A A A A A
એક વર્ષમાં બાઇબલ
એપ્રિલ ૨૨

ન્યાયાધીશો ૯:૧-૫૭
૧. યરૂબ્બઆલ એટલે ગિદિયોનનો પુત્ર અબિમેલેખ શખેમમાં તેના મામાઓ પાસે ગયો. તેણે તેમને તથા તેની માતાના પિતાના કુટુંબના ગોત્રના સર્વ માણસોને કહ્યું,
૨. “તમે શખેમના સર્વ નગરજનોને અંગત રીતે પૂછી જુઓ કે, ‘તમે શું પસંદ કરશો? યરૂબ્બઆલના સિત્તેરેય પુત્રો તમારા પર રાજ કરે તે કે પછી એક જ વ્યક્તિ તમારા પર રાજ કરે તે?’ આટલું યાદ રાખજો કે હું તમારા હાડમાંસનો છું.”
૩. તેની માતાના સંબંધીઓએ શખેમના માણસોને એ વિષે વાત કરી, અને શખેમના માણસોએ અબિમેલેખને અનુસરવાનું વલણ દાખવ્યું, કારણ, તે તેમનો સગો હતો.
૪. તેમણે તેને બઆલ-બરીથના મંદિરમાંથી ચાંદીના સિત્તેર સિક્કા આપ્યા અને એ નાણાં વડે તેણે નવરા અને હરામખોર લોકોની ટોળી ભાડે રાખી અને તેઓ તેને અનુસર્યા.
૫. તે પોતાના પિતાને ઘેર ઓફ્રા ગયો, અને ત્યાં તેણે પોતાના સિત્તેર ભાઈઓ, યરૂબ્બઆલ એટલે ગિદિયોનના પુત્રોને એક જ પથ્થર પર મારી નાખ્યા. પણ યરૂબ્બઆલનો સૌથી નાનો પુત્ર યોથામ બચી ગયો, કારણ કે તે સંતાઈ ગયો હતો.
૬. પછી શખેમ અને બેથ-મિલ્લોના સર્વ લોકો એકઠા થઈને શખેમમાં પવિત્રસ્તંભ પાસેના એલોનવૃક્ષ આગળ ગયા, અને ત્યાં તેમણે અબિમેલેખને રાજા બનાવ્યો.
૭. યોથામે જ્યારે તે જાણ્યું ત્યારે તે જઈને ગરીઝીમ પર્વત પર ઊભો રહ્યો અને તેમને મોટે ઘાંટે કહ્યું, “ઓ શખેમના માણસો, મારું સાંભળો, અને ઈશ્વર તમારું પણ સાંભળશે!
૮. એક વાર વૃક્ષો કોઈનો અભિષેક કરીને તેને પોતાના રાજા તરીકે પસંદ કરવા ગયાં. તેમણે ઓલિવવૃક્ષને કહ્યું, ‘તું અમારો રાજા થા.’
૯. ઓલિવવૃક્ષે જવાબ આપ્યો, ‘જેનાથી દેવોનું અને માણસોનું સન્માન થાય છે એવા મારા તેલને પેદા કરવાનું પડતું મૂકીને હું વૃક્ષો પર શાસન ચલાવવા આવું?’
૧૦. પછી વૃક્ષોએ અંજીરીને કહ્યું, ‘તું આવીને અમારો રાજા બન.’
૧૧. પણ અંજીરીએ જવાબ આપ્યો, ‘મારાં સારાં મીઠાં ફળ પેદા કરવાનું પડતું મૂકીને હું તમારા પર શાસન ચલાવવા આવું?’
૧૨. તેથી વૃક્ષોએ દ્રાક્ષવેલાને કહ્યું, ‘તું આવીને અમારો રાજા બન.’
૧૩. પણ દ્રાક્ષવેલાએ જવાબ આપ્યો, ‘દેવો અને માણસોને આનંદ પમાડનાર મારો દ્રાક્ષાસવ પેદા કરવાનું પડતું મૂકીને હું તમારા પર શાસન ચલાવવા આવું?’
૧૪. તેથી બધાં વૃક્ષોએ છેવટે કાંટાના છોડને કહ્યું, ‘તું આવીને અમારો રાજા બન.’
૧૫. કાંટાના છોડે તેમને જવાબ આપ્યો, ‘જો તમે ખરેખર તમારા રાજા તરીકે અભિષેક કરવા માગતા હો, તો આવીને મારી છાયાનો આશ્રય લો. પણ જો તમે નહિ કરો, તો મારી કાંટાળી ડાળીઓમાંથી અગ્નિ ફાટી નીકળશે અને લબાનોનનાં ગંધતરુ બાળી નાખશે.”
૧૬. યોથામે વિશેષ બોલતાં કહ્યું, “તો હવે તમે કહો કે તમે આબિમેલેખને રાજા બનાવવામાં ખરેખરી પ્રામાણિક્તા અને નિખાલસતા દાખવી છે? યરૂબ્બઆલનાં કાર્યોને છાજે એ રીતે તેમની યાદગીરીના માનમાં તમે તેમના કુટુંબ પ્રત્યે યોગ્ય રીતે વર્ત્યા છો?
૧૭. તેમણે તમારે માટે યુદ્ધ ખેલ્યાં હતાં તે યાદ કરો. તમને મિદ્યાનીઓના હાથમાંથી છોડાવવા તો તેમણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો.
૧૮. પણ આજે તો તમે મારા પિતાના કુટુંબની વિરુદ્ધ થઈ ગયા છો. તમે તેમના પુત્રોને, સિત્તેર માણસોને એક જ પથ્થર પર મારી નાખ્યા. એ પણ એટલા જ માટે કે તેમનો પુત્ર અબિમેલેખ, એક દાસીથી જન્મેલો તેમનો એ પુત્ર તમારો સગો થાય છે, અને તમે તેને શખેમનો રાજા બનાવ્યો છે.
૧૯. તેથી આજે તમે યરૂબ્બઆલ તથા તેના પરિવાર પ્રત્યે સાચી પ્રામાણિક્તા અને નિખાલસતાથી વર્ત્યા હો તો અબિમેલેખ તમને અને તમે અબિમેલેખને સુખરૂપ નીવડો.
૨૦. પણ જો એ રીતે વર્ત્યા ન હો તો અબિમેલેખમાંથી અગ્નિ ફાટી નીકળો અને શખેમ તથા બેથ-મિલ્લોના લોકોને બાળીને ભસ્મ કરી નાખો. શખેમ અને બેથ-મિલ્લોના લોકોમાંથી અગ્નિ ફાટી નીકળો અને અબિમેલેખને ભસ્મ કરી નાખો.”
૨૧. પછી પોતાના ભાઈ અબિમેલેખથી ગભરાતો હોવાથી યોથામ ભાગી છૂટયો અને જઈને બએરમાં રહ્યો.
૨૨. અબિમેલેખે ઇઝરાયલ પર ત્રણ વર્ષ રાજ કર્યું.
૨૩. પછી ઈશ્વરે અબિમેલેખ અને શખેમના માણસો વચ્ચે વેર કરાવનાર દુષ્ટાત્મા મોકલ્યો, એટલે તેમણે અબિમેલેખ સામે બંડ પોકાર્યું.
૨૪. અબિમેલેખે યરૂબ્બઆલના સિત્તેર પુત્રોને મારી નાખ્યા હતા અને શખેમના માણસોએ તેને એમાં સાથ આપ્યો હતો; અને તેથી તેમની પાસેથી એ ખૂનનો બદલો લેવાય માટે એમ બન્યું.
૨૫. શખેમના માણસોએ પર્વતના શિખરો પર અબિમેલેખ વિરુદ્ધ માણસો સંતાડી રાખ્યા હતા અને તેઓ રસ્તે જતા આવતા સૌને લૂંટી લેતા. અબિમેલેખને એ વાતની ખબર પડી.
૨૬. એબેદનો પુત્ર ગાઆલ તેના ભાઈઓ સહિત શખેમમાં આવ્યો અને શખેમના માણસોએ તેના પર ભરોસો મૂક્યો.
૨૭. તેઓ સૌ પોતપોતાની દ્રાક્ષવાડીમાં જઈને દ્રાક્ષો વીણી લાવ્યા, તેમાંથી દ્રાક્ષાસવ બનાવ્યો અને પછી ઉત્સવ મનાવ્યો. તેઓ તેમના દેવના મંદિરમાં ગયા અને ત્યાં તેમણે ખાઈપીને અબિમેલેખની મજાક ઉડાવી.
૨૮. ગાઆલે કહ્યું, “આપણે શખેમના માણસો કેવા છીએ? અબિમેલેખ કોણ છે કે આપણે તેની ગુલામી કરીએ? એ તો યરૂબ્બઆલનો પુત્ર છે અને તેનો અધિકારી ઝબૂલ તો તેના હુકમ પ્રમાણે શાસન ચલાવનાર છે. આપણે શા માટે તેની તાબેદારી કરીએ? તમારા ગોત્રના પ્રણેતા તમારા પૂર્વજ હામોરને વફાદાર રહો!
૨૯. હું આ લોકોનો અગ્રેસર હોત તો મેં ક્યારનોય અબિમેલેખને પૂરો કરી દીધો હોત. મેં તેને કહ્યું હોત, ‘તારા સૈન્યને સંગીન બનાવ અને લડવા આવી જા!”
૩૦. ગાઆલ જે બોલ્યો તે સાંભળીને શહેરનો શાસક ઝબૂલ ક્રોધે ભરાયો.
૩૧. તેણે અબિમેલેખ પાસે અરુમાહમા આમ કહેવા સંદેશકો મોકલ્યા, “એબેદનો પુત્ર ગાઆલ અને તેના ભાઈઓ શખેમમાં આવ્યા છે અને નગરલોકને તમારી વિરુદ્ધ ઉશ્કેરે છે.
૩૨. તેથી હવે તમે તથા તમારા માણસો રાતોરાત આવીને ખેતરોમાં સંતાઈ રહો.
૩૩. આવતી કાલે સવારે ઊઠીને નગર પર ઓચિંતો હુમલો કરો. પછી ગાઆલ અને તેના માણસો તમારી સામે બહાર ધસી આવે ત્યારે લાગ મળે તેમ તેમના પર તૂટી પડજો.”
૩૪. તેથી અબિમેલેખ અને તેના માણસો રાતોરાત ઉપડયા અને શખેમની બહાર ચાર જૂથમાં સંતાઈ રહ્યા.
૩૫. જ્યારે અબિમેલેખ અને તેના માણસોએ જોયું કે ગાઆલ બહાર આવીને નગરના દરવાજે ઊભો છે ત્યારે જ્યાં તેઓ સંતાઈ રહ્યા હતા ત્યાંથી ઊભા થયા.
૩૬. ગાઆલે તેમને જોઈને ઝબૂલને કહ્યું, “જુઓ, જુઓ, પર્વતની ટોચ પરથી માણસો ઊતરી રહ્યા છે!” ઝબૂલે જવાબ આપ્યો, “એ માણસો નથી. એ તો પર્વતો પર માત્ર માણસોના જેવા પડછાયા છે.”
૩૭. ગાઆલે ફરી કહ્યું, “જુઓ, મયવર્તી પર્વતમાળામાંથી માણસો ઊતરી આવે છે અને બીજું એક જૂથ જ્યોતિષોના એલોનવૃક્ષને રસ્તે આવી રહ્યું છે!”
૩૮. ત્યારે ઝબૂલે તેને કહ્યું, “તારી બધી બડાશની વાતો ક્યાં ગઈ? આપણે અબિમેલેખની તાબેદારી શા માટે કરવી એવું કહેનાર તું પોતે જ હતો. તું જેમની મજાક ઉડાવતો હતો એ જ આ માણસો છે. જા, હવે બહાર જઈને તેમની સાથે લડાઈ કર.”
૩૯. ગાઆલ નગરના માણસોને લઈને બહાર નીકળ્યો અને અબિમેલેખ સાથે યુદ્ધમાં ઝઝૂમ્યો.
૪૦. અબિમેલેખે ગાઆલનો પીછો કર્યો અને ગાઆલ નાસી છૂટયો. છેક નગરના પ્રવેશદ્વાર સુધી ઘણા લોકો ઘવાઈને પડયા.
૪૧. અબિમેલેખ અરુમાહમાં રહેતો હતો અને ઝબૂલે ગાઆલ તથા તેના ભાઈઓને શખેમમાંથી હાંકી કાઢયા, એટલે તેઓ ત્યાં રહી શક્યા નહિ.
૪૨. બીજે દિવસે અબિમેલેખને ખબર પડી કે શખેમના લોકો બહાર નીકળી ખેતરોમાં જવાની પેરવી કરી રહ્યા છે. તેથી તેણે તેના માણસોને ત્રણ ટુકડીમાં વહેંચી દીધા, અને ખેતરોમાં રાહ જોતાં સંતાડી રાખ્યા.
૪૩. લોકોને નગર બહાર આવતા જોઈને તે તેમને મારી નાખવા સંતાવાની જગ્યાએથી નીકળી આવ્યો.
૪૪. અબિમેલેખ અને તેની ટુકડીના માણસો નગરના પ્રવેશદ્વારનો કબજો લેવા પહોંચી ગયા, જ્યારે બાકીની બીજી બે ટુકડીઓએ ખેતરોમાં લોકો પર ત્રાટકીને તેમનો સંહાર કર્યો.
૪૫. લડાઈ આખો દિવસ ચાલી. અબિમેલેખે નગરને સર કર્યું, તેના લોકોને મારી નાખ્યા, તેને તોડી પાડયું અને તે જમીન પર મીઠું પાથરી દીધું.
૪૬. શખેમના કિલ્લામાં સર્વ આગેવાનોએ એ સાંભળ્યું ત્યારે તેઓ એલ-બરીથના મંદિરના ભોંયરામાં ભરાઈ ગયા.
૪૭. અબિમેલેખને ખબર મળી કે શખેમના કિલ્લાના માણસો ત્યાં ભોંયરામાં એકઠા થયા છે.
૪૮. તેથી તે પોતાના માણસોને લઈને સાલ્મોન પર્વત પર ગયો. ત્યાં તેણે એક કુહાડો લઈને વૃક્ષની ડાળ કાપી; પછી તેણે તે પોતાને ખભે ઊંચકી લીધી. તેણે પોતાના માણસો પણ એ જ પ્રમાણે સત્વરે કરવા જણાવ્યું.
૪૯. તેથી પ્રત્યેક જણે એક એક ડાળ કાપી લીધી; પછી તેઓ અબિમેલેખ પાછળ ગયા અને પેલા ભોંયરા આગળ લાકડાં ખડકીને તેને આગ ચાંપી. માણસોને તો ભોંયરામાં હતાં. કિલ્લાનાં બધાં એટલે, હજારેક સ્ત્રી-પુરુષો બળીને મરી ગયાં.
૫૦. પછી અબિમેલેખ તેબેસ ગયો અને તેને ઘેરો ઘાલીને સર કર્યું.
૫૧. ત્યાં એક મજબૂત બુરજ હતો, અને આગેવાનો સહિત સઘળાં સ્ત્રીપુરુષો તે બુરજમાં દોડી ગયાં. તેમણે અંદરથી બારણું વાસી દીધું અને બુરજના ધાબા પર જતા રહ્યાં.
૫૨. અબિમેલેખે એ બુરજ પર હુમલો કર્યો અને બુરજને આગ લગાડવા તે તેના બારણા નજીક ગયો.
૫૩. પણ એક સ્ત્રીએ તેના માથા પર ઘંટીનો પથ્થર નાખીને તેની ખોપરી ફોડી નાખી.
૫૪. તરત જ તેણે પોતાના શસ્ત્રવાહકને બોલાવીને કહ્યું, “તારી તલવાર તાણીને મને મારી નાખ. મને એક સ્ત્રીએ મારી નાખ્યો એવું કહેવાય તેમ હું ઇચ્છતો નથી.” તેથી પેલો શસ્ત્રવાહક તેના પર તૂટી પડયો અને તે મરી ગયો.
૫૫. અબિમેલેખ માર્યો ગયો છે એવું જાણતાની સાથે સૌ ઇઝરાયલીઓ પોતપોતાને ઘેર ગયા.
૫૬. પોતાના સિત્તેર ભાઈઓનો સંહાર કરીને અબિમેલેખે પોતાના પિતા વિરુદ્ધ કરેલા ગુના માટે ઈશ્વરે તેને એવો બદલો આપ્યો.
૫૭. યરૂબ્બઆલ એટલે ગિદિયોનના પુત્ર યોથામે આપેલા શાપમાં તેણે કહ્યું હતું તે મુજબ ઈશ્વરે શખેમના લોકોને પણ તેમની દુષ્ટતાનો બદલો આપ્યો.

ન્યાયાધીશો ૧૦:૧-૧૮
૧. અબિમેલેખના અવસાન પછી ઇઝરાયલના બચાવ માટે દોદોના પુત્ર પૂઆનો પુત્ર તોલા ઊભો થયો. તે ઇસ્સાખારના કુળનો હતો અને એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આવેલા શામીરમાં રહેતો હતો.
૨. તે ત્રેવીસ વર્ષ સુધી ઇઝરાયલમાં ન્યાયાધીશ રહ્યો. તે મૃત્યુ પામ્યો અને તેને શામીરમાં દફનાવવામાં આવ્યો.
૩. તોલા પછી ગિલ્યાદમાંથી યાઈર ઊભો થયો. તે બાવીસ વર્ષ સુધી ઇઝરાયલમાં ન્યાયાધીશ તરીકે રહ્યો.
૪. તેને ત્રીસ પુત્રો હતા અને તેઓ ત્રીસ ગધેડા પર સવારી કરતા હતા. તેમની પાસે ગિલ્યાદ પ્રાંતમાં ત્રીસ નગરો હતાં. એ નગરો આજે પણ યાઈરની વસાહતો તરીકે ઓળખાય છે.
૫. યાઈર મૃત્યુ પામ્યો અને તેને કામોનમાં દફનાવવામાં આવ્યો.
૬. ઇઝરાયલીઓએ ફરીથી પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું. તેમણે બઆલ, આશ્તારોથ, તેમજ અરામ, સિદોન, મોઆબ, આમ્મોન અને પલિસ્તીઓના દેવોની ઉપાસના કરી. તેમણે પ્રભુનો ત્યાગ કર્યો અને તેમની ઉપાસના કરવાનું છોડી દીધું.
૭. તેથી પ્રભુ ઇઝરાયલીઓ પર કોપાયમાન થયા અને તેમને પલિસ્તીઓ તથા આમ્મોનીઓને સ્વાધીન કરી દીધા.
૮. યર્દન નદીની પૂર્વ તરફ ગિલ્યાદમાં આવેલા અમોરીઓના પ્રદેશમાં વસતા સર્વ ઇઝરાયલીઓ પર તેમણે અઢાર વર્ષ સુધી જોરજુલમ અને સતાવણી કર્યાં.
૯. વળી, આમ્મોનીઓ પણ યર્દન ઓળંગીને યહૂદા, બિન્યામીન અને એફ્રાઈમની સામે લડાઈ કરવા આવતા. ઇઝરાયલીઓ ભારે સંતાપમાં આવી પડયા.
૧૦. પછી ઇઝરાયલીઓએ પ્રભુને પોકાર કરીને કહ્યું, “અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે, કારણ, અમે તમારો, એટલે અમારા ઈશ્વરનો ત્યાગ કર્યો છે, અને બઆલની મૂર્તિઓની પૂજા કરી છે.”
૧૧. પ્રભુએ તેમને જવાબ આપ્યો, “ભૂતકાળમાં તમારા પર ઇજિપ્તીઓ, અમોરીઓ, આમ્મોનીઓ, પલિસ્તીઓ,
૧૨. સિદોનીઓ, અમાલેકીઓ અને માઓનીઓએ જુલમ કર્યો હતો, અને ત્યારે તમે મને પોકાર કર્યો હતો, ત્યારે શું મેં તમને બચાવ્યા નહોતા?
૧૩. પણ તમે તો મારો ત્યાગ કર્યો છે અને અન્ય દેવોની ઉપાસના કરી છે, તેથી હવે હું તમને છોડાવવાનો નથી.
૧૪. તમે જે દેવોને પસંદ કર્યા છે તેમની પાસે જઈને પોકારો કે તેઓ તમને તમારા સંકટમાંથી છોડાવે.”
૧૫. પણ ઇઝરાયલી લોકોએ પ્રભુને કહ્યું, “અમે પાપ કર્યું છે. તમારે જે કરવું હોય તે કરો. પણ અમને આટલી વાર બચાવો.”
૧૬. એમ તેમણે તેમના અન્ય દેવતાઓથી વિમુખ થઈને પ્રભુની ઉપાસના કરી, એટલે પ્રભુને ઇઝરાયલની આફત જોઈને દયા આવી.
૧૭. પછી આમ્મોની સૈન્યે લડાઈને માટે તૈયાર થઈ ગિલ્યાદમાં છાવણી નાખી. ઇઝરાયલના માણસો પણ એકઠા થયા અને તેમણે ગિલ્યાદના મિસ્પામાં છાવણી નાખી.
૧૮. ત્યાં લોકો અને ઇઝરાયલી કુળોના આગેવાનો વચ્ચે ચર્ચા વિચારણા થઈ, “આમ્મોનીઓ સામેની લડાઈમાં આગેવાની કોણ આપશે? જે કોઈ આગેવાની આપે તે ગિલ્યાદના સર્વ લોકોનો આગેવાન થાય.”

ગીતશાસ્ત્ર ૫૦:૧-૬
૧. ઈશ્વર, પ્રભુ પરમેશ્વર બોલ્યા છે; ઉદયાચલથી અસ્તાચલ સુધી પૃથ્વીના સર્વ લોકોને તે બોલાવે છે.
૨. સર્વાંગસુંદર સિયોનનગરમાં ઈશ્વર પ્રકાશે છે.
૩. આપણા ઈશ્વર પધારે છે, પણ ચૂપકીદીથી નહિ; તેમની સમક્ષ ભસ્મીભૂત કરનાર અગ્નિ ધસે છે અને તેમની ચારે તરફ પ્રચંડ આંધી છે.
૪. તે ઉપરના આકાશને અને પૃથ્વીને સાક્ષી તરીકે બોલાવે છે; જેથી તેમની હાજરીમાં તે પોતાના લોકોનો ન્યાય કરે.
૫. તે કહે છે, “બલિદાન દ્વારા જેમણે મારી સાથે કરાર કર્યો છે તેવા મારા સંતોને મારી પાસે એકત્ર કરો.”
૬. આકાશો ઈશ્વરની ન્યાયશીલતાને પ્રસિદ્ધ કરે છે; કારણ ઈશ્વર પોતે જ ન્યાયાધીશ છે. (સેલાહ)

ઉકિતઓ ૧૪:૨૫-૨૭
૨૫. સત્યભાષક સાક્ષી ઘણા જીવ બચાવે છે, પણ કપટી જૂઠાણું ફેલાવે છે.
૨૬. પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર માણસને દૃઢ વિશ્વાસ અને તેના કુટુંબને સલામતી બક્ષે છે.
૨૭. પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર જીવનનું ઝરણું છે, તે માણસને મૃત્યુના પાશમાંથી બચાવે છે.

એલજે ૧૬:૧-૩૧
૧. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “એક શ્રીમંત માણસને એક કારભારી હતો. કારભારી તેના શેઠના પૈસા વેડફી નાખે છે એવી ફરિયાદ શેઠના સાંભળવામાં આવી.
૨. તેણે તેને કહ્યું, ‘તારા વિષે હું આ બધું શું સાંભળું છું? મારી જે મિલક્તનો તું કારભાર કરે છે તેનો પૂરેપૂરો હિસાબ આપી દે, કારણ તું હવે મારા કારભારી તરીકે રહી શકે નહિ.’
૩. કારભારીએ પોતાના મનમાં કહ્યું, ‘મારા શેઠ હવે મને નોકરીમાંથી કાઢી મૂકશે. હવે મારે શું કરવું? મજૂરી કરવા જેટલી મારામાં તાક્ત નથી અને ભીખ માગતાં મને શરમ લાગે છે. મારે શું કરવું તેની હવે મને સૂઝ પડે છે!
૪. એથી મારી નોકરી જતી રહેશે, ત્યારે પણ મને તેમના ઘરમાં આવકારનાર મિત્રો હશે!’
૫. તેથી તેણે પોતાના શેઠના બધા દેવાદારોને એક પછી એક બોલાવ્યા. તેણે પહેલાને કહ્યું, ‘મારા શેઠનું તમારે કેટલું દેવું છે?’
૬. તેણે જવાબ આપ્યો, ‘સો પીપ ઓલિવનું તેલ.’ કારભારીએ તેને કહ્યું, ‘આ રહ્યું તમારું ખાતું, બેસીને પચાસ લખો.’
૭. તેણે બીજાને કહ્યું, ‘તમારે કેટલું દેવું છે?’ તેણે જવાબ આપ્યો, ‘સો થેલા ઘઉં.’ કારભારીએ તેને કહ્યું, ‘આ તમારું ખાતું છે. એમાં એંસી લખો.’
૮. આવું ચાલાકીભર્યું વર્તન જોઈને એ અપ્રામાણિક કારભારીના શેઠે તેની પ્રશંસા કરી; કારણ, પ્રકાશના લોકો કરતાં આ દુનિયાના લોકો તેમના સાથીદારો સાથેના વ્યવહારમાં વધારે ચાલાક હોય છે.”
૯. વળી, ઈસુએ કહ્યું, “હું તમને પણ એ જ કહું છું: દુન્યવી સંપત્તિ વડે તમે પોતાને માટે મિત્રો કરી લો, જેથી જ્યારે તે સંપત્તિ ખૂટી જાય, ત્યારે સાર્વકાલિક ઘરમાં તમારો સત્કાર થશે.
૧૦. જે નાની બાબતોમાં વફાદાર છે, તે મોટી બાબતોમાં પણ થશે; જે નાની બાબતોમાં અપ્રામાણિક છે, તે મોટી બાબતોમાં પણ અપ્રામાણિક થશે.
૧૧. તેથી જો તમે દુન્યવી સંપત્તિના વહીવટમાં વફાદાર નહિ રહો, તો તમને સાચી સંપત્તિ કોણ સોંપશે?
૧૨. અને જે બીજા કોઈનું છે તેમાં તમે વિશ્વાસુ રહ્યા નથી, તો તમારું પોતાનું તમને કોણ સોંપશે?
૧૩. “કોઈ પણ નોકર બે માલિકની નોકરી કરી શકે નહિ; કારણ, તે એકને ધિક્કારશે અને બીજા પર પ્રેમ કરશે; તે એકને વફાદાર રહેશે, અને બીજાનો તિરસ્કાર કરશે. તમે ઈશ્વર અને સંપત્તિ એ બન્‍નેની સેવા કરી શકો નહિ.”
૧૪. આ બધું સાંભળીને ફરોશીઓ ઈસુની મશ્કરી કરવા લાગ્યા, કારણ, તેઓ દ્રવ્યલોભી હતા.
૧૫. ઈસુએ તેમને કહ્યું, “તમે તો પોતાની જાતને માણસોની દૃષ્ટિમાં સાચા દેખાડનારા છો, પણ ઈશ્વર તમારાં હૃદયો જાણે છે, કારણ, માણસ જેને મૂલ્યવાન ગણે છે, તે ઈશ્વરની દૃષ્ટિમાં ધિક્કારપાત્ર છે.
૧૬. “મોશેનું નિયમશાસ્ત્ર અને ઈશ્વરના સંદેશવાહકોનાં લખાણો બાપ્તિસ્મા કરનાર યોહાનના સમય સુધી અમલમાં હતાં; ત્યાર પછી ઈશ્વરના રાજ સંબંધીનો શુભસંદેશ કહેવામાં આવી રહ્યો છે, અને બધા તેમાં બળજબરીથી પ્રવેશવા યત્ન કરે છે.
૧૭. છતાં નિયમશાસ્ત્રની નાનામાં નાની વિગત નિરર્થક થાય, તે કરતાં આકાશ અને પૃથ્વીનું અસ્તિત્વ મટી જાય એ સહેલું છે.
૧૮. “પોતાની પત્નીથી લગ્નવિચ્છેદ કરીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષ વ્યભિચાર કરે છે; તેમ જ જેનો લગ્નવિચ્છેદ થયો હોય તેવી સ્ત્રી સાથે લગ્ન કરનાર પણ વ્યભિચાર કરે છે.”
૧૯. “એક શ્રીમંત હતો. તે ખૂબ કિંમતી કપડાં પહેરતો અને હંમેશાં ભારે મોજશોખમાં જીવતો હતો. લાઝરસ નામે એક ગરીબ માણસ હતો. તેને આખા શરીરે ગૂમડાં થયેલાં હતાં.
૨૦. તેને શ્રીમંત માણસને બારણે રોજ લાવવામાં આવતો.
૨૧. અને શ્રીમંત માણસના મેજ પરથી પડતા ખોરાકના ટુકડાથી તે પોતાનું પેટ ભરવાની આશા રાખતો હતો. કૂતરાં પણ આવીને તેનાં ગૂમડાં ચાટતાં!
૨૨. તે ગરીબ માણસ મરી ગયો અને દૂતો તેને અબ્રાહામની પાસે લઈ ગયા. પેલો શ્રીમંત માણસ પણ મરી ગયો અને તેને દફનાવવામાં આવ્યો.
૨૩. તે નરકમાં ખૂબ પીડા ભોગવતો હતો; અને તેણે ઊંચું જોયું તો દૂર દૂર અબ્રાહામને અને તેમની નજીક લાઝરસને બેઠેલા જોયા.
૨૪. તેથી તેણે બૂમ પાડી, ‘પિતા અબ્રાહામ! મારા પર દયા કરો, અને લાઝરસને મોકલો કે જેથી તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડક વાળે; કારણ, આ અગ્નિમાં હું અસહ્ય વેદના ભોગવું છું!’
૨૫. પણ અબ્રાહામે કહ્યું, ‘મારા દીકરા, તારા જીવનકાળ દરમિયાન તને બધાં સારાં વાનાં આપવામાં આવ્યાં હતાં, જ્યારે લાઝરસને બધાં ભૂંડા વાનાં મળ્યાં હતાં, તે યાદ કર; પણ હવે તે અહીં આનંદ કરે છે, જયારે તું યાતના ભોગવે છે.
૨૬. એ ઉપરાંત આપણી વચ્ચે એક ઊંડી ખાઈ છે, જેથી અમારી બાજુએથી કોઈ તારી બાજુ આવવા ઇચ્છે તો ન આવી શકે. તેમજ તારી બાજુથી કોઈ અમારી બાજુ આવવા ઇચ્છે તો પણ તેને ઓળંગી શકે નહિ.’
૨૭. શ્રીમંત માણસે કહ્યું, ‘હે પિતા, લાઝરસને મારા પિતાને ઘેર મોકલો એવી આજીજી કરું છું!
૨૮. મારે પાંચ ભાઈઓ છે. લાઝરસને તેમને ચેતવણી આપવા જવા દો, જેથી તેઓ આ વેદનાની જગ્યાએ આવી ન પડે.’
૨૯. અબ્રાહામે કહ્યું, ‘તારા ભાઈઓને ચેતવણી આપવા માટે મોશેનું નિયમશાસ્ત્ર અને સંદેશવાહકોનાં પુસ્તકો છે; તેઓ શું કહે છે તે તારા ભાઈઓને સાંભળવા દે.’
૩૦. શ્રીમંત માણસે જવાબ આપ્યો, ‘પિતા અબ્રાહામ, એના કરતાં તો જો કોઈ મરણમાંથી સજીવન થાય અને તેમની પાસે જાય, તો તેઓ તેમનાં પાપથી પાછા ફરે.’
૩૧. પણ અબ્રાહામે કહ્યું, ‘જો તેઓ મોશે તથા સંદેશવાહકોનું ન સાંભળે, તો પછી કોઈ મરણમાંથી સજીવન થાય તોપણ તેઓ માનવાના નથી.”