A A A A A
એક વર્ષમાં બાઇબલ
કુચ ૨

નંબર્સ ૧:૧-૫૪
૧. સિનાઈના અરણ્યમાં મુલાકાતમંડપમાં યહોવાહે મૂસાની સાથે વાત કરી. ઇઝરાયલીઓ મિસર દેશમાંથી રવાના થયા ત્યાર પછી બીજા વર્ષના બીજા મહિનાના પ્રથમ દિવસે આ બન્યું. યહોવાહે મૂસાને કહ્યું કે,
૨. "ઇઝરાયલપુત્રોના સમગ્ર કુળ પ્રમાણે તથા તેમના પિતાઓનાં કુટુંબ મુજબ તથા તેઓનાં નામ મુજબ દરેક પુરુષની ગણતરી કર.
૩. જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉંમરના હોય અને ઇઝરાયલીપુત્રોમાંના જેટલા લડાઈમાં જવાને માટે લાયક હોય તેમની ગણતરી તેમનાં સૈન્ય મુજબ તું તથા હારુન કરો.
૪. અને દરેક કુળમાંનો એક પુરુષ જે તેના કુળનો મુખ્ય હોય, તે કુળના આગેવાન તરીકે તમારી સાથે રહે. તેઓએ દરેકે પોતાના કુળના પુરુષોને લડાઈમાં આગેવાની આપવી.
૫. તમારી સાથે લડાઈ કરનારા આગેવાનોનાં નામ નીચે મુજબ છે; રુબેનના કુળમાંથી શદેઉરનો દીકરો અલીસૂર.
૬. શિમયોનના કુળમાંથી સૂરિશાદ્દાયનો દીકરો શલુમિયેલ.
૭. યહૂદાના કુળમાંથી આમિનાદાબનો દીકરો નાહશોન.
૮. ઇસ્સાખારના કુળમાંથી સુઆરનો દીકરો નથાનિયેલ.
૯. ઝબુલોનના કુળમાંથી હેલોનનો દીકરો અલિયાબ.
૧૦. યૂસફના દીકરાઓમાં એફ્રાઇમના કુળમાંથી આમિહુદનો દીકરો એલિશામા. અને મનાશ્શાના કુળમાંથી પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ.
૧૧. બિન્યામીનના કુળમાંથી ગિદોનીનો દીકરો અબીદાન.
૧૨. દાનનાં કુળમાંથી આમિશાદ્દાયનો દીકરો અહીએઝેર.
૧૩. આશેરના કુળમાંથી ઓક્રાનનો દીકરો પાગિયેલ.
૧૪. ગાદના કુળમાંથી દુએલનો દીકરો એલિયાસાફ.
૧૫. નફતાલીના કુળમાંથી એનાનનો દીકરો અહીરા."
૧૬. જે લોકોને પસંદ કરાયા તેઓ એ પુરુષો હતા. તેઓ તેમના પૂર્વજોના કુટુંબના અધિપતિઓ હતા. તેઓ ઇઝરાયલ કુળના આગેવાનો હતા.
૧૭. જે પુરુષોનાં નામ અહીં આપેલાં છે, તેઓને મૂસાએ અને હારુને લીધા.
૧૮. અને બીજા મહિનાના પ્રથમ દિવસે તેમણે સમગ્ર ઇઝરાયલના પુરુષોને એકત્ર કરી અને તેઓએ તેઓનાં કુટુંબો પ્રમાણે અને તેઓના પિતૃઓનાં કુળ અનુસાર વીસ વર્ષ કે તેથી વધારે વર્ષની ઉંમરના સર્વ પુરુષોનાં નામની વંશાવળીની યાદી કરી સંભળાવી.
૧૯. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ સિનાઈના અરણ્યમાં તેઓની ગણતરી કરી.
૨૦. અને ઇઝરાયલના જયેષ્ઠ પુત્ર રુબેનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ તેઓના નામની સંખ્યા પ્રમાણે માથાદીઠ વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લશ્કરમાં જોડાવા શક્તિમાન હતા,
૨૧. તેઓની ગણતરી રુબેનના કુળમાં છેંતાળીસ હજાર પાંચસો પુરુષોની થઈ.
૨૨. શિમયોનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, તેઓની ગણતરી થઈ. અને વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જોડાવા શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ માથાદીઠ ગણતરી થઈ.
૨૩. તેઓની ગણતરી શિમયોનના કુળમાં ઓગણસાઠ હજાર ત્રણસો પુરુષોની થઈ.
૨૪. ગાદના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ.
૨૫. તેઓની ગણતરી, ગાદના કુળમાં, પિસ્તાળીસ હજાર છસો પચાસ પુરુષોની થઈ.
૨૬. યહૂદાના વંશમાં તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ
૨૭. તેઓની ગણતરી યહૂદાના કુળમાં ચુંમોતેર હજાર છસો પુરુષોની થઈ.
૨૮. ઇસ્સાખારનાં વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ
૨૯. તેઓની ગણતરી ઇસ્સાખારના કુળમાં ચોપન હજાર ચારસો પુરુષોની થઈ.
૩૦. ઝબુલોનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ
૩૧. તેઓની ગણતરી ઝબુલોનના કુળમાં સતાવન હજાર ચારસો પુરુષોની થઈ.
૩૨. યૂસફના દીકરાઓના એટલે એફ્રાઇમના વંશમાં, તેઓના કુટુંબો તથા તેઓનાં પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા. તેઓનાં નામની સંખ્યા મુજબ
૩૩. તેઓની ગણતરી એફ્રાઇમના કુળમાં ચાળીસ હજાર પાંચસો પુરુષોની થઈ.
૩૪. મનશ્શાનાં વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ
૩૫. તેઓની ગણતરી મનાશ્શાના કુળમાં બત્રીસ હજાર બસો પુરુષોની થઈ.
૩૬. બિન્યામીનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ.
૩૭. તેઓની ગણતરી બિન્યામીનના કુળમાં પાંત્રીસ હજાર ચારસો પુરુષોની થઈ.
૩૮. દાનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘરની સંખ્યા મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ
૩૯. દાનના કુળની ગણતરી બાસઠ હજાર સાતસોની થઈ.
૪૦. આશેરના વંશમાં, તેઓના કુટુંબો તથા તેઓનાં પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ
૪૧. તેઓની ગણતરી આશેરના કુળમાં, એક્તાળીસ હજાર પાંચસોની થઈ.
૪૨. નફતાલીનાં વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ
૪૩. તેઓની ગણતરી, નફતાલીના કુળમાં, ત્રેપન હજાર ચારસોની થઈ.
૪૪. જેઓની ગણતરી મૂસા, હારુન તથા ઇઝરાયલીઓના અધિપતિ બાર પુરુષોએ કરી તેઓ એ છે. તેઓ ઇઝરાયલના બાર કુળના અધિપતિ હતા.
૪૫. તેથી ઇઝરાયલીઓમાંના જે સર્વની ગણતરી તેઓનાં પિતાના ઘર મુજબ થઈ એટલે વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા.
૪૬. તેઓની ગણતરી છ લાખ ત્રણ હજાર પાંચસો પચાસની હતી.
૪૭. પણ તેઓ મધ્યે લેવીઓની તેઓના પિતાનાં કુળ મુજબ ગણતરી કરવામાં આવી નહિ.
૪૮. કેમ કે યહોવાહે મૂસાને કહ્યું કે,
૪૯. 'તારે લેવીના કુળની ગણતરી કરવી નહિ અને ઇઝરાયલીઓમાં તેઓની કુલ સંખ્યા તારે નક્કી કરવી નહિ.'
૫૦. તેના બદલામાં તું લેવીઓને કરારમંડપ પર તથા તેના બધા સામાન પર તથા તેને લગતી સઘળી બાબતો પર ઠરાવ; તેઓ મંડપને તથા તેના સર્વ સરસામાનને ઊંચકી લે; અને તેઓ તેની સંભાળ રાખે અને મંડપની ચારે બાજુ છાવણી કરે.
૫૧. જ્યારે મંડપને બીજી જગ્યાએ લઈ જવાનો સમય થાય, ત્યારે લેવીઓએ તેને પાડવાનો અને ફરીથી ઊભો કરવાનો થાય, ત્યારે લેવીઓ તેને ઊભો કરે; અને એ કુળ સિવાયનો કોઈ પુરુષ નજીક આવે તો તે માર્યો જાય.
૫૨. અને ઇઝરાયલપુત્રો, દરેક પુરુષ પોતપોતાની છાવણી પાસે અને દરેક પુરુષ પોતપોતાની ધજા પાસે પોતાનાં સૈન્ય પ્રમાણે પોતપોતાનો તંબુ ઊભો કરે.
૫૩. જો કે, લેવીઓએ પવિત્રમંડપની આસપાસ જ પોતાની છાવણી નાખવી કે જેથી ઇઝરાયલના લોકો પર કંઈ કોપ ન આવે; અને લેવીઓ સાક્ષ્યોના મંડપની સંભાળ રાખે.
૫૪. ઇઝરાયલના લોકોએ એ પ્રમાણે કર્યું; યહોવાહે મૂસાની મારફતે જે સર્વ આજ્ઞા આપી હતી, તે મુજબ તેઓએ કર્યું.

નંબર્સ ૨:૧-૩૪
૧. યહોવાહ ફરીથી મૂસા તથા હારુનને કહ્યું કે,
૨. "ઇઝરાયલપુત્રોમાંનો દરેક પુરુષ પોતાના સૈન્યના જૂથનાં નિશાન સાથે પોતાની અલગ ધજાની પાસે છાવણી કરે. મુલાકાતમંડપ સામે બાજુ તેઓ છાવણી કરે.
૩. યહૂદાની છાવણીની ધજાવાળા પોતાનાં સૈન્યો મુજબ પૂર્વ તરફ છાવણી કરે, અને આમ્મીનાદાબનો દીકરો નાહશોન યહૂદાના દીકરાઓનો આગેવાન થાય.
૪. યહૂદાના સૈન્યમાં ચુંમોતેર હજાર છસો પુરુષો હતા.
૫. તેના પછી ઇસ્સાખારનું કુળ છાવણી કરે; સુઆરનો દીકરો નથાનિયેલ ઇસ્સાખારના દીકરાઓનો અધિપતિ થાય.
૬. તેના સૈન્યમાં એટલે તેમાંના જેઓની ગણતરી થઈ છે તેઓ ચોપન હજાર ચારસો પુરુષો હતા.
૭. ઝબુલોનનું કુળ ઇસ્સાખારની બાજુમાં છાવણી કરે. હેલોનનો દીકરો અલિયાબ તે ઝબુલોનના દીકરાઓનો અધિપતિ થાય.
૮. તેના સૈન્યમાં તેઓમાંના જેઓની ગણતરી થઈ છે તેઓ સતાવન હજાર પુરુષો હતા.
૯. યહૂદાની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ, પોતાના સૈન્યો મુજબ એક લાખ છયાસી હજાર ચારસો પુરુષો હતા. તેઓ છાવણીમાંથી પ્રથમ ચાલી નીકળે.
૧૦. રુબેનની છાવણીની ધજા પોતાનાં સૈન્યો મુજબ દક્ષિણની બાજુએ રહે. અને શદેઉરનો દીકરો અલીસૂર તે રુબેનના સૈન્યની આગેવાની કરે.
૧૧. રુબેનના સૈન્યમાં છેંતાળીસ હજાર પાંચસો પુરુષો હતા.
૧૨. તેની પાસે શિમયોનનું કુળ છાવણી કરે અને સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ તે શિમયોનના સૈન્યનો અધિપતિ થાય.
૧૩. શિમયોનના સૈન્યમાં ઓગણસાઠ હજાર ત્રણસો પુરુષો હતા.
૧૪. તે પછી ગાદનું કુળ. રેઉએલનો દીકરો એલ્યાસાફ તે ગાદના સૈન્યનો આગેવાન થાય.
૧૫. ગાદના સૈન્યમાં પિસ્તાળીસ હજાર છસો પચાસ પુરુષો હતા.
૧૬. રુબેનની છાવણી પાસે બધા સૈન્ય મળીને કુલ એક લાખ એકાવન હજાર ચારસો પચાસ પુરુષો છાવણી કરે. તેઓ છાવણીમાંથી બીજે ક્રમે કૂચ કરે.
૧૭. એ પછી, છાવણીઓની વચ્ચેની લેવીઓની છાવણી સાથે મુલાકાતમંડપ બહાર આવે. જેમ તેઓ છાવણીમાં રહે છે તેમ તેઓ પોતપોતાની જગ્યાએ પોતાની ધજા પાસે રહીને બહાર ચાલે.
૧૮. એફ્રાઇમની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ પશ્ચિમ બાજુએ રહે. અને આમિહૂદનો દીકરો એલીશામા તે એફ્રાઇમના દીકરાઓનો આગેવાન થાય.
૧૯. એફ્રાઇમના સૈન્યમાં ચાળીસ હજાર પાંચસો પુરુષો હતા.
૨૦. તેની પાસે મનાશ્શાનું કુળ રહે. અને પદાહસૂરનો પુત્ર ગમાલ્યેલ તે મનાશ્શાના દીકરાઓનો આગેવાન થાય.
૨૧. મનાશ્શાના સૈન્યમાં બત્રીસ હજાર બસો પુરુષો હતા.
૨૨. તે પછી બિન્યામીનનું કુળ; અને ગિદિયોનનો પુત્ર અબીદાન તે બિન્યામીનના દીકરાઓનો આગેવાન થાય.
૨૩. મનાશ્શાના સૈન્યમાં પાંત્રીસ હજાર ચારસો પુરુષો હતા.
૨૪. એફ્રાઇમની છાવણીમાં જે બધાની ગણતરી થઈ તેઓ, પોતાનાં સૈન્યો મુજબ, એક લાખ આઠ હજાર એકસો હતા. તેઓ ત્રીજા ક્રમે કૂચ કરે.
૨૫. દાનની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ઉત્તર બાજુએ રહે. અને આમ્મીશાદાયનો દીકરો અહીએઝેર તે દાનના દીકરાઓનો આગેવાન થાય.
૨૬. દાનના સૈન્યમાં બાસઠ હજાર સાતસો પુરુષો હતા.
૨૭. તેની પાસે આશેરનું કુળ છાવણી કરે. અને ઓક્રાનનો દીકરો પાગિયેલ તેનો આગેવાન થાય.
૨૮. આશેરના સૈન્યમાં એકતાળીસ હજાર પાંચસો પુરુષો હતા.
૨૯. તે પછી નફતાલીનું કુળ. અને એનાનનો દીકરો અહીરા તે નફતાલીના દીકરાઓનો આગેવાન થાય.
૩૦. નફતાલીના સૈન્યમાં ત્રેપન હજાર ચારસો પુરુષો હતા.
૩૧. દાનની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ એક લાખ સતાવન હજાર છસો હતા. તેઓ પોતાની ધજા સાથે પાછળ ચાલી નીકળે.
૩૨. મૂસા અને હારુને પોતાનાં પૂર્વજોનાં કુળો મુજબ ગણતરી કરી તેઓમાં ઇઝરાયલપુત્રોના સૈન્યમાં છ લાખ ત્રણ હજાર પાંચસો પચાસ પુરુષો હતા.
૩૩. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસા અને હારુને ઇઝરાયલપુત્રોમાંના લેવીઓની ગણતરી કરી નહિ.
૩૪. યહોવાહે મૂસાને જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે મુજબ ઇઝરાયલના લોકોએ કર્યું. તેઓએ પોતપોતાની ધજાઓ પાસે છાવણી કરી. અને તે જ પ્રમાણે તેઓ પ્રત્યેક પોતપોતાના કુટુંબ સાથે પોતપોતાનાં ઘર પ્રમાણે કૂચ આરંભી.

ગીતશાસ્ત્ર ૨૯:૭-૧૧
૭. યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે.
૮. યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે; યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે.
૯. યહોવાહના અવાજથી હરણીઓના ગર્ભ ગળી જાય છે; ઝાડીઓનાં ડાળાપાંખડાં તૂટી પડે છે; પણ તેમના પવિત્રસ્થાનમાં સર્વ લોકો કહે છે, "તેમને મહિમા હો!"
૧૦. યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા; યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે.
૧૧. યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે; યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.

ઉકિતઓ ૧૦:૨૬-૨૯
૨૬. જેમ દાંતને કડવું પીણું અને આંખોને ધુમાડો આફત રૂપ છે, તેમ આળસુ પોતાને કામ પર મોકલનારને આફતરૂપ છે.
૨૭. યહોવાહનો ભય આયુષ્ય વધારે છે, પણ દુષ્ટોનાં વર્ષો ઘટાડવામાં આવશે.
૨૮. સદાચારીની આશાનું પરિણામ આનંદ છે, પણ દુષ્ટોની આશા નિષ્ફળ જશે.
૨૯. જેઓ પ્રામાણિકતાથી જીવે છે, તેઓના માટે યહોવાહનો માર્ગ કિલ્લારૂપ છે, પણ તે દુષ્ટોને વિનાશરૂપ છે.

ચિહ્ન ૭:૧૪-૩૭
૧૪. લોકોને ફરી પોતાની પાસે બોલાવીને ઈસુએ તેઓને કહ્યું કે, 'તમે બધા મારું સાંભળો તથા સમજો.
૧૫. માણસની બહારથી તેનામાં પ્રવેશીને તેને ભ્રષ્ટ કરી શકે, એવું કંઈ નથી; પણ માણસમાંથી જે નીકળે છે, તે જ માણસને ભ્રષ્ટ કરે છે.
૧૬. જો કોઈને સાંભળવાને કાન છે તો તે સાંભળે.
૧૭. જયારે લોકોની પાસેથી જઈને ઈસુ ઘરમાં ગયા, ત્યારે તેમના શિષ્યોએ એ દૃષ્ટાંત સંબંધી ઈસુને પૂછ્યું.
૧૮. ઈસુ તેઓને કહે છે કે, 'તમે પણ શું એવા અણસમજુ છો? તમે જાણતા નથી કે, બહારથી માણસમાં જે કંઈ પેસે છે તે તેને ભ્રષ્ટ કરી શકતું નથી?
૧૯. કેમ કે તેના હૃદયમાં તે પેસતું નથી, પણ પેટમાં; અને તે નીકળીને શરીરની બહાર જાય છે;' [એવું કહીને] ઈસુએ સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યાં.
૨૦. વળી તેમણે કહ્યું કે, 'માણસમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે.
૨૧. કેમ કે અંદરથી, એટલે માણસોના હૃદયમાંથી ખરાબ વિચારો નીકળે છે, એટલે વ્યભિચાર, ચોરીઓ, હત્યાઓ,
૨૨. વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામવૃત્તિ, અદેખાઇ, નિંદા, અભિમાન, મૂર્ખાઈ.
૨૩. એ બધી ખરાબ બાબતો અંદરથી નીકળે છે અને તે માણસને ભ્રષ્ટ કરે છે.
૨૪. પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનની પ્રદેશમાં ગયા. અને તેઓ એક ઘરમાં પ્રવેશ્યા અને કોઈ ન જાણે તેવું તેઓ ઇચ્છતા હતા; પણ તે ગુપ્ત રહી શક્યા નહિ.
૨૫. કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો, તે ઈસુ વિષે સાંભળીને આવી અને તેમના પગે પડી.
૨૬. તે સ્ત્રી ગ્રીક હતી અને સિરિયાનાં ફિનીકિયા કુળની હતી. તેણે પોતાની દીકરીમાંથી ભૂતને કાઢવાને તેમને વિનંતી કરી.
૨૭. પણ ઈસુએ તેને કહ્યું કે, 'છોકરાંને પહેલાં ધરાવા દે; કેમ કે છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે ઉચિત નથી.'
૨૮. પણ સ્ત્રીએ તેમને ઉત્તર આપ્યો કે, 'હા, પ્રભુ, કૂતરાં પણ મેજ નીચેથી છોકરાંનાં પડેલા ખોરાકના કકડામાંથી ખાય છે'.
૨૯. ઈસુએ તેને કહ્યું કે, 'આ વાતને લીધે જા; તારી દીકરીમાંથી દુષ્ટાત્મા નીકળી ગયો છે.'
૩૦. તેણે પોતાને ઘરે આવીને જોયું કે, 'છોકરી ખાટલા પર સૂતેલી હતી અને દુષ્ટાત્મા નીકળી ગયો હતો.'
૩૧. ફરી તૂરની સીમોમાંથી નીકળીને, સિદોનમાં થઈને દસનગરની સીમોની મધ્યે થઈને ઈસુ ગાલીલના સમુદ્રની પાસે આવ્યા.
૩૨. લોકો એક મૂક-બધિરને તેમની પાસે લાવ્યા અને તેના પર હાથ મૂકવાને તેમને વિનંતી કરી.
૩૩. ઈસુએ લોકો પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી નાખી અને તેની જીભ પર પોતાનું થૂંક લગાડ્યું;
૩૪. અને સ્વર્ગ તરફ જોઈને તેમણે નિસાસો નાખ્યો અને કહ્યું કે, 'એફફથા,' એટલે 'ઊઘડી જા.'
૩૫. તરત તેના કાનો ઊઘડી ગયા, તેની જીભનું બંધન છૂટ્યું. તે સ્પષ્ટ રીતે બોલતો થયો.
૩૬. ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, 'તમારે કોઈને કહેવું નહિ;' પણ જેમ જેમ તેમણે વધારે આજ્ઞા કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું.
૩૭. લોકો વધારે અચંબો પામ્યા અને બોલ્યા કે, 'તેમણે બધું સારું જ કર્યું છે; તેઓ બધિરોને સાંભળતાં અને મૂકજનોને બોલતાં કરે છે.