Instagram
English
A A A A A
ન્યાયાધીશો ૩:૧-૩૧
૧. કનાન દેશની લડાઈઓનો જેમને અનુભવ થયો નહોતો તેવા ઇઝરાયલીઓની ક્સોટી કરવા માટે પ્રભુએ દેશમાં કેટલીક અન્ય પ્રજાઓને યથાવત્ રહેવા દીધી.
૨. ઇઝરાયલીઓની પ્રત્યેક પેઢીના લોકો અને તેમાંય વિશેષે કરીને જેઓ પહેલાં ક્યારેય યુદ્ધમાં ગયા ન હોય તેમને તેમણે લડાઈનો અનુભવ આપવા માટે એ પ્રજાઓને રહેવા દીધી.
૩. દેશમાં બાકી રહેલી પ્રજાઓમાં પલિસ્તીઓનાં પાંચ નગરોના લોકો, કનાનીઓ, સિદોનીઓ અને બઆલ- હેર્મોન પર્વતથી છેક હમાથના ઘાટ સુધી લબાનોનના પર્વતપ્રદેશમાં રહેતા હિવ્વીઓ હતા.
૪. પ્રભુએ મોશે દ્વારા ઇઝરાયલીઓના પૂર્વજોને આપેલી આજ્ઞાઓનું ઇઝરાયલીઓ પાલન કરશે કે નહિ તે જાણવા તેમની ક્સોટી કરવા માટે એ પ્રજાઓ હતી.
૫. એ રીતે ઇઝરાયલી લોકો કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓમાં વસ્યા.
૬. તેમણે તેમની સાથે લગ્નસંબંધો બાંયા અને તેમના દેવોની પૂજા કરી.
૭. ઇઝરાયલીઓએ પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું; તેઓ તેમના ઈશ્વર પ્રભુને વીસરી ગયા અને બઆલ તથા અશેરાની મૂર્તિઓની પૂજા કરી.
૮. તેથી ઇઝરાયલ પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો અને તેમણે તેમને મેસોપોટેમિયાના રાજા કૂશાન-રિશઆથાઈમને સ્વાધીન કરી દીધા, અને તેઓ આઠ વર્ષ સુધી તેના તાબામાં રહ્યા.
૯. પછી ઇઝરાયલીઓએ પ્રભુને સહાય માટે પોકાર કર્યો, એટલે તેમને મુક્ત કરવાને પ્રભુએ એક માણસ ઊભો કર્યો. એ માણસ તો કાલેબના નાના ભાઈ કનાઝનો પુત્ર ઓથ્નીએલ હતો.
૧૦. તેના પર પ્રભુનો આત્મા આવ્યો અને તે ઇઝરાયલનો ન્યાયાધીશ બન્યો. ઓથ્નીએલ લડાઈ કરવા ગયો. પ્રભુએ તેને મેસોપોટેમિયાના રાજા પર વિજય પમાડયો.
૧૧. દેશમાં ચાલીસ વર્ષ સુધી શાંતિ રહી. પછી કનાઝનો પુત્ર ઓથ્નીએલ મૃત્યુ પામ્યો.
૧૨. ઇઝરાયલીઓએ ફરીથી પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું. ઇઝરાયલીઓના દુરાચરણને લીધે પ્રભુએ ઇઝરાયલ કરતાં મોઆબના રાજા એગ્લોનને વધુ સબળ કર્યો.
૧૩. એગ્લોને આમ્મોની અને અમાલેકીઓનો સાથ મેળવીને ઇઝરાયલીઓ પર ચડાઈ કરીને ખજૂરીઓનું નગર યરીખો જીતી લીધું.
૧૪. અઢાર વર્ષ સુધી ઇઝરાયલીઓ એગ્લોનના તાબામાં રહ્યા.
૧૫. પછી ઇઝરાયલીઓએ પ્રભુને સહાય માટે પોકાર કર્યો, એટલે તેમણે તેમને છોડાવવા એક માણસને ઊભો કર્યો. એ તો બિન્યામીનના કુળના ગેરાનો પુત્ર એહૂદ હતો; તે ડાબોડી હતો. ઇઝરાયલના લોકોએ એહૂદને ભેટસોગાદો સાથે મોઆબના રાજા એગ્લોન પાસે મોકલ્યો.
૧૬. એહૂદે પોતાને માટે લગભગ દોઢ ફૂટ લાંબી એવી એક બેધારી તલવાર બનાવી. તેણે તેને પોતાની જમણી બાજુએ વસ્ત્રોની નીચે બાંધી લીધી હતી.
૧૭. પછી તેણે એગ્લોન માટે ભેટસોગાદો લીધી. એગ્લોન તો બહુ જાડો હતો.
૧૮. એહૂદે તેને ભેટસોગાદ આપ્યા પછી તરત જ એ ભેટસોગાદ ઊંચકનારા માણસોને પાછા ઘેર જવા કહ્યું.
૧૯. પણ એહૂદ પોતે તો ગિલ્ગાલમાં પથ્થરોમાં કંડારેલી મૂર્તિઓના સ્થળેથી એગ્લોન પાસે પાછો ફર્યો. તેણે તેને કહ્યું, “મહારાજા, મારે તમને એક ગુપ્ત સંદેશ કહેવો છે.” તેથી રાજાએ તેની તહેનાતમાં સેવા કરનારા સૌને કહ્યું, “અમને એકાંત આપો.” તેથી તેઓ સૌ બહાર ચાલ્યા ગયા.
૨૦. રાજા ઉપલે માળે ઠંડકવાળી ઓરડીમાં બેઠો હતો ત્યારે એહૂદે તેની પાસે જઈને કહ્યું, “મારી પાસે તમારે માટે ઈશ્વર તરફથી સંદેશો છે.” તેથી રાજા ઊભો થયો.
૨૧. એહૂદે પોતાનો ડાબો હાથ લંબાવીને પોતાની જમણી બાજુમાંથી તલવાર કાઢી રાજાના પેટમાં ભોંકી દીધી.
૨૨. આખી તલવાર તેના હાથા સાથે ધૂસી ગઈ અને તેના પર ચરબી ફરી વળી. એહૂદે રાજાના પેટમાંથી તેને ખેંચી કાઢી નહિ. તલવાર પછવાડે ફૂટી નીકળી હતી.
૨૩. પછી એહૂદ બહાર પરસાળમાં જતો રહ્યો અને પોતાની પાછળ ઓરડીનાં બારણાં બંધ કરી દઈ તેના પર કળ ચડાવી દીધી.
૨૪. પછી એહૂદ ચાલ્યો ગયો. રાજાના નોકરોએ આવીને જોયું તો બારણા પર કળ ચડાવી દીધેલી હતી; પણ તેમણે ધાર્યું કે રાજા ઠંડકવાળી ઓરડીમાં હાજતે ગયા હશે.
૨૫. તેમણે તેની લાંબો સમય રાહ જોઈ, એટલે સુધી કે તેઓ અકળાઈ ગયા; પણ તેણે તે ઓરડીનું બારણું ખોલ્યું નહિ. છેવટે તેમણે ચાવી લઈને બારણું ખોલી નાખ્યું, તો ત્યાં તેમનો માલિક ભોંય પર મરેલો પડયો હતો.
૨૬. તેઓ રાહ જોતા હતા એવામાં એહૂદ દૂર નીકળી ગયો. તે પથ્થરોમાં કંડારેલી મૂર્તિઓનું સ્થળ વટાવીને સેઈરા સુધી પહોંચી ગયો.
૨૭. એફ્રાઈમના પહાડી- પ્રદેશમાં તે આવી પહોંચ્યો એટલે ઇઝરાયલીઓને લડાઈમાં જવાની હાકલ પાડતાં તેણે રણશિંગડું વગાડયું; પછી તે તેમને લઈને પહાડીપ્રદેશમાંથી નીચે આવ્યો.
૨૮. તેણે તેમને કહ્યું, “મારી પાછળ આવો! પ્રભુએ તમને તમારા શત્રુ મોઆબીઓ પર વિજય પમાડયો છે. તેથી તેઓ એહૂદની પાછળ પાછળ ગયા, અને મોઆબીઓ નદી ઓળંગીને આવે એવા યર્દનના બધા આરા કબજે કરી લીધા અને કોઈને નદી પાર ઊતરવા દીધો નહિ.”
૨૯. તે દિવસે તેમણે સશક્ત અને શૂરવીર એવા દસ હજાર મોઆબી સૈનિકોનો સંહાર કર્યો; એકેયને છટકી જવા દીધો નહિ.
૩૦. એ દિવસે ઇઝરાયલીઓએ મોઆબીઓને હરાવ્યા, અને એંસી વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.
૩૧. તે પછીનો ન્યાયાધીશ આનાથનો પુત્ર શામ્ગાર હતો. તેણે એક પરોણીથી છસો પલિસ્તીઓને મારી નાખીને ઇઝરાયલનો બચાવ કર્યો.

ન્યાયાધીશો ૪:૧-૨૪
૧. એહૂદના અવસાન પછી ઇઝરાયલી લોકોએ પ્રભુની દૃષ્ટિમાં ફરીથી દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું.
૨. તેથી પ્રભુએ તેમને હાસોર નગરમાં રાજ કરતા કનાની રાજા યાબીનને સ્વાધીન કરી દીધા. એનો સેનાપતિ વિદેશીઓના હરોશેથનો રહેવાસી સીસરા હતો.
૩. યાબીન પાસે લોખંડના નવસો રથ હતા અને તેણે વીસ વર્ષ સુધી ઇઝરાયલ પર ભારે જુલમ ગુજાર્યો. પછી ઇઝરાયલી લોકોએ સહાયને માટે પ્રભુને પોકાર કર્યો.
૪. હવે લાપીદોથની પત્ની દબોરા એક સંદેશવાહિકા હતી અને તે સમયે તે ઇઝરાયલીઓની ન્યાયાધીશ હતી.
૫. એફ્રાઈમના પહાડીપ્રદેશમાં રામા અને બેથેલની વચ્ચે ‘દબોરાની ખજૂરી’ તરીકે ઓળખાતા વૃક્ષ નીચે તે બેસતી અને ઇઝરાયલી લોકો તેની પાસે ત્યાં ચુકાદા માટે જતા.
૬. એક દિવસે તેણે નાફતાલીના કુળપ્રદેશમાં આવેલા કેદેશ નગરમાંથી અબિનોઆમના પુત્ર બારાકને બોલાવડાવીને તેને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ તને આવી આજ્ઞા ફરમાવી છે: “નાફતાલી અને ઝબુલૂનનાં કુળોમાંથી દસ હજાર માણસોને તારી સાથે લઈને તાબોર પર્વત જા.
૭. હું યાબીનના સેનાપતિ સીસરાને તારી સામે લડવા કિશોન નદી આગળ લાવીશ. તેની પાસે તેના રથો અને સૈન્ય હશે, પણ હું તને તેના પર વિજય પમાડીશ.”
૮. બારાકે જવાબ આપ્યો, “જો તમે મારી સાથે આવો તો જ હું જઉં; પણ તમે ન આવો, તો હું જવાનો નથી.”
૯. દબોરાએ કહ્યું, “ભલે, હું તારી સાથે આવીશ, પણ તને વિજયનો જરાયે જશ મળશે નહિ; કારણ, પ્રભુ એક સ્ત્રીના હાથમાં સીસરાને સોંપી દેશે.” આમ દબોરા બારાક સાથે કેદેશ જવા ઊપડી.
૧૦. બારાકે ઝબુલૂન અને નાફતાલીનાં કુળોને કેદેશમાં બોલાવ્યા અને તેની આગેવાની નીચે દસ હજાર માણસો ગયા. દબોરા પણ તેની સાથે ગઈ.
૧૧. દરમ્યાનમાં, હેબેર કેનીએ કેદેશની નજીક સાઅનાન્‍નીમાં આવેલા એલોનવૃક્ષ નીચે પોતાનો તંબુ માર્યો. આમ, તે અન્ય કેનીઓ એટલે મોશેના સાળા હોબાબના વંશજોથી દૂર જતો રહ્યો.
૧૨. સીસરાને ખબર મળી કે અબિનોઆમના પુત્ર બારાકે તાબોર પર્વત પર પડાવ નાખ્યો છે.
૧૩. તેથી તેણે પોતાના નવસો લોખંડના રથો તથા પોતાના માણસોને બોલાવી મંગાવીને તેમને વિદેશીઓના હરોશેથથી કિશોન નદીએ મોકલ્યા.
૧૪. પછી દબોરાએ બારાકને કહ્યું, “જા, પ્રભુ તારા અગ્રેસર બન્યા છે. આજે તે સીસરાને તારે સ્વાધીન કરી દેશે.” તેથી બારાક અને તેની સરદારી હેઠળ દસ હજાર માણસો તાબોર પર્વત પરથી નીચે ઊતર્યા.
૧૫. બારાકનો ધસારો થતાં જ પ્રભુએ સીસરાને તથા તેના સર્વ રથો સહિતના સૈન્યમાં આતંક ફેલાવી દીધો. સીસરા પોતાના રથમાંથી ઊતરી પડયો અને દોડતો દોડતો નાસી છૂટયો.
૧૬. બારાકે છેક વિદેશીઓના હરોશેથ સુધી રથો તેમજ સૈન્યનો પીછો કર્યો અને સીસરાના આખા સૈન્યનો સંહાર થયો; એકેય બચ્યો નહિ.
૧૭. સીસરા દોડતાં દોડતાં હેબેર કેનીની પત્ની યાએલના તંબુએ નાસી ગયો; કારણ, હાસોરના રાજા યાબીન અને હેબેરના કુટુંબ વચ્ચે સલાહસંપ હતો.
૧૮. યાએલ સીસરાને મળવા બહાર ગઈ અને તેણે તેને કહ્યું, “મહાશય, મારા તંબુમાં આવો, ગભરાશો નહિ.” તેથી તે અંદર ગયો અને તેણે તેને એક ધાબળા વડે ઢાંકી દીધો.
૧૯. તેણે તેને કહ્યું, “મહેરબાની કરી મને થોડું પાણી પીવડાવ; કારણ, મને તરસ લાગી છે.” તેણે ચામડાની મશકમાંથી તેને દૂધ પાયું અને ફરી પાછો સંતાડી દીધો.
૨૦. પછી તેણે તેને કહ્યું, “તંબુના પ્રવેશદ્વાર આગળ ઊભી રહે, અને કોઈ આવીને પૂછે કે, ‘અહીં કોઈ છે?’ તો ના પાડજે.”
૨૧. સીસરા એટલો થાકી ગયો હતો કે તે ઘસઘસાટ ઊંઘી ગયો. પછી યાએલ એક હથોડો અને તંબુનો ખીલો લઈને ચૂપકીદીથી તેની પાસે ગઈ અને ખીલો તેની ખોપરીની આરપાર જમીન સુધી ઠોકી દીધો, એટલે તે મરી ગયો.
૨૨. જ્યારે બારાક સીસરાને શોધતો શોધતો આવ્યો ત્યારે યાએલ તેને મળવાને બહાર ગઈ અને તેને કહ્યું, “અંદર આવો, જેને તમે શોધો છો તે માણસ હું તમને બતાવીશ.” તેથી તે તેની સાથે અંદર તંબુમાં ગયો તો સીસરા જમીન પર મરેલો પડયો હતો અને તંબુનો ખીલો તેની ખોપરીની આરપાર ઠોકેલો હતો.
૨૩. એ દિવસે પ્રભુએ કનાની રાજા યાબીન પર ઇઝરાયલીઓને વિજય પમાડયો.
૨૪. ઇઝરાયલીઓ યાબીન વિરુદ્ધ વધુ ને વધુ પ્રબળ થતા ગયા અને છેવટે તેમણે તેનો નાશ કર્યો.

ગીતશાસ્ત્ર ૪૮:૯-૧૪
૯. હે ઈશ્વર, તમારા મંદિરમાં તમારા પ્રેમ વિશે અમે વિચાર કર્યો છે.
૧૦. હે ઈશ્વર, તમારા નામની જેમ જ તમારી સ્તુતિ પણ પૃથ્વીના છેડાઓ સુધી પ્રસરેલી છે; તમારો જમણો હાથ ઉદ્ધારક શક્તિથી ભરેલો છે.
૧૧. તમારાં ઉદ્ધારક કાર્યોને લીધે સિયોનના લોકો આનંદ માણો, અને યહૂદિયાના કુળપ્રદેશનાં નગરો હર્ષ પામો.
૧૨. હે ઈશ્વરના ભક્તો, સિયોનની પરિક્રમા કરતાં તેની આસપાસ ફરો, અને તેના મિનારાઓની ગણતરી કરો.
૧૩. તેના સંરક્ષક કોટોને ખૂબ યાનપૂર્વક નિહાળો, અને તેના દુર્ગોને બરાબર ચક્સો. જેથી તમે આગામી પેઢીને કહી શકો કે,
૧૪. “આ ઈશ્વર જ સદાને માટે આપણા ઈશ્વર છે; તે આપણને જીવનપર્યંત દોરશે.”

ઉકિતઓ ૧૪:૧૮-૧૯
૧૮. અબુધો પોતાને મૂર્ખતાથી શણગારે છે, પણ ચતુરો પોતાના શિરને જ્ઞાનરૂપી મુગટથી સજાવે છે.
૧૯. દુર્જનોને સજ્જનોના ચરણે ઝૂકવું પડે છે, અને દુષ્ટોને નેકજનોના દરવાજે થોભવું પડે છે.

એલજે ૧૪:૨૫-૩૫
૨૫. ઈસુની સાથે લોકોનાં ટોળેટોળાં ચાલ્યાં જતાં હતાં.
૨૬. તેમણે પાછા ફરીને તેમને કહ્યું, “જે મને અનુસરવા માગે છે તે પોતાના પિતા, માતા, પત્ની અને બાળકો, ભાઈઓ અને બહેનો અરે, પોતાની જાતનો પણ તિરસ્કાર ન કરે, તો તે મારો શિષ્ય બની શક્તો નથી.
૨૭. જે પોતાનો ક્રૂસ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શક્તો નથી.
૨૮. જો તમારામાંનો કોઈ મકાન બાંધવા માગતો હોય, તો પોતાની પાસે એ ક્મ પૂરું કરવા જેટલા પૈસા છે કે નહિ તે જોવા પ્રથમ બેસીને એનો કેટલો ખર્ચ થશે તેનો અંદાજ નહિ કાઢે?
૨૯. જો તે તેમ ન કરે, તો મકાનનો પાયો નાખ્યા પછી તે તેને પૂરું કરી શકશે નહિ, અને એથી જોનારા તેની મશ્કરી ઉડાવશે અને કહેશે,
૩૦. ‘આ માણસે બાંધક્મ શરૂ તો કર્યું, પણ તે પૂરું કરી શક્યો નહિ.’
૩૧. પોતાની સામે વીસ હજાર સૈનિકો લઈને ચઢી આવેલા રાજાની સામે દશ હજાર સૈનિકો લઈને લડવા જતાં પહેલાં કોઈ પણ રાજા પ્રથમ બેસીને પેલા રાજાનો સામનો કરવા પોતે સમર્થ છે કે નહિ તેનો વિચાર નહિ કરે?
૩૨. જો તે સમર્થ ન હોય, તો પેલો રાજા હજુ તો ઘણો દૂર છે એવામાં શાંતિની શરતોની માગણી માટે તેની પાસે તે એલચીઓ નહિ મોકલે?”
૩૩. ઈસુએ અંતમાં જણાવ્યું, “એ જ રીતે તમારામાંનો કોઈ પોતાના સર્વસ્વનો ત્યાગ કર્યા સિવાય મારો શિષ્ય થઈ શકે જ નહિ.”
૩૪. “મીઠું તો સારું છે, પણ જો તે પોતાનો સ્વાદ ગુમાવે તો તે ફરીથી કોઈ રીતે ખારું કરી શકાય નહિ.
૩૫. નક્મું મીઠું તો જમીન માટે અથવા ઉકરડા માટે પણ ક્મનું નથી; એને ફેંકી દેવામાં આવે છે. તેથી તમારે સાંભળવાને કાન હોય તો સાંભળો!”