A A A A A
એક વર્ષમાં બાઇબલ
એપ્રિલ ૧૨

જોશુઆ ૧૩:૧-૩૩
૧. યહોશુઆ હવે ઘણો વયોવૃદ્ધ થયો હતો. પ્રભુએ તેને કહ્યું, “તું ઘણો વૃદ્ધ થયો છે, પણ વતન તરીકે કબજે કરી લેવાનો હજી ઘણો પ્રદેશ બાકી રહ્યો છે.
૨. એ પ્રદેશ આ પ્રમાણે છે: પલિસ્તીયા અને ગશૂરનો પ્રદેશ, તેમ જ દક્ષિણમાં આવ્વીઓનો સમગ્ર પ્રદેશ.
૩. ઇજિપ્તની સરહદ પર આવેલા શિહોર વહેળાથી માંડીને ઉત્તરમાં છેક એક્રોન સુધીનો પ્રદેશ કનાનીઓનો ગણાતો. ગાઝા, આશ્દોદ, આશ્કલોન, ગાથ અને એક્રોનમાં પલિસ્તીઓના સરદારો રહેતા હતા.
૪. કનાનીઓનો આખો દેશ, અને સિદોનીઓનું માઆરા તથા અમોરીઓની સરહદે આવેલા એફેક સુધીનો પ્રદેશ;
૫. ગબાલીઓનો પ્રદેશ; આખો લબાનોન તથા પૂર્વમાં હેર્મોન પર્વતની દક્ષિણે બઆલ- ગાદથી હમાથના ઘાટ સુધીનો પ્રદેશ.
૬. એમાં લબાનોનના પર્વતો અને મિસ્રેફોથ-માઇમની વચ્ચે વસતા સિદોનીઓના સમગ્ર પહાડી- પ્રદેશનો સમાવેશ થાય છે.
૭. ઇઝરાયલના લોકો આગળ વધતા જાય તેમ તેમ હું એ બધા લોકોને હાંકી કાઢીશ. તારે તો મેં તને આપેલી આજ્ઞા પ્રમાણે ઇઝરાયલીઓને એ પ્રદેશ વહેંચી આપવાનો છે. તો હવે બાકીનાં નવ કુળો તથા મનાશ્શાના અર્ધા કુળને તેમના કાયમી વતન તરીકે આ પ્રદેશ વહેંચી આપ.”
૮. રૂબેન તથા ગાદનાં કુળો તથા મનાશ્શાના બાકીના અર્ધા કુળને તો યર્દન નદીની પૂર્વ તરફના વિસ્તારમાં પ્રભુના સેવક મોશેએ તેમને આપ્યા મુજબનો પ્રદેશ મળી ચૂક્યો હતો.
૯. તેમના પ્રદેશનો વિસ્તાર આર્નોન ખીણને છેડે આવેલા અરોએર અને એ ખીણની મધ્યમાં આવેલા શહેર સુધીનો હતો અને એમાં મેદબાથી દીબોન સુધીના ઉચ્ચપ્રદેશનો સમાવેશ થતો હતો.
૧૦. તે છેક આમ્મોનીઓની સરહદ સુધી વિસ્તરેલો હતો અને અગાઉ હેશ્બોનમાં રહીને રાજ કરનાર સિહોન રાજાના શાસન હેઠળનાં બધાં નગરોનો એમાં સમાવેશ થઈ જતો હતો.
૧૧. એમાં ગિલ્યાદ, ગશૂર અને માઅખાના પ્રદેશો, સમગ્ર હેર્મોન પર્વત અને છેક સાલખા સુધીનો બાશાનનો પ્રદેશ હતો.
૧૨. આશ્તારોથ અને એડ્રેઈમાં રહીને રાજ કરનાર રફાઈઓના છેલ્લા રાજા ઓગના આખા રાજ્યનો તેમાં સમાવેશ થઈ જતો હતો. મોશેએ એ બધા લોકોને હરાવીને ત્યાંથી હાંકી કાઢયા હતા.
૧૩. છતાં ઇઝરાયલીઓએ ગશૂર અને માઅખાના લોકોને હાંકી કાઢયા નહિ, અને આજે પણ તેઓ ઇઝરાયલમાં રહે છે.
૧૪. મોશેએ લેવીકુળને કોઈ પ્રદેશ હિસ્સામાં આપ્યો નહિ. પ્રભુએ મોશેને કહ્યું હતું તેમ તેમને તો ઇઝરાયલના ઈશ્વર પ્રભુની વેદી પર દહન કરવામાં આવતાં બલિદાનોમાંથી મળતો હિસ્સો એ જ તેમનો વારસો હતો.
૧૫. મોશેએ રૂબેનના કુળના વંશજોને તેમનાં ગોત્ર પ્રમાણે આપેલો પ્રદેશ આ છે.
૧૬. તેમનો પ્રદેશ આર્નોન ખીણને છેડે આવેલા અરોએર તથા તે ખીણની મધ્યમાં આવેલા શહેર સુધી વિસ્તરેલો હતો અને તેમાં મેદબાની આસપાસના સમસ્ત ઉચ્ચપ્રદેશનો સમાવેશ થતો હતો.
૧૭. વળી, તેમાં હેશ્બોન અને ઉચ્ચપ્રદેશમાં આવેલાં આ નગરોનો પણ સમાવેશ થઈ જતો હતો: દિબોન, બામોથ બઆલ, બેથ- બઆલમેઓન,
૧૮. યાહાશ, કદેમોથ, મેફાઆથ,
૧૯. કિર્યાથાઈમ, સિબ્બા, અને ખીણપ્રદેશના પર્વત પરનું સેરેથ શાહાર,
૨૦. પિસ્ગા પર્વતના ઢોળાવ પરનું બેથ-પયોર તથા બેથ-યશીમોથ;
૨૧. એમાં ઉચ્ચપ્રદેશનાં બધાં નગરોનો તેમજ હેશ્બોનમાં રહીને રાજ કરનાર અમોરી રાજા સિહોનના સમગ્ર રાજ્યનો સમાવેશ થતો હતો. મોશેએ તેને તથા મિદ્યાનમાં શાસન કરતા તેના ખંડિયા રાજાઓને, એટલે અવી, રેકેમ, ઝૂર, હૂર અને રેબાને હરાવ્યા હતા.
૨૨. ઇઝરાયલના લોકોએ જેમને માર્યા તેમાં બયોરનો પુત્ર ભવિષ્યવેત્તા બલઆમ પણ હતો.
૨૩. રૂબેનના કુળપ્રદેશની પશ્ર્વિમ તરફની સરહદ યર્દન નદીની હતી. રૂબેનકુળનાં ગોત્રોને વતન તરીકે અપાયેલાં શહેરો અને નગરો એ હતાં.
૨૪. મોશેએ ગાદના- કુળના વંશજોને તેમનાં ગોત્ર પ્રમાણે આપેલો પ્રદેશ આ છે.
૨૫. તેમના પ્રદેશમાં યાઝેર તથા ગિલ્યાદનાં સર્વ નગરો, રાબ્બાની સામે આવેલ છેક અરોએર સુધીનો આમ્મોનના અર્ધા દેશનો સમાવેશ થતો હતો.
૨૬. તેમના પ્રદેશની સરહદ હેશ્બોનથી રામાથ-મિસ્પેહ અને બરોનીમ સુધી અને માહનાઈમથી લો-દેબાર સુધીની હતી.
૨૭. યર્દનની ખીણમાં આવેલાં બેથ-હારામ, બેથ-નિમ્રા, સુક્કોથ તથા સાફોન એટલે, હેશ્બોનના રાજા સિહોનના બાકીના રાજ્યનો પણ તેમાં સમાવેશ થતો હતો. તેમની પશ્ર્વિમની સરહદ ઉત્તરમાં છેક ગાલીલ સરોવર સુધી યર્દન નદીની હતી.
૨૮. ગાદકુળનાં ગોત્રોને વતન તરીકે અપાયેલાં એ શહેરો અને નગરો હતાં.
૨૯. મોશેએ મનાશ્શાના અર્ધાકુળના વંશજોને તેમના ગોત્ર પ્રમાણે આપેલો પ્રદેશ આ છે.
૩૦. તેમના પ્રદેશની સરહદ માહનાઈમ સુધી પહોંચતી હતી અને તેમાં આખા બાશાનનો, એટલે તેના રાજા ઓગના આખા રાજ્યનો તેમજ બાશાનમાં આવેલા યાઈરનાં સાઠેય ગામોનો સમાવેશ થતો હતો.
૩૧. વળી, તેમાં અર્ધા ગિલ્યાદનો તેમજ બાશાનના રાજા ઓગનાં પાટનગર આશ્તારોથ અને એડ્રેઈનો સમાવેશ થતો હતો. એ પ્રદેશ મનાશ્શાના પુત્ર માખીરના અર્ધા ગોત્રને આપવામાં આવ્યો હતો.
૩૨. તેઓ મોઆબનાં મેદાનોમાં હતા ત્યારે યરીખો અને યર્દનની પૂર્વનો પ્રદેશ એ રીતે મોશેએ વહેંચી આપ્યો હતો.
૩૩. પણ મોશેએ લેવીઓને કોઈ પ્રદેશ ફાળવ્યો નહિ. તેણે તેમને કહ્યું હતું કે, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ એ જ તમારો હિસ્સો છે.”

જોશુઆ ૧૪:૧-૧૫
૧. ઇઝરાયલી લોકોને યર્દનની પશ્ર્વિમ તરફ કનાન દેશમાં ફાળવી આપવામાં આવેલ વિસ્તારની હકીક્તો આ પ્રમાણે છે. યજ્ઞકાર એલાઝાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇઝરાયલી કુળોનાં ગોત્રના આગેવાનોએ લોકો વચ્ચે દેશ વહેંચી આપ્યો.
૨. પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તે પ્રમાણે નવ કુળો અને અર્ધાકુળને યર્દનની પશ્ર્વિમ તરફનો વિસ્તાર પાસા નાખીને વહેંચવામાં આવ્યો.
૩. બાકીનાં બે કુળ અને એક અર્ધાકુળને તો મોશેએ યર્દનની પૂર્વ તરફનો વિસ્તાર અગાઉ ફાળવી દીધો હતો.
૪. હવે યોસેફના વંશજોનું બે કુળમાં, એટલે મનાશ્શા અને એફ્રાઈમમાં વિભાજન કરવામાં આવ્યું હતું. વળી, મોશેએ લેવીવંશજોને તો કોઈ પ્રદેશ ફાળવ્યો નહિ. એને બદલે, વસવાટ માટે તેમને નગરો આપવામાં આવ્યાં, અને તેમનાં ઢોરઢાંક અને ઘેટાંબકરાં માટે એ નગરોનાં ગોચરની જમીન આપવામાં આવી હતી.
૫. પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તેમ ઇઝરાયલી લોકોએ દેશ વહેંચી લીધો.
૬. એક દિવસે યહૂદાકુળના કેટલાક લોકો ગિલ્ગાલમાં યહોશુઆ પાસે આવ્યા. તેમનામાંથી કનિઝ્ઝી યફૂન્‍નેહના પુત્ર કાલેબે તેને કહ્યું, “ઈશ્વરભક્ત મોશેને પ્રભુએ કાદેશ-બાર્નિયામાં તારે અને મારે વિષે જે કહ્યું હતું તે તું જાણે છે.
૭. પ્રભુના સેવક મોશેએ મને આ દેશની બાતમી મેળવવા કાદેશ - બાર્નિયાથી મોકલ્યો ત્યારે હું ચાળીસ વર્ષનો હતો. હું તેની પાસે સાચી બાતમી લાવ્યો હતો.
૮. પણ મારી સાથે આવેલા માણસોએ લોકોને ગભરાવી મૂક્યા હતા. છતાં હું તો મારા ઈશ્વર પ્રભુને પૂરેપૂરી નિષ્ઠાથી આધીન થયો.
૯. મેં એવું કર્યું તેથી હું જ્યાં જ્યાં ફર્યો તે બધો પ્રદેશ હંમેશને માટે મને અને મારાં સંતાનોને હિસ્સામાં ચોક્કસ આપવામાં આવશે તેવું વચન મને મોશેએ આપ્યું હતું.
૧૦. પ્રભુએ મોશેને એ કહ્યું એને આજે પિસ્તાળીસ વર્ષ થઈ ગયાં. તે વખતે તો ઇઝરાયલ રણપ્રદેશમાં થઈને મુસાફરી કરતા હતા, અને પ્રભુએ આપેલા વચન પ્રમાણે તેમણે મને અત્યાર સુધી જીવતો રાખ્યો છે.
૧૧. હું પંચ્યાસી વર્ષનો થયો છું અને મોશેએ મને મોકલ્યો હતો ત્યારે હું જેટલો શક્તિશાળી હતો એટલો આજે પણ છું. આજે પણ મારામાં યુદ્ધમાં જવાની કે બીજાં કોઈપણ કામ કરવાની પૂરી તાક્ત છે.
૧૨. તો હવે મને આ ઉચ્ચપ્રદેશ કે જેના વિષે પ્રભુએ મને વચન આપ્યું હતું તે મને આપ. તે વખતે તને બાતમી આપવામાં આવી હતી કે ત્યાં મોટાં અને કોટવાળાં નગરોમાં કદાવર જાતિના અનાકી લોકો છે. પ્રભુ મારી સાથે રહેશે અને પ્રભુએ આપેલા વચન મુજબ હું તેમને ત્યાંથી હાંકી કાઢીશ.”
૧૩. યહોશુઆએ યફૂન્‍નેહના પુત્ર કાલેબને તેના હિસ્સામાં હેબ્રોન નગર આપી દીધું.
૧૪. આજે પણ તે નગર કનિઝ્ઝી યફૂન્‍નેહના પુત્ર કાલેબના વંશજોના હસ્તક જ છે; કારણ, કાલેબ ઇઝરાયલના ઈશ્વર પ્રભુને પૂરી નિષ્ઠાથી આધીન થયો હતો.
૧૫. પહેલાં હેબ્રોન તો આર્બાનું નગર કહેવાતું હતું. (આર્બા તો અનાકીઓમાં સૌથી મહાન પુરુષ હતો.) હવે દેશમાં શાંતિ પ્રવર્તતી હતી.

ગીતશાસ્ત્ર ૪૪:૨૦-૨૬
૨૦. જો અમે અમારા ઈશ્વરનું નામ વીસરી ગયા હોઈએ અને કોઈ પારકા દેવ સામે હાથ જોડયા હોય,
૨૧. તો તો તમે તે શોધી ન કાઢો? કારણ, તમે તો દયના ગુપ્ત વિચારો પણ જાણો છો.
૨૨. સાચે જ તમારે લીધે અમે નિરંતર હણાઈએ છીએ, અને ક્તલ થનારાં ઘેટાં જેવાં ગણાઈએ છીએ.
૨૩. હે પ્રભુ, જાગો, તમે કેમ ઊંઘી રહ્યા છો? ઊઠો, સદાને માટે અમારી ઉપેક્ષા ન કરો.
૨૪. તમે કેમ અમારાથી તમારું મુખ છુપાવો છો? અમારાં દુ:ખ અને જુલમને કેમ વીસરી જાઓ છો?
૨૫. અમારાં મસ્તક ધૂળમાં રગદોળાયાં છે, અને અમારાં શરીર ભોંયભેગાં થયાં છે.
૨૬. ઊઠો, અમારી વહારે આવો; તમારા પ્રેમને લીધે અમને ઉગારો.

ઉકિતઓ ૧૪:૩-૩
૩. મૂર્ખના અહંકારી શબ્દો તેને પીઠ પર સોટીના ફટકા ખવડાવે છે, પણ જ્ઞાનીના શબ્દો તેનું રક્ષણ કરે છે.

એલજે ૧૧:૧-૨૮
૧. એકવાર ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. તેઓ પ્રાર્થના કરી રહ્યા, એટલે તેમના શિષ્યોમાંના એકે તેમને કહ્યું, “પ્રભુ, જેમ યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતાં શીખવ્યું, તેમ તમે પણ અમને પ્રાર્થના કરતાં શીખવો.”
૨. ઈસુએ તેમને કહ્યું, “જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે કહો કે, હે પિતાજી, તમારા પવિત્ર નામનું સન્માન થાઓ, તમારું રાજ્ય આવો,
૩. અમારો જરૂરી ખોરાક અમને દરરોજ આપો,
૪. અમારાં પાપ માફ કરો; કારણ, જેઓ અમારી વિરુદ્ધ અપરાધ કરે છે, તે બધાને અમે માફ કરીએ છીએ, અને અમને ક્સોટીમાં પડવા ન દો.”
૫. વળી, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “ધારો કે તમારામાંનો કોઈ પોતાના મિત્રના ઘેર મધરાતે જઈને તેને કહે, ‘હે મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ.
૬. મારો એક મિત્ર મુસાફરીએ નીકળ્યો છે અને હમણાં જ મારે ઘેર રોકાઈ ગયો છે. તેને પીરસવા માટે મારી પાસે કંઈ જ નથી.’
૭. અને ધારો કે તમારો મિત્ર અંદરથી જવાબ આપે, ‘મને હેરાન ન કર! મેં બારણું બંધ કરી દીધું છે અને મારાં છોકરાં સાથે હું પથારીમાં સૂઈ ગયો છું. તને કંઈ પણ આપવા હું ઊઠી શકું તેમ નથી.’
૮. હું તમને કહું છું કે તે તમારો મિત્ર હોવાને લીધે ઊઠીને રોટલી નહિ આપે, તેમ છતાં, તમે આગ્રહથી માગતાં શરમાતા નથી માટે તે ઊઠશે અને તમારે જે જોઈએ છે તે આપશે.
૯. હું તમને પણ એમ જ કહું છું. માગો, એટલે તમને મળશે; શોધો, એટલે તમને જડશે; ખટખટાઓ, એટલે તમારે માટે બારણું ઉઘાડવામાં આવશે.
૧૦. જે કોઈ માગે છે તે દરેકને મળશે, અને જે શોધે છે તેને જડશે, અને જે ખટખટાવે છે તેને માટે બારણું ઉઘાડવામાં આવશે.
૧૧. તમ પિતાઓ પાસે તમારો પુત્ર માછલી માગે તો શું તમે સાપ આપશો?
૧૨. અથવા તે ઇંડું માગે તો તેને વીંછી આપશો?
૧૩. તમે ભૂંડા હોવા છતાં તમારાં બાળકોને સારી ચીજવસ્તુઓ આપી જાણો છો, તો પછી આકાશમાંના પિતા પાસે જેઓ માગે તેમને તે પવિત્ર આત્મા આપશે એ કેટલું વિશેષ સાચું છે!”
૧૪. એક મૂંગા બનાવી દેનાર દુષ્ટાત્માને ઈસુ કાઢતા હતા. દુષ્ટાત્મા નીકળી ગયો, અને પેલો માણસ બોલવા લાગ્યો. લોકોનું ટોળું તો આભું જ બની ગયું.
૧૫. પણ કેટલાક લોકોએ કહ્યું, “દુષ્ટાત્માઓનો સરદાર બાલઝબૂલ તેને દુષ્ટાત્માઓ કાઢવાની શક્તિ આપે છે.”
૧૬. બીજા કેટલાક તેમને સપડાવવા માગતા હતા, તેથી ઈસુને ઈશ્વરની અનુમતિ છે એમ દર્શાવવા તેમણે તેમને ચમત્કાર કરી બતાવવા કહ્યું.
૧૭. પણ ઈસુ તેમના વિચારો જાણતા હોવાથી તેમણે તેમને કહ્યું, “જો કોઈ રાષ્ટ્ર અરસપરસ લડતાં જૂથોમાં વિભાજિત થઈ જાય, તો તે ઝાઝું ટકતું નથી. એ જ પ્રમાણે જો કુટુંબમાં ભાગલા પડી જાય તો તેનું પતન થાય છે.
૧૮. તેથી જો શેતાનના રાજ્યમાં અરસપરસ લડતાં જૂથો હોય તો તે કેવી રીતે ટકી શકે? પણ તમે કહો છો કે બાલઝબૂલ મને શક્તિ આપે છે તેથી હું દુષ્ટાત્માઓ કાઢું છું. વળી, જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓ કાઢું છું,
૧૯. તો તમારા અનુયાયીઓ કોની મદદથી કાઢે છે? તમારા પોતાના અનુયાયીઓ જ સાબિત કરે છે કે તમે જુઠ્ઠા છો.
૨૦. પણ જો, હું ઈશ્વરના સામર્થ્યથી દુષ્ટાત્માઓને કાઢું છું; તો ઈશ્વરનું રાજ તમારી પાસે આવી પહોંચ્યું છે એની એ સાબિતી છે.
૨૧. “બળવાન માણસ શસ્ત્રસજ્જ થઈ પોતાના ઘરને સાચવતો હોય, તો તેની માલમિલક્ત સહીસલામત રહે છે.
૨૨. પણ જ્યારે એનાથી વધારે બળવાન માણસ તેના પર હુમલો કરી તેને હરાવે છે ત્યારે જે શસ્ત્રો પર તે આધાર રાખે છે તે તે ઉતારી લે છે, અને લૂંટેલી મિલક્ત વહેંચે છે.
૨૩. જે મારા પક્ષનો નથી, તે સાચે જ મારી વિરુદ્ધ છે; સંગ્રહ કરવામાં જે મારી મદદ કરતો નથી, તે તેને વિખેરી નાખે છે.
૨૪. “માણસમાંથી બહાર નીકળ્યા પછી અશુદ્ધ આત્મા વિશ્રામસ્થાન શોધતો શોધતો વેરાન પ્રદેશમાં ભટક્યા કરે છે. જો તેને એવું સ્થાન ન મળે, તો તે કહે છે, ‘મારા જે ઘરમાંથી હું નીકળી આવ્યો છું તેમાં હું પાછો જઈશ.’
૨૫. પછી તે પાછો જાય છે. ત્યારે તે તેને સાફસૂફ કરેલું તથા વ્યવસ્થિત જુએ છે.
૨૬. પછી તે બહાર જઈને પોતાના કરતાં વધારે ભૂંડા એવા સાત અશુદ્ધ આત્માઓને બોલાવી લાવે છે અને તેઓ આવીને ત્યાં વસવાટ કરે છે. એમ થતાં માણસની આખરી સ્થિતિ તેની શરૂઆતની સ્થિતિ કરતાં વધારે ભૂંડી થાય છે.”
૨૭. ઈસુએ એ કહ્યું ત્યારે ટોળામાંથી એક સ્ત્રી મોટેથી પોકારી ઊઠી, “તમે જેના ઉદરે જન્મ્યા અને જેના સ્તને દૂધપાન કર્યું તે સ્ત્રીને ધન્ય છે!”
૨૮. પણ ઈસુએ જવાબ આપ્યો, “એના કરતાંય ઈશ્વરનો સંદેશ સાંભળીને તેને આધીન થનારાઓને ધન્ય છે.”