એક વર્ષમાં બાઇબલ
મે ૨૩


એલજે ૨૧:૧-૧૯
૧. ઈસુએ કેટલાએક ધનવાન લોકોને મંદિરમાં પૈસાની પેટીમાં દેવની ભેટો મૂકતાં જોયો.
૨. પછી ઈસુએ એક ગરીબ વિધવાને જોઈ, તેણે બે નાના તાંબાના સિક્કા પેટીમાં મૂક્યા.
૩. ઈસુએ કહ્યું કે, “હું તમને સાચું કહું છું, આ ગરીબ વિધવાએ ફક્ત બે નાના સિક્કા આપ્યા છે. પણ ખરેખર તો તેણે પેલા બધાજ પૈસાદાર લોકો કરતાં વધારે આપ્યું છે.
૪. ધનવાન લોકો પાસે પુષ્કળ છે, તેઓએ તો ફક્ત તેમની પાસે જે વધારાનું છે તેમાંથી જ આપ્યું છે. આ સ્ત્રી ઘણી ગરીબ છે. પણ તેણે તેની પાસે હતું તે બધું જ આપ્યું છે. અને તે પૈસા તેના જીવનમાં સહાય માટે જરૂરી હતા.”
૫. કેટલાએક લોકો મંદિર વિષે વાતો કરતા હતા. તેઓએ કહ્યું, “આ એક સુંદર મંદિર ઉત્તમ પથ્થરોથી બાંધેલું છે. દેવને દાનમાં અપાયેલ ઘણી સુંદર ભેટો તો જુઓ!”
૬. પણ ઈસુએ કહ્યું, “સમય આવશે ત્યારે તમે જે બધું અહી જુઓ છો તેનો નાશ થશે. આ મકાનનો પ્રત્યેક પથ્થર જમીન પર પાડી નાખવામાં આવશે, એક પણ પથ્થર બીજા પથ્થર પર રહેવા દેવામાં આવશે નહિ!
૭. કેટલાએક શિષ્યોએ ઈસુને કહ્યું કે, “ઉપદેશક, આ વસ્તુઓ ક્યારે બનશે? આપણને કેવી રીતે ખબર પડશે કે તે થવાનો સમય આવ્યો છે?”
૮. ઈસુએ કહ્યું, “સાવધાન રહો! કોઈ તમને મુર્ખ ન બનાવે. ઘણા લોકો મારા નામે આવશે, તેઓ કહેશે, ‘હું ખ્રિસ્ત છું’ અને ‘ખરો સમય આવ્યો છે!’ પણ તમે તેઓને અનુસરશો નહિ.
૯. જ્યારે તમે યુદ્ધો તથા હુલ્લડોની અફવાઓ સાંભળો ત્યારે બીશો નહિ. આ બાબતો પ્રથમ બનશે પણ તેનો અંત પાછળથી આવશે.”
૧૦. પછી ઈસુએ તેમને કહ્યું, “એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સાથે લડશે. એક રાજ્ય બીજા રાજ્યની સામે લડશે.
૧૧. ત્યાં મોટા ધરતીકંપ, મંદવાડ અને દુ:ખલાયક બાબતો ઘણી જગ્યાએ થશે. બીજી કેટલીક જગ્યાએ તો લોકોને ખાવા માટે ભોજન પણ નહિ હોય, ભયંકર બનાવો બનશે. આકાશમાંથી આશ્ચર્યજનક વસ્તુઓ લોકોને ચેતવણી આપવા આવશે.
૧૨. “પરંતુ આ બધી વસ્તુઓ બનતા પહેલાં, લોકો તમને પકડશે અને તમારું અહિત કરશે. લોકો તેમની સભાસ્થાનોમાં તમારો ન્યાય કરશે. અને તમને કેદ કરશે, તમને જબરજસ્તી રાજાઓ અને શાસનકર્તાઓ સમક્ષ ઊભા રાખવામાં આવશે. તમે મને અનુસરો છો તેથી લોકો તમારી સામે આ બધું કરશે.
૧૩. પણ આ તમને મારા વિષે કહેવાની તક આપશે.
૧૪. બચાવ માટે તમારે શું કહેવું તેની પણ જરાય ચિંતા કરશો નહિ.
૧૫. તમારો કોઈ પણ દુશ્મન ઉત્તર ન આપી શકે તેવુ કહેવા માટે બુદ્ધિ હું તમને આપીશ.
૧૬. માતાપિતા, ભાઈઓ, સંબંધીઓ અને મિત્રો પણ તારી વિરૂદ્ધ થશે. તેઓ તમારામાંના કેટલાકને મારી નાખશે.
૧૭. બધા માણસો તમને ધિક્કારશે કારણ કે તમે મને અનુસરો છો.
૧૮. પણ આમાંની કોઈ પણ વસ્તુ તમને ખરેખર નુકશાન કરી શકશે નહિ.
૧૯. જો તમે તમારા વિશ્વાસમાં મક્કમ રહેશો તો આ બધામાંથી તમારી જાતને બચાવી લેશો.