A A A A A

યશાયાહ ૩૦:૧-૩૩
૧. યહોવા કહે છે કે, “બંડ કરનારા મારા બાળકોને અફસોસ! તેઓ યોજનાઓ ઘડે છે છતાં તે મારી યોજના નથી; તેઓ સંધિઓ કરે છે પણ તે મારા માન્ય કરેલી નથી. તેઓ પાપ ઉપર પાપ ઉમેરવા સારુ પેયાર્પણ રેડે છે, પણ તેઓ મારા આત્માને અનુસરતા નથી;
૨. તેઓ મને પૂછયાં વિના મિસરની છાયામાં શરણું લેવા તેના રાજા ફારુનના રક્ષણમાં આશ્રય લેવા મિસર જવા નીકળી પડ્યા છે!
૩. “પણ ફારુનનો આશ્રય લેવા જતાં તેમની માત્ર ફજેતી જ થશે, અને મિસરની છાયામાં શરણું લેવાથી માનહાની જ થશે.
૪. જો કે તેના અમલદારો સોઆનથી લઇને હાનેસ સુધી મુસાફરી કરે છે.
૫. પણ તેઓ કઇ કામના નથી, જેઓ તેમના પર આધાર રાખે છે તેને તેમના તરફથી માત્ર અપમાન અને અપયશ જ મળશે, મદદ નહિ.”
૬. દક્ષિણનાં રણનાં પશુઓને લગતી દેવવાણી: એ એલચીઓ હાડમારી અને કષ્ટોભર્યા પ્રદેશમાં થઇને, જ્યાં સિંહો વસે છે, ઝેરી નાગ અને ઊડતા સાપ વસે છે, તેમાં થઇને ગધેડાં અને ઊંટો પર લાદીને મિસરની પ્રજા માટે ભેટસોગાદો લઇ જાય છે.
૭. પણ તે પ્રજાથી એમને કશો લાભ થાય એમ નથી. કારણ, મિસરની સહાય મિથ્યા છે, તેની કશી વિસાત નથી; અને માટે જ મેં મિસરનું નામ “દૈવત વગરનો દૈત્ય” પાડ્યું છે.
૮. યહોવાએ મને કહ્યું, “હવે ચાલુ તું જઇને લોકોના દેખતાં એક તકતી પર લખી નાખ, અને તેને ટીપણાંમા કોતરી નાખ, જેથી ભવિષ્યમાં સદાને માટે એ સાક્ષી તરીકે કામ આવે,
૯. કારણ કે તેઓ બળવાખોર લોકો અને બેવફા બાળકો છે. તેઓ યહોવાના શિક્ષણને સાંભળતા નથી.”
૧૦. તેઓ દષ્ટાઓને કહે છે, “જોશો નહિ.” પ્રબોધકોને કહે છે, “અમને સત્ય સંભળાવશો નહિ, અમને મીઠી મીઠી વાતો અને ભ્રામક દર્શનો વિષે કહેજો.
૧૧. રસ્તો છોડો, અમારા માર્ગમાંથી ખસી જાઓ, ઇસ્રાએલના પરમપવિત્ર દેવની વાત અમારી આગળ ન કરશો.”
૧૨. આથી ઇસ્રાએલના પરમ પવિત્ર દેવ પ્રત્યુત્તર આપે છે: “તમે આ ચેતવણીની ઉપેક્ષા કરો છો, અને અન્યાયમાં અને છળકપટમાં માનો છો અને એના પર જ આધાર રાખો છો,
૧૩. એટલે જેમ ભીંતમાં પહોળી ફાટ પડે છે અને તે તૂટી પડે છે અને થોડી ક્ષણોમાં જ કકડભૂસ નીચે પડે છે, તેમ તમારા પર અચાનક વિનાશ આવી પડશે.
૧૪. જેમ કોઇ ઘડાને જોરથી ફટકો મારે અને તેના ઝીણા ઝીણા ટુકડા થઇ જાય અને તેમાં એક પણ ટૂકડો એવો ન રહે, જેના વડે ચૂલામાંથી અંગારો અથવા ટાંકામાંથી પાણી લઇ શકાય, એવી તમારી દશા થશે.”
૧૫. કારણ કે પ્રભુ યહોવા ઇસ્રાએલનો પવિત્ર દેવ કહે છે કે, “કેવળ મારી તરફ પાછા ફરીને અને મારી વાટ જોઇને તમે બચાવ પામી શકશો. શાંત રહેવામાં અને ભરોસો રાખવામાં તમારું સાર્મથ્ય રહેલું છે.” પરંતુ તમારામાં આમાનું કશું નથી.
૧૬. એટલે તમે કહ્યું, “ના, અમે તો ઘોડા પર બેસીને ભાગી જઇશું.” એટલે હવે તમારે ભાગવું પડશે. તમે કહ્યું, “અમે તો પવનવેગી ઘોડા પર ભાગી જઇશું.” એટલે હવે તમારો પીછો પકડનારાઓ પવનવેગે તમારો પીછો પકડશે.
૧૭. તેઓમાંનો એક તમારા એક હજારને ભગાડી મૂકશે! તેઓમાંના પાંચ તમને એવી રીતે વિખેરી નાંખશે કે તમારામાંથી કોઇ બે વ્યકિતઓ ભેગી નહિ રહે. તમે દૂરના પર્વતોની ટોચ પરના એકલા ધ્વજદંડની જેમ મૂઠીભર બાકી રહેશો.
૧૮. તેમ છતાં યહોવા તમારા પર કૃપા કરવાની રાહ જોઇ રહ્યો છે, તમારા પર દયા કરવાને તલપી રહ્યો છે; કારણ કે યહોવા તો ન્યાયનો દેવ છે, તેને ભરોસે રહેનાર સર્વ આશીર્વાદિત છે.
૧૯. હે યરૂશાલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, હવે ફરી તમારે રડવું નહિ પડે. તમારો પોકાર કાને પડતાં યહોવા જરૂર તમારા પર કૃપા કરશે. સાંભળતા જ જવાબ આપશે.
૨૦. યહોવા તમને સંકટરૂપી રોટલી અને વિપત્તિરૂપી પાણી આપે છે, તોપણ તમને શિક્ષણ આપવા તે તમારી સાથે રહેશે. તમે તમારી પોતાની આંખોથી તમારા શિક્ષકને જોશો.
૨૧. જ્યારે તમે આડાઅવળા જશો કે તરત જ પાછળથી એવી વાણી તમને સંભળાશે કે, “આ રહ્યો તમારો માર્ગ, તેના પર તમે ચાલો.”
૨૨. જ્યારે તમે તમારી ચાંદીથી મઢેલી અને સોનાથી રસેલી મૂર્તિઓને અપવિત્ર માનીને ઉકરડાની જેમ ફેંકી દેશો અને કહેશો, અહીંથી દૂર થા.
૨૩. તમે જમીનમાં બી વાવશો, તેને માટે યહોવા વરસાદ મોકલશે અને જમીન પુષ્કળ પાક આપશે; તથા તમારાં ઢોરઢાંખરાં માટે ભરપૂર ચારો મળશે.
૨૪. અને તે દિવસે તમારાં ઢોર વિશાળ ચરાઓમાં ચરશે, અને જમીનને ખેડનાર બળદો અને ગધેડાં પણ સારું સારું ખાણ ખાવા પામશે.
૨૫. શત્રુઓની હત્યાને દિવસે, જ્યારે તેમના બુરજો જમીન પર ઢળી પડતા હશે ત્યારે દરેક પર્વત અને દરેક ટેકરી પર પાણીનાં ઝરણાં વહેતાં હશે.
૨૬. જે દિવસે યહોવા પોતાના લોકોના ઘા જે તેણે તેના લોકો પર કર્યા હતાં, તેને રૂઝવી દેશે, તે દિવસે ચંદ્રનો પ્રકાશ સૂર્યના પ્રકાશ જેવો અને સૂર્યનો પ્રકાશ સાતગણો, સાત દિવસના પ્રકાશ જેટલો ઉજ્જવળ થઇ જશે.
૨૭. જુઓ, અહીં યહોવા પોતે સાર્મથ્ય અને મહિમા સાથે દૂર દૂરથી આવે છે. તેનો ક્રોધ ભભૂકે છે, અને ધુમાડાના વાદળો પર ઊડે છે. તેના હોઠો કોપથી ભરેલા છે, ને તેની જીભ બળતા અગ્નિ સરખી છે;
૨૮. તેનો શ્વાસ ગળા સુધી આવતી ધસમસતી નદી જેવો છે. તે પ્રજાઓને વિનાશની ચાળણીએ પ્રજાઓને ચાળે; લોકોના જડબામાં તિકારક લગામ મૂકે છે.
૨૯. પણ તમે તો ઉત્સવની રાત્રે જેમ ગીતો ગવાય છે તેમ ગીતો ગાશો; ઇસ્રાએલના આધારરૂપ યહોવાના મંદિરની યાત્રાએ વાંસળી વગાડતા વગાડતા યાત્રાળુઓ જતા હોય તેમના જેવો આનંદ તમે અંતરમાં અનુભવશો.
૩૦. યહોવા પોતાનો પ્રતાપી અવાજ સૌને સંભળાવશે અને પોતાનો પ્રચંડ કોપ સર્વભક્ષી અગ્નિની જવાળારૂપે, મૂશળધાર વરસાદરૂપે, વાવાઝોડારૂપે અને કરારૂપે ઉતારશે.
૩૧. યહોવાના અવાજથી આશ્શૂરના લોકો શિક્ષા પામશે. એક સમયે યહોવાએ તે પ્રજાનો શિક્ષાની લાકડી તરીકે ઉપયોગ કર્યો હતો.
૩૨. જ્યારે યહોવા તેઓને શિક્ષા કરશે ત્યારે યહોવાના લોકો વાજીંત્રોના નાદ સાથે ગાયનોથી આનંદ કરશે.
૩૩. આશ્શૂરના રાજાને દફનાવવા માટે લાંબા સમયથી ખાડો તૈયાર રાખવામાં આવેલો છે, એને ખોદીને ઊંડો અને પહોળો કરેલો છે, એમાં પુષ્કળ લાકડાં ખડકેલાં છે; અને યહોવાનો શ્વાસ ગંધકના પ્રવાહની જેમ તેને સળગાવે છે.

યશાયાહ ૩૧:૧-૯
૧. તેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે, ને ઘોડાઓ પર આધાર રાખે છે; અને રથો પુષ્કળ હોવાથી તેમના પર ભરોસો રાખે છે, ને સવારો ઘણા સમર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે; પણ તેઓ યહોવા પર, ઇસ્રાએલના પરમપવિત્ર દેવ તરફ તેઓ ષ્ટિ કરતા નથી, કે તેની મદદ માંગતા નથી,
૨. તેમ છતાં યહોવા બધું સમજે છે અને આફત લાવે છે, ને પોતાની ધમકી ફોક થવા દેતા નથી. તે દુષ્ટોનાં સંતાનોને અને તેમને મદદ કરનારાઓને સજા કરશે.
૩. મિસરીઓ પણ માણસ છે, તેઓ દેવ નથી; તેમના ઘોડા પણ માંસના બનેલા છે, અમર નથી. જ્યારે યહોવા હાથ ઉગામશે ત્યારે મદદ કરનાર ઠોકર ખાશે અને મદદ લેનાર પડી જશે, અને તેઓ બધા જ એકી સાથે સમાપ્ત થઇ જશે.
૪. કેમ કે, યહોવાએ મને એમ કહ્યું છે કે, “જેમ કોઇ સિંહ શિકાર પર ઊભો રહીને ધૂરકે છે, અને ભરવાડોનું ટોળું તેની સામે આવે છે, તોયે તેમની બૂમરાણથી તે ગભરાતો નથી કે નથી તેમના હાકોટાથી ભાગી જતો.” તેમ હું સૈન્યોનો દેવ યહોવા, સિયોનના પર્વત પર તેને પક્ષે લડવા ઊતરી આવીશ અને મને કોઇ રોકી શકશે નહિ.
૫. જે રીતે પક્ષી પોતાના બચ્ચાનું રક્ષણ કરવા માળા પર પાંખો પ્રસારે તેમ હું સૈન્યોનો દેવ યહોવા યરૂશાલેમનું રક્ષણ કરીશ અને તેનો મોક્ષ કરીશ.
૬. હે ઇસ્રાએલના લોકો, તમે જેનો ભારે અપરાધ કર્યો છે તેની પાસે પાછા આવો.
૭. કારણ, તે દિવસ આવી રહ્યો છે જ્યારે તમારાંમાંનો દરેક જણ તમારા પોતાના પાપી હાથે બનાવેલી ચાંદીની અને સોનાની મૂર્તિને ફગાવી દેશે.
૮. માણસની નહિ એવી તરવારથી આશ્શૂરનું પતન થશે, માણસની નહિ હોય તેવી તરવારથી તેનો સંહાર થશે. તે રણસંગ્રામમાંથી ભાગી જશે, અને તેના જુવાનજોધ યોદ્ધાઓને મજૂરીએ વળગાળવામાં આવશે;
૯. તેનો રાજા ભયને લીધે ભાગી જશે અને તેના સરદારો એવા તો બીશે કે ધ્વજને છોડીને નાસી જશે. આ યહોવાના વચન છે, જેની ભઠ્ઠીનો અગ્નિ યરૂશાલેમમાં ભડભડ બળે છે.

યશાયાહ ૩૨:૧-૨૦
૧. જુઓ, એવો સમય આવશે જ્યારે રાજા ન્યાયથી રાજ્ય કરશે અને અમલદારો ન્યાયથી તેનો અમલ ચલાવશે.
૨. તે લોકો ઇસ્રાએલને તોફાન અને વાવાઝોડા સામે રક્ષણ પૂરું પાડશે. તે તેને રણમાં વહેતી નદી જેવી તાજગી આપશે. ઇસ્રાએલ માટે તે ગરમ અને સૂકા પ્રદેશમાં શીતળ છાંયો આપનાર મહાન ખડક સમાન બનશે.
૩. પછી, જેઓ જોઇ શકે છે તેમની આંખો બંધ નહિ થાય અને જેઓ સાંભળી શકે છે તેમના કાન શ્રવણ કરશે.
૪. ઉતાવળા માણસો જોઇ વિચારીને વર્તન કરશે, અને જે લોકો બોલતાં થોથવાય છે તે સ્પષ્ટ બોલશે.
૫. ત્યારબાદ મૂર્ખર્ને કોઇ ખાનદાન નહિ કહે, કે ધૂર્તને કોઇ આદરપાત્ર નહિ કહે.
૬. કારણ કે મૂર્ખ મૂર્ખની જેમ બોલે છે, અને તે મનમાં દુષ્ટ મનસૂબા ઘડે છે. તે અધર્મ આચરે છે, યહોવા વિષે પણ વિપરીત બોલે છે, ભૂખ્યાને ભૂખ્યું રાખે છે અને તરસ્યાને પાણી પાતો નથી.
૭. અને પેલા ધૂર્તની રીત પણ દુષ્ટ હોય છે; તે દુષ્ટ યુકિત પ્રયુકિતઓ વાપરે છે, તે રંક લોકોને દુ:ભવવાનો પ્રયત્ન કરે છે અને તેમને કાયદાના ન્યાયાલયમાં ઠગે છે.
૮. છતાં ઉદાર માણસો ઉદારતા રાખવાનું ચાલુ રાખશે.
૯. એશઆરામમાં જીવન વ્યતિત કરતી સુખવાસી સ્ત્રીઓ, ઊઠો અને મારી વાણી સાંભળો; હે બેદરકાર પુત્રીઓ, મારાં વચનો પર ધ્યાન આપો!
૧૦. હે બેદરકાર સ્ત્રીઓ, અત્યારે તમને કશી ચિંતાફિકર નથી, પણ વરસ પૂરું થતાં જ તમે ધ્રૂજી ઊઠશો, કારણ, દ્રાક્ષની ભેગી કરવાની ઋતું પૂરી થઇ ગઇ હશે અને તમે કઇં ભેગું કર્યું નહિ હોય.
૧૧. હે એશઆરામી સ્ત્રીઓ, કંપી ઊઠો! હે બેદરકાર સ્ત્રીઓ, ધ્રૂજી ઊઠો! તમારા રોજબરોજના વસ્રો દૂર કરો અને શણના કપડાં પહેરીલો.
૧૨. પાકથી ભરપૂર એવા તમારાં ખેતરો અને ફળદાયક દ્રાક્ષવાડીઓ માટે તમારી દિલગીરી વ્યકત કરવા તમે તમારી છાતી કૂટો.
૧૩. તમારી ભૂમિમાં કાંટા અને ઝાંખરા ઊગી નીકળ્યા છે. એક વખતના આનંદભર્યા નગરો અને સુખી ઘરો માટે આક્રંદ કરો.
૧૪. કારણ, મહેલ સૂનો પડ્યો છે અને કોલાહલભર્યું શહેર ઉજ્જડ થઇ ગયું છે; ઘરો અને બુરજો કાયમના ખંડેર થઇ ગયાં છે, જ્યાં ગધેડાઓ આનંદથી હરેફરે છે અને ઘેટાંબકરાં ચરે છે.
૧૫. પરંતુ છેવટે દેવ આપણા પર સ્વર્ગમાંથી ચૈતન્ય વરસાવસે, અને ત્યાર પછી રણ પ્રદેશ ખેતીની જમીન જેવો ફળદ્રુપ બની જશે અને ખેતર ભૂમિ જંગલ જેવી ફળદ્રુપ બની જશે.
૧૬. ત્યારે સમગ્ર મરુભૂમિમાં અને લીલી ધરતીમાં સર્વત્ર ઇનસાફ અને ન્યાય વાસો કરશે,
૧૭. અને ન્યાયીપણાને પરિણામે કાયમી શાંતિ અને સુરક્ષા રહેશે.
૧૮. ત્યારે મારા લોકો શાંતિભર્યા દેશમાં અને સુરક્ષાભર્યા તંબુઓમાં નિશ્ચિંત થઇને રહેશે.
૧૯. પરંતુ જંગલો નાશ પામશે; નગરનો ધ્વંસ થશે.
૨૦. સુખી છો તમે જેઓ દરેક ઝરણાની ધારે બી વાવો છો અને તમારા બળદોને અને ગધેડાને ચરાણમાં છૂટથી ચરવા દો છે.

ગીતશાસ્ત્ર ૧૦૮:૭-૧૩
૭. દેવ તેમના પવિત્ર મંદિરમાંથી બોલ્યા, “હું યુદ્ધ જીતીશ અને આનંદ પામીશ. હું આ ભૂમિ વહેંચીશ, અને તેમને શખેમ તથા સુકકોથની ખીણ આપીશ.
૮. ગિલયાદ અને મનાશ્શા પણ મારા છે; એફ્રાઇમ માથાનો ટોપ છે અને, યહૂદિયા મારો રાજદંડ છે.
૯. મોઆબ મારા પગ ધોવાનો વાટકો બનશે. અદોમ મારા ખાસડા ઊંચકી લાવશે, હું પલિસ્તીઓને હરાવીશ અને જયનાદ કરીશ!”
૧૦. મને કોટબંધ નગરમાં કોણ લઇ જશે? અને મને અદોમમાં કોણ દોરી જશે?
૧૧. હે યહોવા, શું તમે અમને તરછોડ્યાં છે? હે દેવ, તમે અમારા સૈન્યને તજ્યું છે?
૧૨. અમને અમારા શત્રુઓ સામે મદદ કરો, અમને મદદ કરો, લોકો તરફની મદદ નકામી છે!
૧૩. અમે દેવની સહાયથી પરાક્રમો કરીશું; હા, એ જ અમારા શત્રુઓને કચડી નાંખશે.

ઉકિતઓ ૨૫:૨૩-૨૪
૨૩. ઉત્તરનો પવન વરસાદ લાવે છે; તેમ જ ચાડીખોર જીભ ક્રોધિત ચહેરો ઉપજાવે છે.
૨૪. કજિયાખોર સ્ત્રીની સાથે ઘરમાં અંદર રહેવાં કરતાં ધાબાના ખૂણામાં વાસ કરવો સારો છે.

૨ કોરીંથી ૧૧:૧૬-૩૩
૧૬. હું તમને ફરીથી કહું છું: કોઈ વ્યક્તિએ એમ માનવું ન જોઈએ કે હું મૂર્ખ છું. પરંતુ જો તમે મને મૂર્ખ ધારતા હો તો, તમે જે રીતે મૂર્ખને આપનાવો છો એ રીતે તમે મને અપનાવો. જેથી હું પણ થોડી બડાઈ મારી શકું.
૧૭. હું બડાઈ મારું છું, કારણ કે મને મારા વિષે ખાતરી છે. પરંતુ પ્રભુ જે રીતે વાત કરે થે રીતે હું વાત કરતો નથી. હું મૂર્ખની જેમ બડાશ મારું છું.
૧૮. દુનિયામાં ઘણા લોકો તેમના જીવન વિષે બડાશ મારે છે. જેથી હું પણ બડાશ મારીશ.
૧૯. તમે શાણા છો, તેથી હર્ષસહિત મૂર્ખાઓ સાથે તમે ધીરજ ઘરશો.
૨૦. હું જાણું છું કે, તમે ધીરજવાન છો, કારણ કે જે માણસ તમને અમુક વસ્તુ કરવાની ફરજ પાડે છે અને તમારો લાભ લે છે. તેની સાથે પણ તમે ધીરજ ધરો છો. જે વ્યક્તિ તમને છેતરે, અથવા જે એમ માને કે તે તમારા કરતા સારો છે અથવા તમને મોંઢાં પર મારે તેની સાથે પણ તમે ધીરજવાન છો!
૨૧. મારે માટે આમ કહેવું શરમજનક છે, પરંતુ આવી વસ્તુ તમારી સાથે કરવા માટે અમે ઘણા જ “નિર્બળ” છીએ. પરંતુ જો કોઈ વ્યક્તિ બડાઈ મારવામાં બહાદુર હોઈ શકે, તો હું પણ બહાદુર બનીશ અને બડાશ મારીશ. (હું મૂર્ખની જેમ બોલું છું.)
૨૨. શું પેલા લોકો યહૂદિ છે? હું પણ છું. શું તેઓ ઈસ્રાએલી છે? હું પણ છું. શું તેઓ ઈબ્રાહિમના કુટુંબના છે? હું પણ છું.
૨૩. શું તે લોકો ખ્રિસ્તની સેવા કરે છે? હું તેની વધારે સેવા કરું છું. (હું આમ બોલવામાં ઘેલો છું.) મેં પેલા લોકો કરતાં વધારે સખત પરિશ્રમ કર્યો છે. ધણીવાર હું જેલમાં પૂરાયો છું. હું ઘણો માર ખાઈને ઘાયલ થયો છું. હું ધણીવાર લગભગ મૃતઃપ્રાય બન્યો છું.
૨૪. પાંચવાર યહૂદિ લોકોએ ૩૯ કોરડા મારવાની સજા મને કરી છે.
૨૫. ત્રણ વખત મેં લોખંડના સળિયાથી માર ખાધો. એકવાર પથ્થરોથી મને મારવામાં આવ્યો હતો. ત્રણ વખત હું એવા વહાણોમાં હતો જે તૂટી પડ્યા, અને એક વખત આખી રાત અને પછીનો દિવસ મેં દરિયામાં ગાળ્યો હતો.
૨૬. મેં ઘણીવાર મુસાફરી કરી છે. અને હું નદીઓ, લૂંટારાઓ અને મારા પોતાના લોકો દ્વારા ભયમાં મૂકાયો છું. હું એવા લોકો દ્વારા પણ ભયમાં મૂકાયો છું. જેઓ બિનયહૂદિ છે. હૂં શહેરોમાં, જ્યાં માનવ વસતો નથી ત્યાં, કે દરિયામાં પણ ભયમાં મૂકાયો છું. અને જે લોકો એમ કહે કે તેઓ મારા ભાઈઓ છે પણ ખરેખર ન હોય તેમના થકી પણ ભયમાં મૂકાયો છું.
૨૭. મેં સખત અને થકવી નાખનાર કામો કર્યા છે, અને ધણીવાર હું સૂતો પણ નથી. હું ધણીવાર ભુખ્યો અને તરસ્યો રહ્યો છું. ધણીવાર હું ઠંડીથી પીડાયો છું અને વસ્ત્રહીન રહ્યો છું.
૨૮. અને બીજી ઘણી સમસ્યાઓ છે. તેમાંની એક તે મારે બધી મંડળીઓની સંભાળ રાખવાની તે છે. દરરોજ હું તેમના વિષે ચિંતીત રહું છું.
૨૯. જ્યારે અન્ય વ્યક્તિ શીથિલ બને છે ત્યારે હું પણ શીથિલ બનું છું. જ્યારે અન્ય વ્યક્તિ પાપ તરફ દોરાય છે ત્યારે અંદરથી હું બળુ છું.
૩૦. જો મારે બડાઈ મારવી જ હોય તો, હું એ વસ્તુની બડાઈ મારીશ જે બતાવે છે કે હું નિર્બળ છું.
૩૧. દેવ જાણે છે કે હું ખોટું નથી બોલતો. તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ અને પિતા છે, અને સદાકાળ તેને સ્તુત્ય છે.
૩૨. જ્યારે હું દમસ્કમાં હતો, ત્યારે અરિતાસ રાજાનો હાકેમ મને કેદ કરવા માંગતો હતો. તેથી શહેરની આજુબાજુ તેણે રક્ષકો ગોઠવ્યા.
૩૩. પરંતુ કેટલાએક મિત્રોએ મને ટોપલામાં મૂક્યો અને પછી તે ટોપલો તેમણે દિવાલના બાકામાંથી મને નીચે ઉતાર્યો. અને તે રીતે હું હાકેમથી બચી ગયો.