એક વર્ષમાં બાઇબલ
જુલાઈ ૨૦


અધિનિયમો ૧૦:૧-૨૩
૧. કૈસરિયા શહેરમાં કર્નેલિયસ નામે એક માણસ રહેતો હતો. તે લશ્કરની એક પલટનનો સૂબેદાર હતો જે ઈટાલિયન કહેવાતો.
૨. કર્નેલિયસ એક ધાર્મિક માણસ હતો. તે અને બીજા બધા લોકો જે તેના ઘરમાં રહેતાં હતા તેઓ સાચા દેવની ભક્તિ કરતા હતા. તે તેનો પોતાનો ઘણો ખરો પૈસો ગરીબ લોકોને આપતો. કર્નેલિયસ હંમેશા દેવની પ્રાર્થના કરતો હતો.
૩. એક બપોરે લગભગ ત્રણ કલાકે કર્નેલિયસે એક દર્શન જોયું. તેણે તે સ્પષ્ટ રીતે જોયું. દેવનો એક દૂત દર્શનમાં તેની પાસે આવ્યો અને કહ્યું, “કર્નેલિયસ!”
૪. કર્નેલિયસે દૂત તરફ જોયું. તેણે ડરી જઈને કહ્યું, “સાહેબ, તારે શું જોઈએ છીએ?” તે દૂતે કર્નેલિયસને કહ્યું, “દેવે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. તેં જે વસ્તુઓ ગરીબ લોકોને આપી છે તે તેણે જોઈ છે. દેવ તારું સ્મરણ કરે છે.
૫. હવે યાફા શહેરમાં કેટલાએક માણસો મોકલ. સિમોન નામના માણસને પાછો લાવવા તમારા માણસોને મોકલો. સિમોન પણ પિતર કહેવાય છે.
૬. સિમોન જે માણસ સાથે રહે છે. તેનું નામ પણ સિમોન છે. જે એક ચમાર છે. સમુદ્રની બાજુમાં તેનું ઘર છે.”
૭. જે દૂતે કર્નેલિયસને કહ્યું તે ચાલ્યો ગયો. પછી તેણે તેના બે ચાકરો અને એક સૈનિકને બોલાવ્યો. આ સૈનિક એક ધાર્મિક માણસ હતો. તે સૈનિક કર્નેલિયસને મદદ કરનારાઓમાંનો એક હતો.
૮. કર્નેલિયસે આ ત્રણે માણસોને બધી વાત સમજાવી. પછી તેણે તેઓને યાફા રવાના કર્યા.
૯. બીજે દિવસે આ ત્રણે માણસો યાફા નજીક આવ્યા. આ સમયે, પિતર ઘરના ધાબા પર પ્રાર્થના કરવા જતો હતો. લગભગ બપોરનો સમય હતો.
૧૦. પિતર ભૂખ્યો હતો. તેને ખાવાની ઈચ્છા હતી. પણ જ્યારે તેઓ પિતર માટે ખાવાનું બનાવવાની તૈયારી કરતા હતા ત્યારે એક દર્શન તેની સામે આવ્યું.
૧૧. તેણે ખુલ્લા આકાશમાંથી કંઈક નીચે આવતું જોયું. તે જમીન પર નીચે આવતી એક મોટી ચાદર જેવું દેખાતું હતું. તે તેના ચાર ખૂણાઓથી જમીન પર ઉતરતું હતું.
૧૨. તેમાં પ્રત્યેક જાતના ચોપગાં પશુઓ હતા-જે પશુઓ ચાલી શકતા, તથા જમીન પર પેટે સરકી શકતા, અને પક્ષીઓ જે હવામાં ઊડતાં.
૧૩. પછી વાણીએ પિતરને કહ્યું, “ઊભો થા, પિતર, આમાંના કોઇ એક પ્રાણીને મારીને ખા.”
૧૪. પણ પિતરે કહ્યું, “હું તે કદી કરીશ નહિ, પ્રભુ! મેં કદાપિ નાપાક કે અશુદ્ધ ભોજન કર્યું નથી.”
૧૫. પછી વાણીએ તેને ફરીથી કહ્યું, “દેવે આ વસ્તુઓ શુદ્ધ કરી છે. તેને ‘નાપાક’ કહીશ નહિ!”
૧૬. આમ ત્રણ વખત બન્યું. પછી આખુ વાસણ આકાશમાં પાછું ઊચે લઈ લેવામાં આવ્યું.
૧૭. પિતર મુંઝાઈ ગયો. આ દર્શનનો અર્થ શો? કર્નેલિયસે જે માણસોને મોકલ્યા હતા તેઓએ સિમોનનું ઘર શોધી કાઢ્યું. તેઓ દરવાજા પાસે આવીને ઊભા રહ્યાં.
૧૮. તેઓએ પૂછયું, “શુ સિમોન પિતર અહી રહે છે?”
૧૯. પિતર હજુ પણ દર્શન વિષે વિચારતો હતો. પરંતુ આત્માએ તેને કહ્યું, “જો! ત્રણ માણસો તારી આતુરતાથી રાહ જુએ છે.
૨૦. ઊભો થા અને નીચે ઊતર. આ માણસો સાથે જા અને પ્રશ્રો પૂછીશ નહિ. મેં તેઓને તારી પાસે મોકલ્યા છે.”
૨૧. તેથી પિતર નીચે ઉતરીને તે માણસો પાસે ગયો. તેણે કહ્યું, “તમે જે માણસની રાહ જુઓ છો, તે માણસ હું છું. તમે અહીં શા માટે આવ્યા છો?”
૨૨. તેઓએ કહ્યું, “એક પવિત્ર દૂતે કર્નેલિયસને તેના પોતાને ઘરે તને નિમંત્રણ આપવા કહ્યું. કર્નેલિયસ એક લશ્કરી અમલદાર છે. તે એક ભલો (ધાર્મિક) માણસ છે. તે દેવની ભક્તિ કરે છે. બધા યહૂદિઓ તેને માન આપે છે. તે દૂતે કર્નેલિયસને તેના ઘરે નિમંત્રણ આપવા કહ્યું તેથી તારે જે કંઈ કહેવું હોય તે ધ્યાનથી સાંભળે.”
૨૩. પિતરે તે માણસોને અંદર આવીને રાત્રે રહેવા માટે કહ્યું. બીજે દિવસે પિતર તૈયાર થયો અને ત્રણ માણસો સાથે ગયો. યાફામાંથી કેટલાક વિશ્વાસીઓ પિતર સાથે ગયા.