવામાં તથા વસ્તુઓ ઊંચકવામાં ગેર્શોનીઓના કુટુંબોનું કામ એ છે.
૨૫. તેઓ મંડપના પડદા તથા મુલાકાતમંડપનું આચ્છાદાન તથા તેની ઉપર સીલ ચામડાનું આચ્છાદન તથા મુલાકાતમંડપના પ્રવેશદ્વારનો પડદો
૨૬. તથા આંગણાના પડદા, મંડપની પાસેના તથા વેદીની આસપાસના આંગણાના દરવાજાના બારણાનો પડદો, તેઓની દોરીઓ, તેના કામને લગતાં સર્વ ઓજારો તથા જે કંઈ તેઓથી બને તે તેઓ ઊંચકી લે અને તેના સંબંધમાં તેઓ સેવા કરે.
૨૭. ગેર્શોનીઓના દીકરાઓનું ભાર ઊંચકવાનું તથા સર્વ સેવાનું સઘળું કામ હારુન તથા તેના દીકરાઓની આજ્ઞા મુજબ થાય. અને તમે તેઓને ભાર ઊંચકવાનું તથા સેવાનું કામ ઠરાવી આપો.
૨૮. મુલાકાતમંડપમાં ગેર્શોનના દીકરાઓના કુટુંબોની સેવા આ છે. અને હારુન યાજકના દીકરા ઈથામારે તેઓના કામ પર દેખરેખ રાખવાની છે.
૨૯. અને મરારીના દીકરાઓની તેઓનાં પિતાઓના ઘર મુજબ તેઓનાં કુટુંબો મુજબ ગણતરી કરવાની છે.
૩૦. ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે સઘળા અંદર જઈને મુલાકાતમંડપમાં કામ કરવાને સેવામાં હાજર રહે છે તેઓની ગણતરી કર.
૩૧. અને મુલાકાતમંડપમાં તેઓની સર્વ સેવાના સંબંધમાં તેઓને સોંપેલું ભાર ઊંચકવાનું કામ એ છે. એટલે મંડપનાં પાટિયાં તથા તેના સ્થંભો તથા તેની કૂંભીઓ,
૩૨. અને આંગણાની ચારે બાજુના સ્તંભો તેની કૂંભીઓ તથા તેઓની ખીલીઓ તથા તેઓની દોરીઓ અને તેઓના ઓજારો સુદ્ધાં તથા તેની સાધનસામગ્રી અને તેઓને સોંપેલા ભારના ઓજારોના નામ દઈને તેઓને ગણીને સોંપો.
૩૩. મરારીના દીકરાઓનાં કુટુંબોનું કામ એટલે તેઓની સઘળી સેવા મુજબ મુલાકાતમંડપમાં હારુન યાજકના પુત્ર ઈથામારે દેખરેખ રાખવાની ફરજ બજાવવાની છે."
૩૪. અને મૂસા તથા હારુને અને જમાતના અન્ય આગેવાનોએ કહાથના દીકરાઓની ગણતરી તેઓનાં કુટુંબો મુજબ તથા તેઓના પિતાઓનાં ઘર મુજબ કરી.
૩૫. એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે દરેક મુલાકાતમંડપમાં કામ કરવાને સેવામાં દાખલ થયા
૩૬. તેઓની ગણતરી તેઓનાં કુટુંબો મુજબ બે હજાર સાતસો પચાસ પુરુષોની થઈ.
૩૭. કહાથીઓના કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ એટલે કે જે સર્વ મુલાકાતમંડપમાં સેવા કરતા હતા તથા મૂસાની મારફતે અપાયેલી યહોવાહની આજ્ઞા અનુસાર જેઓની ગણતરી મૂસા અને હારુને કરી તેઓ એ છે.
૩૮. એ જ રીતે ગેર્શોનના દીકરાઓની ગણતરી તેઓના કુટુંબો મુજબ તથા તેઓનાં પિતાઓનાં કુટુંબો મુજબ કરી.
૩૯. એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉંમરના જે દરેક મુલાકાતમંડપની સેવાના કામમાં દાખલ થયા હતા.
૪૦. તેઓની ગણતરી તેઓનાં કુટુંબ મુજબ તેઓના પિતાઓના ઘર મુજબ બે હજાર છસો ત્રીસ થઈ.
૪૧. ગેર્શોનના દીકરાઓનાં કુટુંબોમાં જેઓની ગણતરી થઈ એટલે કે સર્વ મુલાકાતમંડપમાં સેવા કરતા હતા તથા જેઓની ગણતરી યહોવાહે આપેલી આજ્ઞા મુજબ મૂસા અને હારુને કરી તેઓ એ છે.
૪૨. મરારીના દીકરાઓનાં કુટુંબોમાંના જેઓની ગણતરી તેઓના પિતાઓનાં ઘર મુજબ થઈ,
૪૩. એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉંમરના જે દરેક મુલાકાતમંડપમાં સેવા કરવાના કામમાં દાખલ થયા હતા,
૪૪. તેઓની ગણતરી તેઓના કુટુંબ મુજબ ત્રણ હજાર બસોની થઈ.
૪૫. મરારીના દીકરાઓનાં કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ એટલે જેઓની ગણતરી મૂસાની હસ્તક અપાયેલી યહોવાહની આજ્ઞા મુજબ મૂસાએ અને હારુને કરી તેઓ એ છે.
૪૬. લેવીઓમાં જે સર્વની ગણતરી મૂસાએ તથા હારુને તથા ઇઝરાયલના આગેવાનોએ તેઓના કુટુંબો મુજબ, તેઓનાં પિતૃઓનાં ઘર મુજબ કરી.
૪૭. એટલે કે ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે દરેક મુલાકાતમંડપની સેવાના કામમાં તથા વસ્તુઓ ઊંચકવાનું કામ કરવા માટે દાખલ થયા હતા
૪૮. તેઓની ગણતરી આઠ હજાર પાંચસો એંસી પુરુષોની થઈ.
૪૯. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓની ગણતરી કરી. તેઓમાંના દરેકની ગણતરી તેઓનાં કામ મુજબ તથા તેઓના ઊંચકવાના બોજા મુજબ મૂસાની મારફતે યહોવાહની આજ્ઞા મુજબ કરવામાં આવી.

ગીતશાસ્ત્ર ૩૦:૧-૭
૧. હે યહોવાહ, હું તમને મોટા માનીશ, કારણ કે તમે મને ઊંચો કર્યો છે અને તમે મારા શત્રુઓને મારા પર હર્ષ પામવા દીધા નથી.
૨. હે યહોવાહ, મારા ઈશ્વર, મેં તમને સહાયને માટે અરજ કરી અને તમે મને સાજો કર્યો છે.
૩. હે યહોવાહ, તમે મારા જીવને શેઓલમાંથી કાઢી લાવ્યા છો; તમે મને જીવતો રાખ્યો છે અને મને કબરમાં પડવા દીધો નથી.
૪. હે યહોવાહના વિશ્વાસુ ભક્તો, તેમનાં સ્તોત્ર ગાઓ! તેમના પવિત્ર નામની આભારસ્તુતિ કરો.
૫. તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે; પણ તેમની કૃપા જીવનભર છે. રુદન રાત પર્યંત રહે છે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
૬. હું નિર્ભય હતો, ત્યારે મેં કહ્યું હતું, "હું કદી ડગીશ નહિ."
૭. હે યહોવાહ, તમે મારા પર કૃપા કરીને મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે; પણ જ્યારે તમે મારાથી મુખ ફેરવ્યું, ત્યારે હું ભયભીત થયો.

ઉકિતઓ ૧૦:૩૦-૩૨
૩૦. સદાચારીઓને કદી ખસેડવામાં આવશે નહિ, પરંતુ દુષ્ટો દેશમાં કાયમ રહેશે નહિ.
૩૧. સદાચારીઓનું મુખ ડહાપણ પ્રગટ કરે છે, પરંતુ હઠીલી જીભનો નાશ કરવામાં આવશે.
૩૨. સંતોષકારક અને ઉચિત શું છે તે સદાચારીના હોઠ જાણે છે. પણ દુષ્ટ પોતાને મુખે અવળું બોલે છે.

ચિહ્ન ૮:૧-૨૧
૧. તે દિવસોમાં જયારે ફરી અતિ ઘણાં લોકો હતા અને તેઓની પાસે કંઈ ખાવાનું ન હતું, ત્યારે ઈસુ પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહે છે કે,
૨. 'લોકો પર મને અનુકંપા આવે છે, કેમ કે ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે અને તેઓની પાસે કશું ખાવાનું નથી;
૩. અને જો હું તેઓને ભૂખ્યા ઘરે મોકલું તો રસ્તામાં તેઓ થાકીને પડી જશે; વળી તેઓમાંના કેટલાક તો દૂરથી આવ્યા છે.'
૪. શિષ્યોએ ઈસુને જવાબ આપ્યો કે, 'અહીં અરણ્યમાં ક્યાંથી કોઈ એટલા બધાને રોટલીથી તૃપ્ત કરી શકે?'
૫. ઈસુએ તેઓને પૂછ્યું કે, 'તમારી પાસે કેટલી રોટલીઓ છે?' તેઓએ કહ્યું, 'સાત.'
૬. ઈસુએ લોકોને જમીન પર બેસવાનો આદેશ આપ્યો; અને સાત રોટલીઓ લઈને તેમણે સ્તુતિ કરીને ભાંગી અને વહેંચવા સારુ પોતાના શિષ્યોને આપી; અને તેઓએ તે લોકોને પીરસી.
૭. તેઓની પાસે થોડી નાની માછલીઓ પણ હતી; અને ઈસુએ તેના પર આશીર્વાદ માગીને તે પણ લોકોને પીરસવાનું કહ્યું.
૮. લોકો ખાઈને તૃપ્ત થયા; અને બાકી વધેલા ટુકડાંઓથી સાત ટોપલીઓ ભરાઈ. તે તેઓએ ઉઠાવી.
૯. [જમનારાં] આશરે ચાર હજાર લોકો હતા; અને ઈસુએ તેઓને વિદાય કર્યાં.
૧૦. તરત પોતાના શિષ્યો સાથે હોડી પર ચઢીને ઈસુ દલમાનુથાની પ્રદેશમાં આવ્યા.
૧૧. ત્યારે ત્યાં ફરોશીઓ આવી પહોંચ્યા અને ઈસુની કસોટી કરતાં તેમની પાસે સ્વર્ગમાંથી ચમત્કારિક ચિહ્ન માગીને તેમની સાથે વિવાદ કરવા લાગ્યા.
૧૨. પોતાના આત્મામાં ઊંડો નિસાસો નાખીને ઈસુ કહે છે કે, 'આ પેઢી ચમત્કારિક ચિહ્ન કેમ માગે છે? હું તેમને નિશ્ચે કહું છું કે, આ પેઢીને કંઈ જ ચમત્કારિક ચિહ્ન અપાશે નહિ.'
૧૩. તેઓને ત્યાં જ રહેવા દઈને ઈસુ પાછા હોડીમાં બેસીને સામે કિનારે ગયા.
૧૪. તેઓ રોટલી લાવવાનું ભૂલી ગયા હતા; અને તેઓની પાસે હોડીમાં એક કરતાં વધારે રોટલી નહોતી.
૧૫. ઈસુએ તેઓને આજ્ઞા આપીને કહ્યું કે, 'જોજો, ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધાન રહેજો.'
૧૬. તેઓએ અંદરોઅંદર વાતો કરીને કહ્યું કે, 'આપણી પાસે રોટલી નથી.'
૧૭. તે જાણીને ઈસુ તેઓને કહે છે કે, 'તમારી પાસે રોટલી નથી તે માટે તમે કેમ વિવાદ કરો છો? હજી સુધી શું તમે જાણતા કે સમજતા નથી? શું તમારાં મન કઠણ થયાં છે?
૧૮. તમને આંખો હોવા છતાં શું તમે દેખતા નથી? અને કાનો છતાં, શું તમે સાંભળતાં નથી? અને શું યાદ રાખતાં નથી?
૧૯. જયારે પાંચ હજારને સારુ પાંચ રોટલી મેં ભાંગી, ત્યારે તમે ટુકડાંઓથી ભરેલી કેટલી ટોપલીઓ ઉઠાવી?' તેઓ ઈસુને કહે છે કે, 'બાર ટોપલીઓ.'
૨૦. 'જયારે ચાર હજારને સારુ સાત રોટલી પીરસી ત્યારે તમે ટુકડાંઓથી ભરેલી કેટલી ટોપલીઓ ઉઠાવી'? તેઓએ કહ્યું કે 'સાત ટોપલી.'
૨૧. ઈસુએ તેઓને કહ્યું 'શું તમે હજી નથી સમજતા?'